કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?
એક બોધકથા છે. રાજા અને પ્રધાન હતા. દાયકાઓથી પ્રધાને રાજાનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. રાજાનો પડ્યો બોલ ઝીલે અને યોગ્ય માર્ગદર્શન પણ આપે. એક વાર રાજાએ પ્રધાનને કોઈ એક ફળ આપ્યું અને કહ્યું કે ‘આમાંથી અડધું તમે ખાઈ જાવ અને અડધું મને આપો.’ પ્રધાને એવું જ કર્યું. રાજા જ્યાં ખાવા જાય છે ત્યાં એ પ્રધાને ધ્યાન દોર્યું કે ‘મેં જે ખાધું તે ફળ કડવું છે, આપનું ધ્યાન દોરું છું.’ રાજાએ કહ્યું ‘તો તમે કેમ ખાઈ ગયા? તમે થૂંકી કેમ નાખ્યું નહીં?’ પ્રધાને જવાબ આપ્યો કે ‘અત્યાર સુધીના મારા કાર્યકાળમાં આપે જે જે આપ્યું તે તે સ્વીકાર્યું અને તેમાં જ મારું સુખ માન્યું છે, હવે આ એક નાનકડું કડવું ફળ થૂંકી નાંખું તો મારો વિવેક લાજે.’
કેટલી મહત્ત્વપૂર્ણ વાત છે, પણ એ બોધકથાના મૂળમાં તો શેઠ–માલિક–રાજા જે આપે તેના સ્વીકારની ભાવના છે. એને પ્રસાદ ગણીને સ્વીકારવાની વાત છે. અનુકૂળ કે પ્રતિકૂળ જે સ્થિતિ આવી એનો સ્વીકાર છે. હવે જો કોઈ એક વ્યક્તિ માટે આટલો ભાવ હોય તો પરમાત્માની અસીમ કૃપા આપણા પર વરસી રહી છે, એ જે આપે છે એની માટે આપણી જાગૃતિ કેટલી છે? એ પણ સહજ પ્રશ્ન થાય. પરમ તત્વએ આપણને પંચતત્વની પ્રકૃતિ આપી, સ્વસ્થ શરીર આપ્યું, ઉત્તમ પરિવાર અને સગાં-સ્નેહી, મિત્રો-સ્વજનો આપ્યા. પોતપોતાની ક્ષમતા અનુસાર શારીરિક–માનસિક, સામાજિક–આધ્યાત્મિક, આર્થિક–ભૌતિક એમ વિવિધ પ્રકારની શક્તિ-સામર્થ્ય અને સંપત્તિ આપ્યા. જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હોય એમાં કારકિર્દી આપી. ગુરુ આપ્યા - શિષ્યો આપ્યા. શિક્ષણ આપ્યું - સમજણ આપી. સમયે સમયે જરૂરી કામો પૂરા થતા ગયા. તીર્થયાત્રા કે પ્રવાસ થતા ગયા, ઉત્સવો ઊજવાયા અને મેળાઓ માણ્યા. આવા આવા તો એકથી અનેક પ્રસંગો - ઘટનાઓ છે જે મોટાભાગે દરેક માણસના જીવનમાં બનતા રહે છે.
હા, ઘણી વાર વચ્ચે વચ્ચે દુઃખની ક્ષણો આવી જાય, પહાડ તૂટી પડ્યાની વેદના થાય, ક્યારેક થોડું તો ક્યારેક બધું જ ખલાસ થઈ જાય, ક્યારેક નિરાશા વ્યાપી જાય, ક્યારેક જીવન ઝેર જેવું થઈ જાય, આવું આવું પણ મોટા ભાગે દરેકના જીવનમાં ઊંમરના કોઈ તબક્કે નાના - મોટા અંશે બનતું રહે છે પણ આપણો માનવ સ્વભાવ એવો છે કે એ કડવાશને આપણે યાદ રાખીએ છીએ, એની ફરિયાદ કરીએ છીએ. પરમાત્માએ આપણી જ સાથે અન્યાય કેમ કર્યો એવા પ્રશ્નો થઈ આવે છે.
વાસ્તવમાં પરમ તત્વ દ્વારા જે જે મળ્યું છે એમાં એની કૃપાનો જો અનુભવ થવા માંડે તો પછી બધી પ્રતિકૂળ પરિસ્થિતિ પણ અનુકૂળ થતી આવે. મનનો દૃષ્ટિકોણ બદલાય તો નાની નાની વાતોમાં અનહદ આનંદનો અવસર પ્રાપ્ત થઈ જાય. હવે ક્યારેક આપણે યાદ કરીએ કે ઘટના સાવ નાની છે અથવા હતી, પરંતુ એમાં પરમાત્માની કેવી અદભૂત કૃપા મળી આવ્યાનો અનુભવ થયો ખરો? માંગ્યા વિના આપણને કેટકેટલું મળ્યું છે એની યાદી આપણે કરી છે ખરી? આપણે કેટલીક વાર જરૂર બોલીએ છીએ કે માતાજીની કૃપા થઈ, ઈષ્ટદેવની કૃપા છે, ગુરુકૃપા છે... વગેરે પરંતુ એ પ્રસંગો સિવાય પણ આપણા જીવનમાં આપણે જે જે સ્વરૂપને - તત્વને - પ્રકૃતિને માનીએ છીએ એની કૃપાનો પ્રસાદ આપણે પામતા હોઈએ છીએ.
વ્યક્તિગત રીતે મારી અનુભૂતિ લખું તો સદ્ગુરુએ વિક્સાવેલી સમજણથી ડગલેને પગલે નોકરીમાં - વ્યવસાયમાં અનેક મુશ્કેલી - ફરિયાદ – વિપરિત સંજોગો બધાની જેમ આવ્યા જ હોય, પણ એની વચ્ચે સતત કોઈ પરમ તત્વ એની કૃપા વરસાવી રહ્યાની અનુભૂતિ તો થયા જ કરી છે. હમણાંની જ વાત કરું તો કાર્યક્રમો સંદર્ભે જ સતત ધાર્મિક – આધ્યાત્મિક – પ્રવાસન સ્થળોએ જવાનું થાય, ઊર્જા મળે - આનંદ મળે - સતત અભ્યાસ થાય એ કૃપા નહીં તો બીજું શું? પરિવારના સંતાનો ખૂબ પુરુષાર્થ કરે, ખૂબ કમાય અને ખૂબ પ્રવાસો દેશ–વિદેશમાં કરતાં કરતાં સ્વસ્થ રહે, સલામત રહે એ કૃપા નહીં તો બીજું શું? મનગમતા દોસ્તો સાથે જીવવા મળે, દુરતા છતાં મિત્ર સાથે એકત્વ રહે એ કૃપા નહીં તો બીજું શું?
જે ક્ષેત્રમાં, જે વિષયમાં રસ–રૂચિ હોય, એ જ ક્ષેત્ર રોજીરોટીનું - કારકિર્દીનું પણ માધ્યમ બને એ કૃપા નહીં તો બીજું શું? મારી માતા એના સંતાનોની ચોથી પેઢીને સ્વસ્થતાથી રમાડી શકે, 86 વર્ષે મહેમાન માટે ચા બનાવી શકે એ કૃપા નહીં તો શું? સંપૂર્ણપણે સ્વાર્થવિહીન, લાગણીથી લથબથ સંબંધો મળે એ કૃપા નહીં તો બીજું શું? આવી નાની નાની ઘટનાઓની અનુભૂતિ જ આપણને જીવાડે છે અને આપણી આસપાસ, બહાર, અંદર કૃપાના અજવાળાંની અનુભૂતિ થયા કરે છે એ કૃપાના અજવાળાંને ઝીલવાની સહજ સજ્જતા કેળવીએ.