કેલેન્ડર કે તિથિ આપણને પ્રેરણા આપી શકે, પણ તેને અનુરૂપ કામ તો આપણે જ કરવું પડશે

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 08th May 2024 05:19 EDT
 
 

‘આજે સારો દિવસ છે, આરંભ કરીએ’ આવું વાક્ય આપણે સામાન્ય રીતે ઘણી વાર બોલતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. આપણા ઉત્સવોમાં ઘણા ઉત્સવો શુભારંભ માટેના ખાસ ઉત્સવો ગણાય છે.

આવો જ એક ઉત્સવ અક્ષયતૃતીયા - અખાત્રીજ નજીકમાં છે. અખાત્રીજનો દિવસ એટલે કોઈપણ કામના શુભારંભ માટેનું વણજોયું મુહૂર્ત. આ ઉત્સવના દિવસે આપણે નવા કાર્યો - નવા સાહસો - નવી ખરીદી વગેરે કરતા હોઈએ છીએ.
વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજની તિથિનો દિવસ એટલે અખાત્રીજ. કેટલાક વિસ્તારોમાં એને વરસનો વચલો દિવસ પણ કહે છે. વર્ષમાં ચાર વણજોયા મુહૂર્ત છે જેમાં બેસતું વર્ષ, ચૈત્ર સુદ એકમ, દશેરા અને અખાત્રીજનો સમાવેશ થાય છે. આ તમામ મુહૂર્તમાં અખાત્રીજ સૌથી શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત માનવામાં આવે છે. અક્ષયતૃતીયા એટલે એક અર્થમાં એ દિવસે જે પણ કંઈ કાર્ય કરવામાં આવે તેનું ફળ અક્ષય રૂપે - જેનો ક્ષય નથી એ પ્રમાણે મળે છે. આ દિવસે કોઈ પણ કાર્યનો શુભારંભ કરવા માટે મુહૂર્ત નથી જોવું પડતું. નવો વ્યવસાય કે નોકરી શરૂ કરવાના હોય, નવા વાહન કે મકાન ખરીદવાના હોય, શુભ કાર્યની જાહેરાત કરવાની હોય, કોઈપણ શુભ કાર્યનો વૈચારિક કે વાસ્તવિક આરંભ કરવાનો હોય તો અખાત્રીજ ઉત્તમ દિવસ ગણાય છે.
એક લેખક – સર્જક – કૌશલ્ય આધારિત જેનો વ્યવસાય છે એવા કલાકાર કે અન્ય વ્યવસાયના કોઈ પણ માણસ માટે અખાત્રીજનો દિવસ વિશેષ મહત્ત્વનો બની જાય છે. પોતાના સર્જનનો આરંભ અથવા એ માટેના સંકલ્પનો આરંભ એ મહત્ત્વની ક્ષણ હોય છે અને એટલે અખાત્રીજના દિવસથી એ રીતે સર્જનાત્મક કામોની પણ શરૂઆતથી થતી હોય છે. ઘણી વાર અનુભવ – અવલોકન એવા હોય છે કે આરંભે શૂરા કહેવતની જેમ આપણે આરંભ તો કરી દઈએ છીએ પરંતુ એ આરંભ પછી કાર્ય આગળ વધતું નથી. એ કામમાં કોઈ ગતિ - પ્રગતિ થતી નથી. સંકલ્પ માત્ર લેવા પૂરતો સંકલ્પ રહી જતો હોય છે. આવું પુરા જીવનમાં ક્યારે ક્યારે, સમય, પરિસ્થિતિ સંજોગો આધારિત રહીને બને તે સમજી શકાય. પરંતુ જો વારે વારે આવું બનવા માંડે તો એ જે તે વ્યક્તિની સફળતા આડે આવતો અવરોધ છે એ જે તે વ્યક્તિ માટે, એની સંકલ્પ સિદ્ધિ આડે રેડ એલર્ટ છે અને એટલે આવું ન થાય એ માટેની તૈયારી અને જાગૃતિ રાખવી જરૂરી છે.
કોઈ એક વિષય પર આર્ટિકલ લખવાનો આરંભ કરીએ અને પછી એ આર્ટિકલ આગળ વધે નહીં અથવા તો વધુ સારો, હજી વધુ સારો લખવો છે એવી ખોટી ભ્રમણામાં આપણે જીવીએ અને આર્ટિકલ લખાય જ નહીં તો પછી અખાત્રીજના દિવસે શરૂ કરેલું કામ પણ પૂરું નથી થતું. કેલેન્ડર કે તિથિ આપણને પ્રેરણા આપી શકે, એક અવસર બનીને આપણા જીવનમાં આવી શકે, પરંતુ એને અનુરૂપ કામ તો આપણે જ કરવું પડશે, એ માટેના ઊર્જા - ઉલ્લાસ કે આનંદ તો આપણે જ આપણા હૃદયમાં પ્રગટાવવા પડશે. જો આમ કરીશું તો આપણે આપણા નિયત લક્ષ્ય તરફ એકાદ ડગ જરૂર આગN માંડીશું એથી જ આપણે ત્યાં શુભ મુહૂર્તનું મહત્ત્વ છે અને એ શુભ મુહૂર્તમાં શરૂ કરાતા કાર્યો પૂર્ણ થવાની આસ્થા પણ હોય છે. આવો આપણા કાર્યો શુભત્વ સાથે જોડાય, શુભત્વના અજવાળાં રેલાય એવા સંકલ્પ સાથે અખાત્રીજના મંગલ ઉત્સવને વધાવીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter