ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિના શાશ્વત જ્યોતિર્ધરોમાં અમૂલ્ય યોગદાન આપનાર કવિ-સર્જક નર્મદ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 22nd February 2021 06:01 EST
 
 

‘કોઈ પણ કાલખંડમાં જીવન માટે ઉપયોગી વાંચન કરવું હોય તો મહાનુભાવોની અનુભવવાણી જેવી એમની આત્મકથાઓ વાંચવી જોઈએ, નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ના વાંચન થકી એનો આરંભ કરો, કારણ કે તે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે’. એક ગુણીજન મુરબ્બીએ સાહજિક વાતોમાં કહ્યું અને મન ખેંચાયું નર્મદના જીવન-કવન-સાહિત્ય તરફ.

ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિના શાશ્વત જ્યોતિર્ધરોમાં ગુજરાતી સાહિત્યના કવિ નર્મદનું અમૂલ્ય યોગદાન છે. નર્મદની ઓળખ અર્વાચીન ગુજરાતી કવિતાઓના પ્રણેતા અને જનક તરીકેની છે. જે તે સમયે અંધશ્રદ્ધા અને જ્ઞાતિના કુરિવાજોમાં ડૂબેલા સમાજને ઉગારવા માટે નર્મદે પ્રખર સુધારક તરીકે પુરુષાર્થ કર્યો. નાટ્યકલા, પત્રકારત્વ, નિબંધ, ઇતિહાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેઓએ અસરદાર કામ કર્યું. કન્યા કેળવણીના હિમાયતી તરીકે તેઓએ નિભાવેલી ભૂમિકા પણ યાદગાર રહેશે. નર્મદે ગુજરાતી સાહિત્યના ખોળે માથું મુકીને છેલ્લા શ્વાસ સુધી સાહિત્યમાં કામ કર્યું. એમની રચનાઓ દ્વારા ગુજરાતના જનજનમાં પ્રેમ-શૌર્ય અને સ્વદેશાભિમાન જેવા ગુણો સંવર્ધિત થયા. એક અર્થમાં ગુજરાતી ભાષાને મળેલા એક ખડતલ-જુસ્સેદાર કવિ હતા નર્મદ.
જન્મ થયો ૧૮૩૩ના ઓગસ્ટની ૨૪ તારીખે વડનગરા વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં સુરત ખાતે. બાળપણ મુંબઈમાં વીત્યું. ૧૮૫૧માં શિક્ષક તરીકે કામ સંભાળ્યું. ૧૮૫૫માં કવિ નર્મદની કારકિર્દીનો આરંભ થયો. ૧૮૫૮માં નોકરી છોડીને કલમને ખોળે માથું મૂક્યું. સમાજ સુધારાની પ્રવૃત્તિ કરી. ૧૮૬૪માં ‘ડાંડીયો’ શરૂ કર્યું. ધર્મ વિચારક, પુસ્તક પ્રકાશક, અનુવાદક તરીકે ખુબ કામ કર્યું.
નર્મદે સ્વાતંત્ર્ય પ્રેમ અને શૌર્યની કવિતા રચી. પોતાના દેશ માટે એમને હૈયે અપાર પ્રેમ હતો એથી તો લખ્યુંઃ
જેટલા દીસે છ માનવી હકો ઘણા ઘણા,
મુખ્ય છે સ્વતંત્રતા નથી જ તેહમાં મણા.
નોકરી છોડી અને કલમને ખોળે માથું મૂક્યા પછી અનેક વિપદાઓ અને કરુણતાઓ એમના જીવનમાં પણ આવી, પરંતુ
ડગલું ભર્યું કે ના હઠવું,
વેણ કાઢ્યું કે ના લટવું.
આ ભાવને એ હંમેશા વળગી રહ્યા. ગુજરાતી કવિતાને ગુજરાત કોની, ગુજરાતીઓને ઉદબોધન જેવા શિરમોર કાવ્યો આપનાર નર્મદનું ગીત...
જય જય ગરવી ગુજરાત,
જન ઘૂમે નર્મદ સાથ
એ તો જાણે દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે ગુજરાતનું રાષ્ટ્રગીત જ બની રહ્યું છે. નર્મદે ગદ્ય, પદ્ય, નિબંધ, નાટક જેવા ક્ષેત્રે અવિસ્મરણીય કાર્ય કર્યું. એમના પ્રદાન માટે ગાંધીજીએ કહ્યું હતું, ‘નર્મદાશંકરને જે ગુજરાતી ન જાણે તે ગુજરાતી જ કેમ ગણાય? ગીતાનો પૂજારી તો હું થઈ ચૂક્યો હતો, પણ નર્મદાશંકરના ગીતના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતામાતાની ભક્તિ દૃઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું.’
નર્મદની કવિતા તાજગીભરી અને એક ઘાએ બે કટકા કરનારી છે, ધારદાર છે, અર્વાચીન છે. નર્મદની શોભા જોઈને એમણે લખ્યુંઃ નર્મદા, શું ગાઉં શોભા સાંજની? હાં રે પવન વાદળ રંગના સુમાજની.
મિત્રતાની વાત કરતા નર્મદ લખે છેઃ
સુખ દુઃખની વાતો બને, નહિં છાનું કંઈ કોની કને,
કોઈનું દિલ જહાં ના કહેવાય, મિત્રાચારી તહાં કહેવાય.
સાહિત્ય ક્ષેત્રે કાવ્ય પ્રવૃત્તિ થકી એકાદ દાયકો પ્રવૃત્ત રહ્યા પછી નર્મદે હંમેશને માટે પોતાની કલમ ગદ્યલેખન તરફ વાળી. અઢી દાયકા જેટલો સમય ગદ્યક્ષેત્રે કામ કર્યું અને વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજ, રૂઢિઓ વગેરે સામે લડતા રહ્યા. ૧૮૬૦થી ૧૮૬૬ના સમયમાં ખુબ પુરુષાર્થ કરીને ભાષા સંશોધક અને કોષકાર તરીકે ચાર ભાગમાં નર્મકોશ પ્રસિધ્ધ કર્યા. નર્મદના સાહિત્યને વાંચીએ ત્યારે, એમની કવિતાઓનું પઠન કરીએ ત્યારે લોખંડી મનોબળના આ કવિના દેશ પ્રેમના - ભાષા પ્રેમના જાણે દીવડા પ્રગટે છે અને અજવાળા રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter