‘લાંબા વાળ અને બેઠી દડીનો આ યુવાન કોઈ એક ગામનો આદર્શ કેવી રીતે હોઈ શકે?’
સુરેશ પુનડીયાને જોનાર સહુ કોઈને પહેલી નજરે આ પ્રશ્ન થાય. પસ્તીમાંથી પણ મસ્તી મળે ને સ્કીલબેઈઝ શિક્ષણમાંથી રોજગારી મળે એવું બાળકોને શિખવતો આ માણસ ગુજરાતના એક ગામડા માટે આજે ભાગ્યવિધાતા બની ગયો છે. સાવ એકલપંડે, સરકારની કોઈ પણ સહાય લીધા વિના એ જે કામ કરે છે એનાથી ગામની આર્થિક-ભૌતિક-સામાજિક પ્રતિષ્ઠા અને સુવિધામાં વધારો થાય છે.
એનું વતન પાટણ છે, પણ પાંચસોથી વધુ ગામડાંઓમાં વિચરણ કરીને હાલ એ ગામ વાંકાનેરડામાં સ્થાયી થયો છે. નથી એ શિક્ષક, નથી એ સમાજસુધારક, નથી એ રાજકીય - સામાજિક કે જ્ઞાતિનો અગ્રણી તો પછી એવું શું છે એનામાં કે આજે ગાંધી વિચારધારાથી એ ગામડામાં વ્યક્તિગત અને સામૂહિક ઉત્થાનની પ્રવૃત્તિ કરવામાં સફળ થયો છે?
વાંકાનેરડા ગામ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અમદાવાદથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. અંદાજે અઢી હજારની વસ્તી ધરાવતા ગામમાં મોટાભાગે લોકો ખેતી કરે છે.
આજથી બે વર્ષ પહેલાં દેશના હજારો ગામડાંની જેમ વાંકાનેરડા પણ ગોબરું, અવ્યવસ્થિત અને દેશી પદ્ધતિ પ્રમાણેનું જ હતું. પરંતુ કુદરતે અહીં બે વર્ષ પહેલાં એક દિવસ સૂરજના ઊજાસરૂપી એક યુવાન, નામે સુરેશ પુનડીયાને મોકલ્યો. અને આ યુવાને એવો જાદુ કર્યો કે બે વર્ષ પહેલાં અહીં આવેલું કોઈ માની જ શકે કે આ ગામમાં હું પહેલાં આવી ચૂક્યો છું.
પહેલાં ગામમાં ઉકરડા હતા. આજે નથી. બીક લાગે તેવું સ્મશાન આજે સાંજે બેસવા જવા માટેનું સ્થળ બની ગયું છે. ગામની જૂની શાળા આજે સાવ બદલાઈ ગઈ છે.
લાંબા લાંબા વાળ, ખાદીના કપડાં પહેરેલો સુરેશ ગામમાં સફાઈકામ કરી રહ્યો છે. બાળકોની તંદુરસ્તી માટે જાતે પ્રયાસ કરીને સહુને તેમાં જોતરી રહ્યો છે. શાળામાં અને ગામમાં જાતમહેનત ઝિંદાબાદથી જાજરૂ બનાવે છે. વૃક્ષો વાવે છે ને ગામડા ગામના લોકોને ગાંધી વિચારસરણીના જીવનમૂલ્યો સમજાવે છે. તેના દ્વારા ગામના લોકો સ્વચ્છતાનું મૂલ્ય શીખ્યા છે.
ગામમાં લોકો કહે છે કે આ સુરેશે ગામમાં આવીને ગામના લોકોના તન અને મન બંને જાણે હકારાત્મક પરિવર્તનથી બદલી નાખ્યા છે. એ શીખવાડે છે કે બીજાના દોષ ના જુઓ, આત્મશક્તિ અને સંકલ્પશક્તિને ખીલવવાના સંસ્કાર આપે છે. વ્યસનમુક્તિ હવન કરીને ગામના યુવાનોને તમાકુ, દારૂ, સિગારેટના વ્યસનથી બચાવે છે. ગામમાં જે કોઈ ઘરે બોલાવે એના ઘરે જઈને જમી લે છે. બાળકો મસ્તી કી પાઠશાળામાં ભણીને રાજી રાજી છે ને પાછા પોતાની શાળાએ તો જાય જ છે.
ગામના લોકો કહે છે કે પૈસા વિના પણ કેવી રીતે મસ્તીથી જીવાય તે અમને આ માણસે શીખવ્યું છે. આજુબાજુના ગામોમાં જઈને સુરેશ મોટિવેશનલ લેક્ચર પણ આપે છે. ગામડા ગામના લોકોને પરિશ્રમનું-પરસેવાનું મૂલ્ય એણે સમજાવ્યું છે. ગામ લોકોએ એના પ્રાથમિક જરૂરિયાતના ખર્ચાને ઉપાડી લીધો છે. ગામમાં કોઈ મહેમાનો સુરેશને ત્યાં આવે કે શિબિર થાય તો ગામ લોકો એમના ભોજનની વ્યવસ્થા સંભાળી લે છે. ગાંધી વિચારધારાના પ્રતિનિધિ એવા સુરેશ પુનડીયાના કારણે ગ્રામજનોને માત્ર બાહ્ય નહીં, આંતરિક સમૃદ્ધિ પણ મળી છે.
•••
આઝાદી મળ્યાના છ દાયકા પછી પણ ભારત કે ગુજરાતના ગામડાંઓનો વિકાસ મહાત્મા ગાંધી કે સરદારની ધારણા મુજબ આજે પણ થઈ શક્યો નથી.
વ્યક્તિગત અને સામૂહિક પ્રશ્નોના ઉકેલની દિશામાં સરકારો તો પ્રયત્ન કરે જ છે, પરંતુ પ્રજાકીય જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આવા સમયે લોકજાગૃતિ કેળવવા માટે આમ એકલપંડે કામ કરતા યુવાન-યુવતીઓ જ્યારે જ્યારે જોવા મળે ત્યારે આંખ ઠરે છે અને આનંદ થાય છે.
કોઈ એક માણસ જ્યારે શુદ્ધ ભાવનાથી ગામડા ગામને સુશોભિત અને સંસ્કારિત કરવા જીવન સમર્પિત કરે ત્યારે એને ધન્યવાદ આપવાનું ને અભિનંદન આપવાનું મન થાય એ સ્વાભાવિક છે. જાગૃત જન જેવી સંસ્થા જ્યારે આવા કાર્યો કરે ત્યારે સેવાના અને સેવાના સન્માનના દીવડા પ્રગટે છે ને અજવાળાં રેલાય છે.