‘ઈતિહાસની ભાષા સ્મરણની હોય, એ જ ભવ્ય અને દિવ્ય ઈતિહાસ ભક્તિપૂર્વક રજુ થાય ત્યારે એની ભાષા સમર્પણની હોય. અહીં સુર – શબ્દની આવી જ ભક્તિ પ્રસ્તુત થઈ રહી છે.’ પાલિતાણાના મેવાડ ભવન – ચેન્નાઈ ભવનમાં હમણાં યોજાયેલા એક ભક્તિસંગીતના કાર્યક્રમમાં પૂ.આ.શ્રી વિરાગચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે આ વાત કહી હતી.
પાલિતાણામાં ચાર્તુમાસ નિમિત્તે બિરાજમાન પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પુજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં કાન્તાબહેન સેવંતીલાલ કેશવલાલ શાહ પરિવાર (ચાણસ્મા)ના નિમંત્રણથી અમે કલાકારો પાલિતાણામાં ભક્તિયાત્રા કરવા ગયા હતા. શ્રી ઋષભદેવ પ્રભુના દિવ્ય જીવનના બાર જેટલા ઐશ્વર્યોની અભિનવ અને અદભૂત, ભાવપૂર્ણ અને અર્થપૂર્ણ રજૂઆત કરવાનો આનંદ કંઈક નોખો - અનોખો હતો.
થોડા સમય પહેલા અમદાવાદમાં શ્રી શ્રેણિકભાઈ શાહ (જ્ઞાનની બારી)ના વર્ષીતપનાં પારણાં પહેલાં આ કાર્યક્રમ મારા સ્વજન અને ગાયક–સ્વરકાર આશિષ મહેતાએ ખાસ ડિઝાઈન કર્યો હતો અને અમે રજૂ કર્યો હતો. આશિષ મહેતાએ એમાં પોતાની સઘળી સુઝ અને ક્ષમતા કામે લગાડી છે અને ઉત્તમ બોધકારોના સથવારે જ્યારે આ ભક્તિયાત્રા પ્રસ્તુત થાય છે ત્યારે શ્રોતાઓ સાડા ત્રણ કલાક સુધી પ્રેમથી સાંભળે છે. અભ્યાસ અને અને સ્વાધ્યાય સાથે મને પણ સુત્રધાર તરીકે પ્રસ્તુતિ કરવા મળે છે જેનો આનંદ હું માણું છું.
જૈન શાસ્ત્રોમાં લખાયા મુજબ કુળકર નાભિદેવા અને તેમના પત્ની મરૂદેવાને ત્યાં ઉત્તમ પુત્રનો જન્મ થાય છે. કુમારધ્વજ નામે અને પુત્રી જન્મે છે સુમંગલા નામે યુગલિકોમાં આનંદ પ્રસરાવનાર બાળપ્રભુ શ્રદ્ધાનો દીવો પ્રગટાવે છે.
સોળે કળાના સુર્ય જેવા, ચંદ્રની શીતળતારૂપ હતા ઋષભધ્વજ. તેઓએ કહ્યું ‘તમે પ્રકૃતિ સાથે ઉદાર બનો, બીજાના આનંદની ચિંતા કરો.’ તેઓએ ચોસઠ અને બોતેર કળાની વિધિવત્ સ્થાપના કરી. મહાવિદ્યા, લઘુવિદ્યા, બળ–બુદ્ધિ-તર્ક સમજાવ્યા. પિતા-સખા-બંધુ-ગૃહસ્થ–યોદ્ધા-રાજવીની ભૂમિકા સમજાવી. પુત્રને ગાદી સોંપી વૈરાગના માર્ગે નીકળી ગયા અને પુત્રને કહેતા ગયા, ‘રાજા વિષયોનો વિજેતા થવો જોઈએ.’
જયભિખ્ખુ દ્વારા લિખિત પુસ્તકના અભ્યાસ સાથે ઋષભદેવ પ્રભુના જીવનના સ્વપ્ન, બાલ, યૌવન, કળા, વૈરાગ્ય, દીક્ષા, શ્રમણ, જટા, પારણું, ઈક્ષુ, વટવૃક્ષ અને મોક્ષ ઐશ્વર્યની સંવેદના રજૂ કરવાનો અવસર મને મળ્યો. તમામ રચનાઓના રચનાકાર પૂજ્ય મુનિરાજ શ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબે એક એક શબ્દમાં ઋષભદેવ પ્રભુના જીવનના - દિવ્ય ચરિત્રના ઐશ્વર્યને અભિવ્યક્તિ આપી છે.
કાર્યક્રમ વિરામ તરફ હતો ત્યારે શાસ્ત્રીય સંગીત અને કાવ્યના પ્રતિ વિશેષ રૂચિ ધરાવનાર આચાર્ય ભગવંતો પણ સહજ આનંદથી શાસ્ત્રીય રચના ગાઈ ઊઠ્યા એ જ કલાકારો માટે એમની કલા પ્રસ્તુતિની સાચી ભેટ હતી.
પાલિતાણામાં મારી કિશોરાવસ્થામાં માસી-માસાના ઘરે વેકેશનમાં રહેવા જતાં ત્યારે તળેટીમાં અનેકવાર જતો. એ પછી જૈન પરિવારો સાથેના દાયકાઓના સ્નેહ સંબંધોને કારણે પણ જતો, હવે કલાકાર કે ડોક્યુમેન્ટરી શૂટિંગ માટે જવાનું થાય છે ત્યારે કેટકેટલા ભાવાત્મક અનુભવો થાય છે.
હરિયાળી, પર્વત અને નદીઓ, ડેમનું સાંન્નિધ્ય મળે એટલે આનંદ થાય જ, એમાં વળી પરમાત્મા સ્વરૂપના દર્શનનો આનંદ ભળે, યાત્રામાં ભક્તિ ભળે એટલે મનમાં - હૃદયમાં ભક્તિ ને શ્રદ્ધાના દીવડાં પ્રગટે અને અજવાળાં રેલાયાનો અનુભવ થાય.