‘આહાહા... કેવા મજાના એ દિવસો હતા... ને આજે પણ છે કારણ કે મારી સાથે આજે ફરી વાર તું છે.’
અભિષેકે આશાને વ્હાલથી વળગીને કહ્યું... આશાએ કહ્યું, ‘હું તારી આવી વાતોમાં ત્યારે પણ નહોતી આવીને આજે પણ નહીં આવું, તું તારી આ પત્નીને જ આવી વાતોમાં ફસાવ...’ ને ત્રણેય હસી પડ્યા. એ દિવસ હતો શરદપૂર્ણિમાનો.
શરદપૂર્ણિમા... આસો સુદ પૂનમની રાત... એમ કહે છે કે આ રાત્રિએ ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે અને એમાંથી વરસતી ચાંદની અમૃત સમાન હોય છે. શરદપૂનમની રાતે અગાસી પર, ખુલ્લા મેદાનમાં જઈને જેમણે એ ચાંદનીને ઝીલી હોય એને જ એના થકી અનુભવેલી શીતળતા અને પ્રેમસભર પળોનો અનુભવ હોય.
‘ચાલ, ચાંદનીમાં નહાવા જઈએ...’ એ સમય અભિષેકે આશાને આવું કહેલું ત્યારે આશાને એમાં થોડી વધારે પડતી ચાંપલાઈ કે લુચ્ચાઈ લાગી હતી, પરંતુ ગામડા ગામની નદીના કાંઠે, જળના પ્રવાહની સ્થિરતામાં ચાંદનું પ્રતિબિંબ જોયું. નીરવ શાંતિમાં ચાંદ સાથે જોડાયેલા થોડા ગીતો સાંભળ્યા અને દોસ્તો સાથે અંતાક્ષરી રમ્યા એ પછી વહેલી સવારે છુટા પડતી વખતે અભિષેકને એ સહજપણે ભેટી હતી ને કહ્યું હતું, ‘આવી શીતળ ચાંદનીનો સ્પર્શ અને બારે મહિના તારા થકી મળશે એ શ્રદ્ધા છે.’ આંખોમાં આંખો મેળવીને કહેલા એ શબ્દોને અભિષેકે સાર્થક કર્યા હતા. પરણ્યા પહેલાના આશાના વર્ષો અને એ પછીના વર્ષોમાં પણ એક દોસ્ત તરીકે એ હંમેશા એની પડખે ઊભો રહ્યો. રોજ મળે કે ના મળે પણ સતત એ આશાના જીવનમાં પ્રેમ ને પ્રસન્નતા છવાયેલા રહે એ માટે પ્રાર્થના કરતો રહ્યો ને સમય આવ્યે પુરુષાર્થ સાથે યોગ્ય કર્મ પણ કરતો રહ્યો. વરસો વરસ વીતતા રહ્યા પણ બંનેની દોસ્તી અખંડ રહી એમ નહીં પણ સતત વધતી રહી.
આજે પાંચ-સાત વર્ષો પછી ફરી એક વાર બંનેના પરિવારો અન્ય પારિવારિક દોસ્તો સાથે શરદપૂર્ણિમા ઊજવવા એક ફાર્મમાં આવ્યા હતા. અડધી રાતે બધા છુટા પડ્યા, પણ થોડા મિત્રો પૂરી રાત્રિનો મીઠો ઊજાગરો કરી રહ્યા હતા, ગીત-સંગીતનો મધુર ગણગણાટ ગુંજન બનીને પ્રસરી રહ્યો હતો ત્યારે આ બંને શરદપૂર્ણિમાની રાત્રિએ પહેલીવાર મળ્યા હતા ત્યારથી આજ સુધીની તમામ રાત્રિઓને જાણે અનુભવી રહ્યા હતા.
શરદપૂર્ણિમા એટલે આકાશમાંથી વરસતી ચાંદનીને અમાપપણે ઝીલવાનો અવસર. રાસ-ગરબાની રમઝટમાં મ્હાલવાનો અવસર, દૂધ-પૌંઆ કે ખીરને અગાસીમાં ખુલ્લા મૂકીને એમાં ચાંદનીના અમૃત રસને વરસવા દેવાનો અને પછી એને આકંઠ પીવાનો અવસર. લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની પૂજાનો અવસર. શરદપૂર્ણિમા એટલે પરિવાર, પ્રિયજન કે સ્વજન સાથે ઘરમાં, બાગ-બગીચામાં કે ફાર્મ હાઉસમાં ને વીલામાં નિરાંતે બેસીને પ્રસન્નતાને પ્રેમથી ચાંદનીને વધાવવાનો અવસર.
શરદપૂર્ણિમા આવે ને કિશોરાવસ્થાથી યુવાવસ્થાએ પ્રેમપૂર્ણ ને અર્થપૂર્ણ સ્પંદનોનું સ્મરણ થાય, ઊંધીયું-પુરી, જલેબી-ગાંઠીયા ને મરચાં સાથે દૂધપૌંઆનો આનંદ યાદ આવે.
અભિષેક અને આશા પણ આવા જ સ્મરણોથી સભર થઈ રહ્યા હતા અને શરદપૂર્ણિમાના અજવાળાંને મૈત્રીની સાક્ષીએ ઝીલી રહ્યા હતા.