કૌશિક ચતુર્વેદીઃ જુસ્સાભેર જિંદગી જીવનારું વ્યક્તિત્વ

- તુષાર જોષી Wednesday 26th June 2024 06:26 EDT
 
 

દિલ છે તો દૂધપાક છે, નહીંતર સૂકો ભાત છે... એન્જિન બનવું હોય તો ધુમાડા નીકળે જ. પુરુષાર્થ એન્જિન કરે છે એટલે એણે આગ અને ધૂમાડા સાથે કામ પાડવાનું જ છે. ડબ્બાને માત્ર અનુસરણ કરવાનું છે. કામને ખૂબ પ્રેમ કરશો, સતત પ્રવૃત્ત રહેશો તો થાક ઓછો લાગશે... 
આ અને આવા તો અનેક પ્રેરણાત્મક વાક્યો જેમના મુખે સાંભળવા મળે એમ નહીં, એમના જીવનમાં ડગલે ને પગલે ચરિતાર્થ થતાં જોવા મળે એવું એક વ્યક્તિત્વ છે અમદાવાદના સફળ ઉદ્યોગપતિ શ્રી કૌશિક ચતુર્વેદી. એમના પિતાજી શાંતિલાલ અને માતા શાંતાબહેનના છ સંતાનો પૈકી એક કૌશિકને બાળપણમાં સહુ ‘કલી’ કહેતા. સંયુક્ત કુટુંબમાં એમનો ઉછેર થયો. સંયુક્ત કુટુંબનો ભાવ આલેખતા તેઓ લખે છે કે ‘સંયુક્ત કુટુંબ એટલે જ્યાં સૂચનો ના હોય, સમજણ હોય, વ્યવહાર નહીં વ્હાલ હોય. ભય નહીં ભરોસો હોય. કાયદો નહીં અનુશાસન હોય, અર્પણ નહીં સમર્પણ હોય.’ રમતગમત, સંગીત, દોસ્તીના શોખ સાથે ઉછરતા ગયા. પિતાજીનું મૃત્યુ થયું. માતા-પિતાનું એક સફળ બિઝનેસમેન બનવાનું સપનું પૂરું કરવા મુંબઈ આવ્યા. અહીં પરિવારજનોના સપોર્ટથી સેટલ થયા. બે વર્ષ નોકરી કરી. ફરી અમદાવાદ આવ્યા. નોકરી કરી, ફરી મુંબઈ ગયા. દવાની દુકાન જૂહુમાં કરી, વાચાળ અને હસમુખા સ્વભાવને કારણે તેમની મેડિકલ સ્ટોરની લોકપ્રિયતા વધતી ગઈ. ભાવનગરના ગાંધી વિચારધારાને અનુસરનારા શીલાબહેન સાથે લગ્ન થયા. સમય જતાં અમદાવાદમાં હેલવૂડ કેમિકલ ફેક્ટરી ખરીદી, ભાગીદાર તરીકે. મુંબઈ–અમદાવાદ અપડાઉન સતત રહેતા હતા. બાળકો કૃતિન અને સંચિત મોટા થતા ગયા. ધંધાના વિકાસનું એકમાત્ર લક્ષ લઈને કૌશિકભાઈ જીવતા હતા, એ પણ કેવું? એકવાર વ્યવસાયિક કામે આગ્રા ગયા હતા, પરત આવ્યા. પત્નીએ પૂછ્યું, ‘તાજમહેલ કેવો લાગ્યો?’ તો કહે કે ‘આગ્રામાં તાજમહેલ છે તે જ ભૂલી ગયો, હવે તને લઈને જોવા જઈશ.’
દરમિયાન 1995માં અમદાવાદથી મુંબઈ સાંજની ફ્લાઈટમાં જતા હતા, ફ્લાઈટમાં જ પરસેવો થવા માંડ્યો. એમને ખ્યાલ આવી ગયો કે આ ચિહ્નો હાર્ટ એટેકના છે. સોરબીટ્રેટથી ત્યારે રાહત થઈ, મુંબઈ ઉતરીને સીધા જ હોસ્પિટલ ગયા. ડોક્ટરના કહેવા મુજબ હાર્ટનું પમ્પીંગ હવે 25 ટકા જ રહેશે, પણ જીવન જીવવાની અદમ્ય જીજીવિષાથી ટકી ગયા.
ધંધાનો વિસ્તાર કર્યો. કૌશિકભાઇ માને છે કે અનાયાસ મળી જતા અને આપણી જિંદગીમાં ભગવાન બનીને આવી જતા લોકો આપણા જીવનને અજવાળે છે એ લોકો આપણી પાસેથી કશું લેતા નથી, બસ આપીને રાજી થાય છે. વ્યવસાયિક રીતે ખૂબ સારી પ્રગતિ એમણે કરી. દરમિયાન ડોક્ટરોએ આપેલી સલાહ મુજબ 2001માં તેઓએ બાયપાસ સર્જરી મુંબઈમાં કરાવી. ત્રણ મહિના આરામ કર્યો. બંને દીકરાઓના રંગેચંગે લગ્ન થયા. વ્યવસાયિક રીતે ઘણીવાર મુશ્કેલી આવી પણ હિંમત દાખવીને ટકી ગયા.
ફરી હાર્ટની સાથેની તકલીફ રહેવા લાગી. નિષ્ણાત ડોક્ટરોની સલાહ મુજબ ચેન્નાઈ ગયા, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. ડોક્ટરે પૂછ્યું હતું કે, ‘હવે આ ઉંમરે કેમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે?’ તો કૌશિકભાઈએ કહ્યું કે ‘મારે દુનિયા જોવી છે ને મોજથી જિંદગી જીવવી છે.’ એમણે ફાઈટર તરીકે લાઈફને ફાઈટ આપી જીત્યા.
આજે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાને પણ પાંચ વર્ષ પૂરા થયા છે. એમના દીકરાઓના દીકરાઓ સાથે મસ્તીથી જીવે છે. અમદાવાદ ઓફિસ નિયમિત જાય છે. બાવળા પાસે વૈશ્વિક કક્ષાનો દવા બનાવતો એક અતિ આધુનિક પ્લાન્ટ શરૂ કર્યો છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, આફ્રિકા એમ કેટલાયે દેશો અને ભારતના લગભગ તમામ પ્રવાસન સ્થળોએ ફર્યા છે. સગાં-વ્હાલા, સ્વજન, પ્રિયજન, દોસ્તોને ભેગા કરવા, ગીતો ગાવા, મજા કરવી એમના શોખ છે. એમના મિત્રોનું ને પરિવારનું સ્મરણ કરતા એમની આંખો હર્ષના આંસુથી ભીની થઈ જાય છે. એમણે લખેલા એક પુસ્તકના લેખન નિમિત્તે એમની સાથે વધુ રહેવાનું થયું એ સિવાય મારો એમની સાથે બે દાયકા કરતાં વધારે સમયનો પારિવારિક સંબંધ રહ્યો છે. એમના પુસ્તકનું શિર્ષક છે ‘નેવર ગીવઅપ’. એમના જીવનમાં પળેપળે આ શબ્દોના અજવાળાં રેલાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter