એક બહેન ગેસના ચુલા પર દૂધ ગરમ કરી રહ્યા હતા. સવારનો સમય હતો, બધાને પોતપોતાના પ્રાતઃકાલીન કામ પુરા કરીને જોબ અથવા કોલેજમાં જવાની ઉતાવળ હતી. એવામાં એ બહેનના મોબાઈલ ફોનની રીંગ વાગી. એમણે અવાજ સાંભળ્યો, એમના પતિએ પણ સાંભળ્યો. બહેન રસોડામાં, એના પતિ બેઠકરૂમમાં અને ફોન બેડરૂમમાં રણકી રહ્યો હતો. બંને કામમાં હતાં, સામાન્ય રીતે જેમનો ફોન હોય એ જ ઉપાડવા જાય એવું સર્વમાન્ય ચલણ હતું. પુરુષને એમ કે પત્ની હમણાં ફોન લેવા જશે, એ ના ગઈ, પોતે ઊભા થયા, ફોન હાથમાં લીધો ત્યાં ફોનની રીંગ પુરી થઈ ગઈ.
પત્નીએ એના પતિને સામેથી કીધું કે ‘તમારે ઊભા થઈને ફોન લેવો જોઈએ... હું દૂધ ઊકાળી રહી હતી.’ પતિએ કહ્યું કે, ‘એક વાર નહીં, સાત વાર ફોન લેવા જાઉં, પણ તારે મને કહેવું તો જોઈએ ને કે દૂધ ઊકળી રહ્યું છે, હમણાં ઊભરાશે, તમે ફોન ઊઠાવો. મને કેમ ખબર પડે કે રસોડામાં આ સ્થિતિ છે, હું પણ લેપટોપ પર મારી ઓફિસના કામમાં જ હતો.’
એમના દીકરાનો વિદેશથી ફોન હતો. ફરી ફોન એ દીકરાએ એના પપ્પાને કર્યો, વાત કરીને મમ્મીને આપવા કહ્યું તો મમ્મીએ ફોન ના લેવાનું કારણ આપતાં કહ્યું, ‘દૂધ ઉકાળતી હતી, ઉભરાઈ જાય તેમ હતું એટલે ફોન ના લીધો.’ આ સંવાદમાં આમ જુઓ તો કાંઈ જ દમદાર ઘટના નથી. છતાં એમાં એક મહત્ત્વની વાત સમાયેલી છે અને તે છે પ્રોપર કોમ્યુનિકેશન અને વાસ્તવિક્તાના સ્વીકારનો અસ્વીકાર.
આપણા બધાનો અનુભવ છે કે ગેસના ચુલા પર દૂધ ઊભરાવવાની સ્થિતિ આવે અને ક્ષણભર માટે ત્યાંથી હટવાનું આવે તો એક વિકલ્પ એ છે કે ગેસ બંધ કરી શકાય, બીજો વિકલ્પ કે ગેસ ધીમો કરી શકાય, ત્રીજો વિકલ્પ કે બોલીને ઘરમાં જે હાજર હોય એમને જે તે કામ માટે સૂચવી શકાય પણ એને માટે જરૂરી છે કોમ્યુનિકેશન. નાની નાની વાતોમાં આપણે સાચી દિશાનું કોમ્યુનિકેશન કરતા નથી અને એટલે માનવી સંબંધોમાં ગૂંચવણો ઊભી થાય છે. સાવ સીધીસાદી, સરળ ઘટના પેચીદી બની જાય છે કારણ કે ખૂટે છે કોમ્યુનિકેશન. અભાવ હોય છે વાતચીતનો. કેટલાક લોકોનો સ્વભાવ ઓછા બોલવાનો હોય તે સમજી શકાય પણ દસ–વીસ અનુભવો થાય કે કોમ્યુનિકેશન જરૂરી હતું, કરી ન શક્યા - હેરાન થયા તે પછી તો શીખવું જોઈએને કે કોમ્યુનિકેશન જરૂરી છે. બધું જ સમજવા છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિ કોમ્યુનિકેશન ના કરે, સંવાદ ના કરે તો એને માટે તળ સૌરાષ્ટ્રનો તળપદી શબ્દ છે, ‘મીંઢો.’ આ મીંઢાપણું બહુ દુઃખદાયક હોય છે. મીંઢો રહેનાર એને કબુલે નહીં એટલે એના મીંઢાપણાની - મૌનની અસરો આસપાસના લોકો ભોગવે છે.
આવા પાત્રો - આવી ઘટનાઓ દેશ હોય કે વિદેશ, ઘર હોય કે ઓફિસ - બધે જ બનતી રહે છે અને પછીથી થાય એવું કે સમજદાર માણસ, કોમ્યુનિકેશન સમજનાર અને આચરણમાં મૂકનાર હેરાન થાય છે. વિદેશોની જેમ હવે આમંત્રણ કાર્ડમાં RSVP લખાઈને આવે છે તો પણ લોકો અમે આવવાના નથી, કે કેટલા આવીશું તે બાબતો જણાવતા નથી પરિણામે યજમાન વ્યવસ્થામાં અટવાય છે.
અહીંથી આગળ મહત્ત્વની વાત એ છે કે માણસ પોતાની ભૂલનો સ્વીકાર પણ નથી કરતો. કોમ્યુનિકેશન ના કર્યું, સંદેશો સમયસર આવ્યો નહીં એ માટે પોતાની સહજ માનવીય ભૂલનો સ્વીકાર કરવાને બદલે એના માટેના તર્ક આપે છે. પરિણામે એ સાબિત થાય છે કે એ પોતે સુધરવા માંગતો નથી. હું તો આમ જ જીવીશની જડ માનસિકતામાં જ જીવવા તૈયાર હોય છે.
કોમ્યુનિકેશનનું આપણા જીવનમાં ડગલે ને પગલે મહત્ત્વ છે, એ મહત્વને સ્વીકારીએ, કોમ્યુનિકેશન શીખવા કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી, નથી એ માટે કોઈ મીડિયા હાઉસમાં કામ કરવાની જરૂર. સહજ અનુભવથી અને સાચી વાતના સ્વીકારથી એ પ્રાપ્ત થાય છે. આવી સમજણ વિકસે પ્રોપર કોમ્યુનિકેશન થાય ત્યારે એનાં અજવાળાં રેલાય છે.