‘પપ્પા, મને સ્ટેજ પર બોલવા જવાનું છે. દુનિયાભરના કન્ટેન્ટ રાઈટર થયા, હવે મારા માટે પણ કંઈક લખી આપો.’ કવિશે એના ડેડીને કહ્યું. ‘અલ્યા, પણ વિષય તો કહે...’ પપ્પા ઉવાચ. ‘આ સોસાયટીમાં ગણપતિ ઉત્સવ છે એમાં વકતૃત્વ સ્પર્ધા રાખી છે ને મારે એના વિશે તૈયારી કરીને બોલવું છે ને ઈનામ પણ જીતવું છે....’ કવિશે જવાબ આપ્યો.
બાપ-દીકરો ભેગા થયા, સમય કાઢ્યો અને આખરે સાત મિનિટમાં બધી વાતો સમાવી શકાય એવું પ્રવચન તૈયાર થયું. સરવાળે ઘરના સહુને ફાયદો એ થયો કે ગણેશઉત્સવ નિમિત્તે નોલેજ વધ્યું.
ગણેશ ચતુર્થીનો દિવસ વિનાયક ચતુર્થી અને વિનાયક ચોથના નામે પણ જાણીતો છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસ મંગલમૂર્તિ અને વિઘ્નહર્તા ગણેશજીનો જન્મદિવસ છે. ગુજરાતી કેલેન્ડર મુજબ ભાદરવા મહિનામાં અને અંગ્રેજી કેલેન્ડર મુજબ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આ તહેવાર આવે છે, જે ૧૧ દિવસ સુધી ઊજવાય છે. અંતિમ દિવસ - અનંત ચર્તુદશીના દિવસે ગણપતિ વિસર્જન થાય છે ને આવતા વર્ષે ફરી પધારવા નિમંત્રણ અપાય છે.
ભારતમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, ગોવા, કેરળ, તામિલનાડુ સહિતના અનેક રાજ્યોમાં અને વિદેશોમાં નેપાળ, બ્રિટન, મોરેશિયસ જેવા દેશોમાં પણ આ તહેવાર ઊજવાય છે.
ઐતિહાસિક વિગતોનો અભ્યાસ કરવાનો જ્યારે કવિશે આગ્રહ કર્યો ત્યારે એણે મોટી બહેન ચાહત સાથે મળીને ગુગલ પાસેથી સ્કૂલના શિક્ષકો પાસેથી અને મમ્મી જીજ્ઞાબહેન પાસેથી વિગતો મેળવી અને વકતૃત્વ સ્પર્ધા માટેનું મટિરિયલ જાતે તૈયાર કર્યું.
મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં આ ગણેશોત્સવના તહેવારને વિશેષ મહત્ત્વ મળ્યું હતું. હિંદુ ધર્મ તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા સાર્વજનિક રૂપથી આ તહેવારને મનાવવામાં આવતો હતો. એ પછીના કાલખંડ પર નજર માંડીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન જાહેર સ્થળોએ તહેવારો ઊજવવા પર પ્રતિબંધ આવ્યો એ સમયે સ્વાતંત્ર્ય સૈનિકો એક થયા. ૧૮૯૩માં એમાંના જ એક બાલ ગંગાધર ટિળકે ગણેશ ચતુર્થીના ઉત્સવને પુનઃ જીવિત કર્યો. ઘરમાં નહીં, પરંતુ જાહેર સ્થળોએ એની ઊજવણીનું રૂપ આપ્યું. પરિણામે ૧૮૫૭ની ક્રાંતિ બાદ દેશમાં સામાજિક એકતા વિશે જાગૃતિ ફેલાવવાનું એક મહત્ત્વપૂર્ણ કાર્ય આ ઉત્સવના માધ્યમથી થયું.
ગણેશજીની મૂર્તિઓ અમદાવાદમાં જ્યાં બને છે એવા એક સ્થળ ગુલબાઈ ટેકરાની મુલાકાતે પણ કવિશ અને ચાહત જઈ આવ્યા. ત્યાં કારીગરો સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે મહિનાઓ પહેલાં ગણપતિની મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ થઈ જાય છે.
ઘર ઘરમાં, જાહેર સ્થળોએ, સ્વચ્છ જગ્યા પર ગણપતિની મૂર્તિ બિરાજમાન થાય અને રોજ નિયમિત પૂજા-સેવા-અર્ચના થાય. કવિશના પપ્પા મીડિયા ક્ષેત્રે કામ કરે એટલે વ્હોટ્સ એપના માધ્યમથી ફરતી થયેલી લોકજાગૃતિની એક વાત પણ એણે વકતૃત્વમાં વણી લીધી.
પંચમહાલ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા લોકજાગૃતિ હેતુ એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં વિસર્જન સમયે ગણપતિ પોતાના ભક્તોને પવિત્રતા જાળવવા, મોજ માટે નહીં, ભક્તિ માટે ઉત્સવ ઊજવવા, સૂત્રો બોલવામાં અને પ્રસાદ વહેંચવામાં વિવેકપૂર્વક પસંદગી કરવા અને ઉત્સવના બહાને નશો ન કરવા જણાવે છે. ઉત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ-પ્લાસ્ટિકની બેગોના કારણે પ્રદૂષણ ફેલાય છે. પૂજાસામગ્રી અને પ્રસાદમાં વિવેક ન સચવાય, કાળજી ન રખાય તો તેના કારણે પણ ઘણી વાર ગંદકી ફેલાય છે.
ગુજરાત સરકાર દ્વારા માટીની મૂર્તિઓની સ્થાપના કરવા શરૂ થયેલા અભિયાન, માટીની મૂર્તિઓના વેચાણસ્થળો વગેરે જેવી બાબતો સાંકળીને ઉત્સવ ધામધૂમથી ઊજવવા, પરંતુ એ નિમિત્તે પર્યાવરણને નુકસાન ન થાય, સ્વચ્છતા જળવાય, ધાર્મિક મહત્ત્વ સચવાય એ દિશામાં જાગૃતિ રાખવી જરૂરી છે. એ વાતોને સાંકળીને કવિશે જ્યારે પોતાની પ્રસ્તુતિ કરી ત્યારે એનો પ્રથમ નંબર તો આવ્યો જ, પરંતુ એણે પોતાની બચતની રકમમાંથી સહુને આઈસ્ક્રીમ પણ ખવડાવવો પડ્યો.