આજે કેટલામો દિવસ છે ?
હેં!! ત્રીજી વાર?
એને તમારા વિના ન ચાલે એટલો બધો ઘરોબો?
કેવા કેવા પ્રશ્નો! પ્રશ્ન પુછનાર અને ઉત્તર આપનાર બન્ને હસતા હતા એનો અર્થ એ હતો કે ટેન્શન જેવું નહતું, ડર ન હતો, પરંતુ ત્રીજી વારની ઘટના તો હતી જ. વલસાડ સ્થિત સ્વજન સોનલે તો કહી દીધું કે હવે એને કહો આ છેલ્લા જીવ્યા-મર્યાના જૂહાર, આવતા ભવે નહિ ને એકે ભવે પણ ના મળતા એમ કહી દયો હવે.
વાત મકરસંક્રાંતિ પછી મને થયેલા ત્રીજી વેળાના કોરોના પછીના સંવાદોની છે. જરા પણ બેદરકારી દાખવ્યાનું સ્મરણ નથી તોયે ત્રીજી વાર વિના નિમંત્રણે કોરોના મહેમાન થયો. બે દિવસ તાવ સિવાય કોઇ જ લક્ષણો નહિ. આમ પણ હવે બધા માટે એ શરદી-કફ જેમ નોર્મલ ગણાયો એટલે સાત દિવસનો ક્વોરેન્ટાઇન સમય તો જાણે રમતા રમતા પસાર થઇ ગયો.
ક્વોરેન્ટાઇન સમયે આપણને એ શીખવ્યું કે જેટલો ડર કોરોનાનો હોય છે એટલો જ ડર એકાંતને જીરવવાનો પણ હોય છે. કોઇને સલાહ આપતી વખતે એકાંતના ઉપયોગના અનેક સુચન થઇ શકે પણ પગતળે રેલો આવે ત્યારે સાચી સ્થિતિની આપણને ખબર પડે છે.
અલબત ત્રણ વાર કોરોના થયો એ માઇલ્ડ જ રહ્યો તેથી કોમ્પ્લીકેશન વિના હું બહાર આવી ગયો એ પરમાત્માની કૃપા, પણ ત્રણ વાર પોઝિટિવ રિપોર્ટસ... તો ખરા જ.
૨૦૨૦માં હિમાંશુ જસ્મીન અને અમારો પરિવાર માર્ચમાં અંબાજી દર્શન કરીને માઉન્ટ આબુ ગયા ત્યારથી જ વ્યક્તિગતરૂપે સેનેટાઇઝર તો જરૂરત બની જ ગયા હતા. એ પછી તો સમગ્ર વિશ્વમાં લોકડાઉનને ચારેબાજુ ભયનો માહોલ આપણે જોયો.
જીવનમાં ક્યારેય કલ્પના ના કરી હતી એવા દિવસો, એવી ઘટના જોયા... સહુએ પોતપોતાની ક્ષમતા મુજબ અધકચરી વાતો પણ ફેલાવી અને કેટલાકે સેવાનો યજ્ઞ પણ આરંભ્યો. દર્દી દેવો ભવનું સુત્ર સાર્થક થયું ને માનવતાના દીવડા ગામેગામ પ્રગટ્યા.
નવેમ્બર ૨૦૨૦માં દિવાળીના દિવસોમાં મને પહેલી વાર કોરોના થયો. થોડું વાંચન, વધુ ઇષ્ટદેવનું સ્મરણ કહ્યું... હોમ ક્વોરેન્ટાઇનમાંથી બહાર આવ્યો ત્યારે જાણે કોઇ નવી જ જિંદગીમાં આવ્યા હોય એવી ફીલ હતી.
એ પછી બધું નોર્મલ થયું. કાર્યક્રમો પણ કર્યા. RJ તરીકેની Top FMની કામગીરી પહેલી લહેરમાંયે ઘરેથી કરી જ હતી. ને મે-૨૦૨૧માં મારા સહિત પરિવારના ચાર સભ્યોને કોરોના થયો. આ વખતે ભય ઓછો હતો. કારણ કે બે વેક્સિન લઇ લીધી હતી. વળી એક જ ફ્લેટમાં ચાર દર્દી સાથે હતા. એ સમય પણ ગયો ને ફરી કોરોનાએ ઝાલ્યો, ૨૦૨૨ જાન્યુઆરીમાં ઉતરાયણ પછી. આ વખતે તો સાવ નોર્મલ રીતે દિવસો પસાર થઇ ગયા. પાંચ-સાત દિવસમાં માત્ર બે દિવસ થોડાક તાવ સિવાય કોઇ ચિહ્ન પણ નહિ એટલે આ સમયમાં ખુબ લખાયું.
ક્વોરેન્ટાઇન સમયનો એક રોમેન્ટિક અનુભવ એ રહ્યો કે (વાચકો પૈકીના કેટલાકે પણ આવો અનુભવ કર્યો જ હશે) મારી અને પત્ની મનીષાની વચ્ચે બારણાની આરપાર અઢળક વાતો થઇ, મીઠા સંબોધનો થયા, મારે કંઇ જોઇતું હોય કે એને કંઇ આપવું હોય પહેલા નામ ઉચ્ચારાય ને પછી સંવાદ થાય. ક્યારેક તો આ રીતે બારણાંની ઉત્તર-દક્ષિણ દિશાએ બેસીને અમે કલાક કલાક વીતેલા વર્ષોના પ્રસંગો અને સ્મરણો પણ યાદ કર્યા ને ભાવિ જીવનનાં સપના પણ જોયા.
કોરોના થવાની ઘટનામાં મારી હેટ્રીક થઇ, અલબત આનંદની વાત તો નથી જ, પરંતુ સ્વભાવ મુજબ જો એમાંથી પણ પોઝિટિવિટી શોધું તો અનુભૂતિ થાય છે કે ઇષ્ટદેવ આદ્યશક્તિ માતા અને કુળદેવી માતા, મારા સદગુરુ, માતા-પિતા અને વડીલોના આશીર્વાદ કે પરિવાર અને સ્નેહીજનોની શુભકામનામાં મારી શ્રદ્ધા વધી. પળ-પળ જીવવું છે. કલમ અને અવાજથી ખુબ વધુ કામ સ્વજનો સાથે દુનિયા ફરવી છે ને નકરી મૌજ કરવી છે, એ ભાવ દૃઢ થયો. ભરોસાનો દીવડો વધુ તેલ પૂરાતા વધુ પ્રકાશ આપતો થયો ને મેં અજવાળા ઝીલ્યાં.