તમને ગમતી કોઈ એકાદ હિન્દી - ગુજરાતી - ઊર્દુ - હિન્દી ભાષાની ગઝલ યાદ કરો અને મન મુકીને ગાવ... આવું જો કોઈ કહે તો મને કે તમને કઈ અને કેટલી ગઝલ યાદ આવે? ઘણીવાર એકથી પાંચ–સાત ગઝલના મુખડા એક પછી એક યાદ આવી જાય. ઘણી વાર થોડી થોડી વારે અરે, આ તો મને બહુ ગમે એવું બોલીને આપણે ટુકડે - ટુકડે એકથી વધુ ગઝલ યાદ કરીએ. એક કાર્યક્રમ સંદર્ભે થોડું લેશન કરતો હતો અને યાદ આવ્યું કે બે દાયકા પહેલાં ભાવનગરમાં અમે એક કાર્યક્રમ કર્યો હતો જેનું શીર્ષક હતું, ‘ગમી તે ગઝલ.’
ઈતિહાસ કહે છે, અભ્યાસગ્રંથો કહે છે કે ગઝલ મૂળ અરબી ભાષાથી આવ્યો છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે પર્શિયન, હિન્દી, મરાઠી, પંજાબી કે ગુજરાતી ભાષામાં ગઝલના સ્વરૂપને જે લોકપ્રિયતા અને માન્યતા મળ્યા તે અરબીમાં કદાચ નહીં મળ્યા હોય. અરબસ્તાનના રણમાં લોકો કબીલામાં રહેતા, પોતાના સરદારની સ્તુતિગાન માટે તેઓ કસીદા ગાતા. એ કસીદા પર્શિયન લોકો સુધી અને પછી ઉર્દૂ ભાષા થકી હિન્દી - ગુજરાતી સુધી ગઝલ આવી. પર્શિયન ભાષા અનુસાર ગઝલનો અર્થ છે, સ્ત્રીઓ સાથે અથવા સ્ત્રીઓ વિશે વાતચીત કરવાની પદ્ધતિ અથવા માધ્યમ. ગઝલ એટલે પ્રેમની પરાવાણી અને ગઝલ એટલે મહોબ્બતની મસ્તી. આશિક – માશૂકની પ્રેમની તમામ અભિવ્યક્તિના રંગ ગઝલમાં વ્યક્ત થાય છે.
પર્શિયન કવિ અમીર ખુશરોનો સમય ગઝલનો પ્રથમ દૌર ગણાય છે. ગઝલના એક પુસ્તક આધારે કહી શકાય કે એ સમયે હજુ ઉર્દૂ ભાષાનું પ્રાગટ્ય થયું ન હતું. પછીથી ઉર્દૂ ભાષા લોકપ્રિય થઈ એ સમયે મહમ્મદ કુલી કુતુબ શાહ અને અન્ય શાયરોએ ગઝલ રચી. એ પછી વલી દકનીનો સમય આવ્યો અને પછી સૌદા તથા મીર તકી મીરનો સમય આવે છે. એ પછી ગાલિબનો અમીર મીનાઈનો સમય આવે છે ને આમ ગઝલની યાત્રા આગળ વધતી ગઈ.
હિન્દી સિનેમામાં ગઝલનો પ્રવેશ થયો અને એકથી એક ચડિયાતી ગઝલો શ્રોતાઓના સુધી પહોંચી. શાયર – સ્વરકાર – ગાયકની અદભૂત ત્રિવેણી થકી ગઝલ ઘર ઘર સુધી પહોંચી. ગઝલમાં શબ્દ – સ્વર – તાલ – ભાવ અભિવ્યક્તિનું અદભૂત સંવેદન ઝીલાય છે અને ગઝલનો એક એક શેર આપણા હૈયે અને હોઠ પર વસી જાય છે.
સાહિત્યની પરિભાષામાં ઘાયલ હરણીની ચીખ જેવી સંવેદના એટલે ગઝલ એમ પણ કહેવાય છે. અત્યારે આ લખતા ને વિચારતા સહજપણે કેટકેટલા ગઝલ ગાયકોનું સહજ સ્મરણ થઈ આવે.
મહેંદી હસન, ગુલામઅલી, ફરીદા ખાનમ, બેગમ અખ્તર, જગજિતસિંહ, ભુપિન્દરસિંહ – મિતાલી મુખરજી, રાજેન્દ્ર અને નીના મહેતા, તલત અઝીઝ, ચંદન દાસ, અનુપ જલોટા, પંકજ ઉધાસ, મનહર ઉધાસ, નિર્મલ ઉધાસ, આ યાદી ઘણી આગળ વધી શકે.
રંજિશ હી સહી દિલ દુખાને કે લિયે આ..., આ ફિર સે મુઝે છોડ જાને કે લિયે આ..., ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ..., આજ જાને કી જીદ ના કરો..., વો જો હમ મેં તુમ મેં કરાર થા..., તુમ ઇતના જો મુસ્કુરા રહી હો..., કિસી નજર કો તેરા ઇન્તઝાર આજ ભી હૈ..., રાહોં પે નજર રખના, ફિર છીડી બાત રાત ફૂલોં કી..., દિવારો સે મિલકર રોના...
આહાહા... કેટકેટલી ગઝલ જાણે આખી રાત સાંભળ્યા જ કરીએ. ગઝલનો જાદુ આપણા પર સવાર થાય છે ને આપણે શાયરને, સ્વરકારને, ગાયકને સલામ કરી ઊઠીએ છીએ.
ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓમાં આજે પણ ગઝલ સ્વરૂપની પ્રસ્તુતિ થાય છે ત્યારે શ્રોતાઓ સુકુન સાથે સાંભળે છે. 1970 – 1980ના દાયકામાં ગઝલના કાર્યક્રમો અને કોન્સર્ટ પૂરબહારમાં થયા. મને પણ ભાવનગર – અમદાવાદમાં કે મુંબઈ અને બ્રિટન – આફ્રિકામાં શ્રેષ્ઠ ગઝલ ગાયકોને સાંભળવાનો સમયે સમયે અવસર મળ્યો, એ ધન્યતાની અનુભૂતિ થઈ એનો આનંદ છે. આવો ગઝલને સમય અનુકૂળતાઓ સાંભળીએ, રાજી થઈએ – કોઈના સ્મરણમાં રડીએ – શબ્દના ઊજાશને આવકારીએ અને ગઝલના અજવાળાંને ઝીલીએ.