‘હું શિક્ષક હતો એમ નહીં કહું, આજે પણ શિક્ષક જ છું, શિક્ષક ક્યારેય ટાયર્ડ કે રિટાયર્ડ નથી થતો...’ રામકથામાં આવું ઘણી વાર કહેનાર પૂજ્ય મોરારિબાપુ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગોસ્વામી તુલસીદાસજીના શ્રી રામચરિત માનસનું ગાન કરી રહ્યા છે. ‘શિક્ષકને ઋષિપદ મળ્યું છે, જે રિસર્ચ કરે, રિસિવ કરે એ ઋષિ.’ આ વિધાન આપનાર મોરારિબાપુએ કેમ્બ્રિજની કથા જેનું નામાભિધાન ‘માનસ વિશ્વવિદ્યાલય’ કરાયું છે એના પ્રારંભે જણાવ્યું હતું કે ‘રામાયણ એક યુનિવર્સિટી હતી, જે સાત પર્વ વિવિધ ભાગોના સ્વરૂપમાં કાર્ય કરતા હતા, તેમનું નેતૃત્વ કુલપતિઓ દ્વારા કરાતું હતું. ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્ર, મહર્ષિ ગૌતમ, ઋષિ વાલ્મિકી, ઋષિ અગસ્ત્ય, ઋષિ યાજ્ઞવલ્ક્ય, કાકભુષંડી, કૈલાસ પર્વત, પ્રયાગ રાજ, નીલગિરિ પર્વત અને ગોસ્વામી તુલસીદાસ એમ 11 કુલપતિ હતા. હું એ વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી છું જેના કુલપતિ ગોસ્વામી તુલસીદાસ છે.’
કેમ્બ્રિજ પરિસરમાં યોજાયેલી મોરારિબાપુની આ 921મી કથા આરંભે 41મા માસ્ટર સોનિતા એલેનું ઓબીઇ તથા હાઉસ ઓફ લોર્ડ્ઝના કન્ઝર્વેટિવ સભ્ય લોર્ડ ડોલર પોપટે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. લોર્ડ પોપટે મહામહિમ કિંગ ચાર્લ્સ તૃતીયના શુભેચ્છા સંદેશનું વાંચન કર્યું હતું. બ્રિટનના યુવાનો દ્વારા, જેઓ રામકથાપ્રેમી છે આ આયોજન નિમિતમાત્ર યજમાનરૂપે કરાયું છે.
વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રાંગણમાં જિસસ કોલેજના મેદાનમાં યોજાયેલી નવ દિવસીય પૂજ્ય મોરારિબાપુની રામકથા ઐતિહાસિક બની રહેશે. પરિસરમાં આજ સુધીમાં પહેલી વાર કોઈ હિન્દુ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભારત અને બ્રિટનના સાંસ્કૃતિક સંબંધોમાં એક નૂતન પરિમાણ આ કથાથી ઉમેરાયું છે.
આ એ યુનિવર્સિટીનું પરિસર છે જ્યાં શિક્ષણના વિભિન્ન વિષયોના ધબકાર ઝીલાય છે, જ્યાં શોધ–સંશોધનના સામર્થ્ય સુધી પહોંચવાના સપનાં સાકાર થાય છે, જ્યાં ભારતના વિધવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવોએ પણ અભ્યાસ કર્યો છે.
બ્રિટનમાં પૂજ્ય મોરારિબાપુની કથા 1979થી યોજાતી રહી છે અને મહાકાય રામાયણના અર્થને અને અર્કને તેઓ શ્રોતાઓ સુધી પહોંચાડી રહ્યા છે. બ્રિટનના પરિવારો પૈકી એવા કેટલાય પરિવારો છે જેમની ત્રીજી પેઢી કથાશ્રવણમાં જોડાઈ રહી છે. જેઓએ બાળપણમાં કે યુવાવસ્થામાં કથા શ્રવણ કર્યું છે તેવા અનેક કથાના ‘ફ્લાવર્સ’ હવે કથાના આયોજનોમાં અને આનુષાંગિક સેવાઓમાં જોડાઈ રહ્યા છે.
2003ના વર્ષથી મારે પણ અવારનવાર બ્રિટન જવાનું થાય છે, હું સદભાગી રહ્યો છું કે 2006ની અને 2009ની કથાના શ્રવણનો મને પણ લાભ મળ્યો છે.
પૂજ્ય મોરારિબાપુએ એમની શબ્દપ્રીતિની અનુભૂતિ હંમેશા કરાવી છે. ગુજરાતી - હિન્દી તથા અન્ય ભાષાના સર્જકોને અને તેમના સર્જનને વધાવ્યા છે ત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાયેલી માનસ વિશ્વવિદ્યાલય કથા દ્વારા ઘરે બેસીને કથાશ્રવણ કરનારા કે રૂબરૂ સ્થળ પણ શ્રવણ કરનારના હૃદયમાં રામાયણની ચોપાઈઓના અર્થના દીવડાં ઝળહળશે અને સત્ય – પ્રેમ – કરુણાનો પ્રકાશ રેલાશે.