‘તમે થોડી વાર મારી સાથે બેસોને!!’
દ્વૈતાનો હાથ પકડીને એક આધેડ વયની સ્ત્રી, જેને માત્ર એ એકાદ અઠવાડિયાથી જોયે ઓળખતી હતી એણે કહ્યું અને દ્વૈતાને થોડી ગભરાટ થવા સાથે અચંબો પણ થયો.
બાળપણથી સાહિત્ય-સંસ્કૃતિ-કળા અને સંગીતના આચાર-વિચાર અને સંસ્કાર મેળવનાર દ્વૈતા શાળા અને કોલેજકાળથી અનેક જાતની સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કારણે સાથી વિદ્યાર્થીઓમાં અને આસપાસના પાડોશીઓમાં લોકપ્રિય બની ચૂકી હતી. સ્વાભાવિકપણે દ્વૈતાએ એમની સાથે બાંકડા પર સ્થાન લેતા પહેલાં આ ચહેરાને યાદ કર્યો, પરંતુ પોતાના બાળપણ કે શાળા-કોલેજના સમયમાં ક્યારેય એ ચહેરો જોયાનું સ્મરણ એને થયું એટલે એ વધુ વિચારે ચડી. થોડી વાર સુધી બને કશું જ બોલ્યા નહીં.
દ્વૈતાનો અભ્યાસ પૂર્ણ થતા થતા સુધીમાં તો એક સાંવરીયો એની આંખમાં વસી ગયો અને એની સાથે લગ્ન થયા. બંને પરિવારોએ ઉલ્લાસ અને પરંપરાગત વિધિ સાથે લગ્નપ્રસંગને ઉકેલ્યો. દ્વૈતા એના પતિ સાથે ધીમે ધીમે વ્યવસાયિક પ્રવૃત્તિમાં ધ્યાન આપતી થઈ અને ઘરગૃહસ્થી પણ સંભાળતી થઈ. સમય જતાં ‘મેરે ઘર આયી એક નન્હી પરી’ જેમ દીકરીનો જન્મ થયો અને સૌએ એને વધાવી લીધી. દીકરીના ઉછેરમાં વ્યસ્ત રહેતી દ્વૈતાએ પોતાનો પૂર્ણ સમય આપ્યો એના સંસ્કાર-ઘડતરમાં. ઘરગૃહસ્થીની જવાબદારીઓ, પોતાના શોખ અને પતિના વ્યવસાયિક કામોના સમયને સંભાળતા સંભાળતા એ ઘરમાં ગાડી હોવા છતાં સ્કૂટર પર પવનવેગી બનીને બધા કામો પૂરા કરતી હતી. દીકરી પ્રાથમિક શાળા સુધી પહોંચી એટલે એને નૃત્યને સ્વિમિંગના ક્લાસ પણ શરૂ કરાવ્યા હતા.
આજે એ જ ક્રમમાં એ દીકરીને લઈને નૃત્યના ક્લાસમાં આવી હતી. ક્લાસ ચાલ્યો ત્યાં સુધીમાં આસપાસના એક-બે કામો પતાવ્યા, મોબાઈલમાં રહેલા સંદેશા ચેક કર્યાં અને સમય પૂરો થયો. ત્યાં પેલા બહેન એની પાસે આવ્યા અને હાથ પકડીને લેખના આરંભે લખેલું વાક્ય કહ્યું.
થોડી વાર એ બહેન મૂંગા રહ્યા ને પછી રડવા માંડ્યા. દ્વૈતાની મૂંઝવણ વધી. હૈયાધારણ આપી. પાણી પાયું. થોડી વારે ‘સોરી’ કહીને એ બહેને સહજભાવે પોતાની પીડાની વાત કરી. દરેકને હોય એમ તેમના પારિવારિક જીવનના, આર્થિક કે સામાજિક પ્રશ્નો એ સમયે ન હતા પરંતુ તેમના એક સ્વજનની બીમારી જે જીવલેણ હતી એની પીડા-દુઃખ અને વેદનાનું પ્રતિબિંબ એમના ચહેરા પર અને વાતોમાં વ્યક્ત થતું હતું. તમામ પ્રકારની સારવાર અને બાધા-આખડી એમના માટે એ કરી ચૂક્યા હતા અને એ કારગર ન નીવડતા હવે બીમારી છેલ્લા સ્ટેજ પર આવી ગઈ હતી. આવા સમયે સંવેદના કદાચ એની વાત પહોંચાડવા મજબૂર બની હશે અને એમણે અનાયાસ-અજાણ વ્યક્તિ પાસે પણ પોતાની વાત કહી દીધી હશે.
‘તમને હું થોડા દિવસથી જોઉં છું ને આજે એકાએક થયું કે મારી વાત તમને કહીને હું હળવી થઈ જાઉં’ એ બહેને દ્વૈતાને કહ્યું. દ્વૈતાએ પણ એમને ઓછા, પરંતુ અર્થપૂર્ણ શબ્દોમાં સાંત્વના આપી-પ્રેમ આપ્યો અને કહ્યું કે હું તમારા સ્વજન માટે પ્રાર્થના કરીશ. બંને છૂટા પડ્યા. ફરી અઠવાડિયા પછી એ બહેન મળ્યા તો ભેટી પડ્યા-રડી પડ્યા અને કહે કે, ‘તમારી પ્રાર્થનાએ અને તમારા પ્રેમે મને બળ આપ્યું. પરિણામે મારા સ્વજનના અવસાન બાદ ત્રણ દિવસે હવે હું સ્વસ્થ રીતે વાત કરી શકું છું.’
એ ઘટનાને બે-ચાર મહિના થયા. ફરી એ બહેન દ્વૈતાને મળ્યા નથી. એનું નામ કે ઘરનો નક્શો એને ખબર નથી, પરંતુ પોતાની પોઝિટિવ વિચારધારાના પરિણામે કોઈકના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવામાં એ પોતાનું સાહજિક યોગદાન આપી શકી એનો આનંદ એને જરૂર છે.
•••
સાવ અજાણ્યા માણસનું આમ એકાએક કોઈને મળવું ને પોતાની વાત કહી દેવી ને રડીને હળવા થઈ જાવું એ ઘટના માન્યામાં ન આવે તેવી પણ વાસ્તવમાં બને છે.
એકાએક કોઈના માટે તમે વિશ્વાસપાત્ર બની જાવ ને સામેના પાત્રને અનાયાસ ઊર્જાવંત બનાવી શકો, એના દુઃખના સમયે સધિયારો આપી શકો તો એ જીવન માટેનો અમૂલ્ય સમય બની જાય છે ને જ્યારે જ્યારે, જ્યાં જ્યાં આવું થાય છે ત્યારે પ્રાર્થનાના અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
સામેની વ્યક્તિ જ્યાં માથું મૂકી હળવાશ અનુભવે એવો ખોળો કે ખભો બની શકીએ એ આનંદની ક્ષણો હોય છે.