• ‘કાકાની જીવનયાત્રા મારી દૃષ્ટિએ સેવા અને સ્મરણના ટ્રેક પર ગતિશીલ રહી. એ એક નિર્મળ યાત્રા રહી.’ - મોરારિબાપુ
• ‘રાજર્ષિ’ ગોવિંદભાઈ ધોળકિયાની જીવનયાત્રા અને અનુભવો પર આધારિત આ આત્મકથા વાચકોને તેમના વિકાસ અને પ્રેરણાની આંતરિક ક્ષમતા બતાવશે. - રમેશભાઈ ઓઝા, ભાઈશ્રી
• ‘સંસાર ડૂબવાની જગ્યા છે એવું કહેવાય છે, પરંતુ સંસાર તરવાની પણ જગ્યા છે તેવો પ્રત્યક્ષ દાખલો ગોવિંદભાઈના આ પુસ્તકમાંથી મળી રહેશે.’ - સ્વામી સચ્ચિદાનંદ
સનાતન ધર્મ, અધ્યાત્મ અને ભારતીય સાંસ્કૃતિક ચેતનાને સમગ્ર વિશ્વમાં પોતાના વિચારોથી, શબ્દોથી આંદોલિત કરનારા પૂજનીય સાધુ-સંતોના આ શબ્દો વ્યાપાર અને ઉદ્યોગજગતમાં સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતનું ગૌરવ ગણાતા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથા ‘ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ’માં લખાયા છે.
શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો જન્મ 7 નવેમ્બર 1947ના રોજ દુધાળા ગામમાં થયો. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક આ વ્યક્તિત્વને આજે સમગ્ર વિશ્વ ‘ગોવિંદ કાકા’ના આદરપૂર્ણ નામથી ઓળખે છે. મારી જીવનયાત્રા - આત્મકથામાં તેઓ લખે છે કે શાળા છોડી ગયેલા એક વિદ્યાર્થીને ઓનરરી ડોક્ટરેટ શી રીતે મળે? પ્રથમ મહિને રૂ. 103 કમાનારા માણસ આજે 6 હજાર લોકોને રોજીરોટી આપી કરોડો રૂપિયા કમાઈ લેતો અબજોપતિ શી રીતે બની શકે? સવાલોના જવાબમાં એમની આત્મકથા આગળ વધે છે.
ગોવિંદકાકાની આત્મકથાના પાનેપાને એવા એવા નાના-નાના વિચાર સુત્રો - અનુભવવાણી વાંચવા મળે છે કે જે કોઈ પણ સમયે કોઈ પણ માણસ માટે પ્રેરણાદાયી બની શકે. તેઓ લખે છે કે પૂ. ડોંગરેજી મહારાજ કહેતા કે ‘આપ વખાણ તે મૃત્યુ બરાબર છે’ આ પુસ્તકમાં હું મારા વખાણ ન કરી બેસું તેની મેં ચીવટ રાખી છે.
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના પ્રવેશદ્વારે એમણે શબ્દો કોતરાવ્યા છેઃ ‘પ્રોબ્લેમ ઈઝ પ્રોગ્રેસ’.
બહુ લોકોને સવાલ થાય કે એમની સાથે ધોળકિયા શબ્દ કેમ આવ્યો? આત્મકથામાં જવાબ મળે છે કે એમના વડવાઓ પંજાબ – રાજસ્થાનથી નીકળી અડાલજ થઈને ધોળકા સ્થાયી થયા. પછી આશરે 400 વર્ષ પૂર્વે ધોળકાથી નીકળ્યા એટલે એમનું કુટુંબ ધોળકિયા તરીકે ઓળખાયું.
એમના પ્રવચનો દેશ–વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં યોજાય ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક સાથે જ આરંભ થાય. કારણ? ગોવિંદકાકા લખે છે, ‘અમારા ગામમાં સ્વામિનારાયણ મંદિર હતું, મારી ઉંમર દસ–અગિયાર વર્ષની. મંદિરના કબાટમાંથી મારા હાથમાં ગીતાજીનું પુસ્તક આવ્યું. એક જ બેઠકમાં ચાર કલાકમાં મેં ગીતાજી વાંચી લીધા. બીજા દિવસે ફરીથી વાંચ્યા. મને સમાધિ જેવું અનુભવાયું. ગોવિંદામાંથી ગોવિંદ ભગત તરફની સફર આ પળથી જ શરૂ થઈ. ગીતાજી આજે પણ મારી જિંદગીની જડીબુટ્ટી છે.’
તેઓ સાતમા ધોરણમાં હતા. મોટાભાઈ ભીમજીભાઈ ડાયમંડ કટિંગનું કામ કરવા સુરત ગયા હતા. ઘરે આવ્યા હતા. તેઓએ 1964ના માર્ચમાં ગોવિંદભાઈને પૂછ્યું, ‘તારે મારી સાથે સુરત આવવું છે?’ અને પહોંચ્યા સુરત. કુલ મળીને દસ પ્રકરણોમાં આખ્ખીયે જીવનયાત્રા સમાવિષ્ટ છે. જેમાં ગોવિંદકાકાના ગામડાંગામથી લઈને વૈશ્વિક કક્ષાના સ્થળો - વ્યક્તિઓ સાથેના પોતાના અનુભવો અને એમાંથી પ્રગટતો જીવન પ્રત્યેનો અભિગમ છે. એક વાચક તરીકે અહીં જે અર્થ અને અર્ક મળે છે તે યુવા પેઢી માટે અત્યંત પ્રેરણાદાયી છે. પુસ્તકનો વિમોચન સમારોહ રાજભવનમાં યોજાયો અને એમાં જઈને અડધી રાત સુધી આ પુસ્તક વાંચ્યું. એમ.બી.એના છેલ્લા તબક્કે અભ્યાસ કરી રહેલી મારી દીકરીને અંગ્રેજી આત્મકથા આપીને કહ્યું કે ‘બેટા, તારા માટે જીવન ઉપયોગી એક સુંદર ભેટ મને ભેટ મળી છે.’ એ કહે, ‘દીવાળી સુધીમાં વાંચી લઈશ.’
ગોવિંદ કાકાની આત્મકથાના પ્રકરણો વાંચતો જાઉં છું અને વિચારોની એક નૂતન દિશા ખુલતી જાય છે. પૂ. ડોંગરેજી મહારાજ અને અન્ય મહાનુભાવોના સ્વમુખેથી સાંભળેલા અને એમના જીવનમાં આચરણમાં મુકેલા કેટલાક સૂત્રો આ પુસ્તકમાં ‘મારા હૃદયસ્થ સૂત્રો’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયા છે.
• રામ ‘કરે’ તેમ કરવું અને કૃષ્ણ ‘કહે’ તેમ કરવું.
• સંપત્તિ અને સંતતિ પ્રારબ્ધ અનુસાર મળે છે.
• ઉદારતાના ઈતિહાસ હોય છે, લોભિયાના નહીં.
• પૈસા અનલિમિટેડ છે, સમય લિમિટેડ છે.
• આપણે ક્યાં સુતા તે નહીં, કેટલું ઊંઘી શક્યા તે મહત્ત્વનું છે.
• જે પાલન ન કરે તેને બોલવાનો અધિકાર નથી.
આ આત્મકથાની પ્રસ્તાવનામાં પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખે લખ્યું છે, ‘આ આત્મકથામાં આપણને એક અદભૂત માનવી આકાર લેતો જણાય છે, જેનું હૃદય ઉષ્માપૂર્ણ છે. આ આત્મકથા યોગઃ કર્મસુ કૌશલમ્ ના જૂના સૂત્રને સાચું ઠેરવે છે.’
ગોવિંદ કાકાની આત્મકથાના થોડા પાનાં જ વાંચ્યા છે, પૂરી વાંચીને અજવાળાં ઝીલીશ ત્યારે એને ફરી વહેંચીશ.