ચાતુર્માસ આવ્યા, ચાલો હવે તો કથા-વાર્તા, શ્રવણ, કિર્તન અને ઉત્સવોનો આનંદ કણકણમાં લહેરાશે... આવું વાક્ય એક મિત્ર બોલ્યા અને શરૂ થઈ રહેલા ચાતુર્માસ નિમિત્તેની વિચારયાત્રા શરૂ થઈ. દર વર્ષે અષાઢ માસની સુદ (એટલે કે શુક્લ) પક્ષની અગિયારસથી ચાતુર્માસનો આરંભ થાય છે. આ દિવસ દેવપોઢી અગિયારસરૂપે ઉજવાય છે. વિષ્ણુપુરાણ સાથે જોડાયેલી કથા અનુસાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા માટે જતા રહે છે તે પછી ચાર મહિને દેવઉઠી અગિયારસના દિવસે પરત આવે છે. એટલે જ આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે. કથા અનુસાર આ ચાર મહિના દરમ્યાન પૃથ્વીલોકની સંભાળ ભગવાન શીવ લે છે.
ચાતુર્માસના સમયમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગો થતા નથી પરંતુ આ સમગ્ર ચાતુર્માસ પર નજર માંડીએ તો એમાં એક પછી એક ઉત્સવો આવે છે એ બહુ રોચક અને રસપ્રદ અનુભવ બની રહે છે ભક્તો માટે. ચાતુર્માસમાં ગુરુપૂર્ણિમા અને હિંડોળાના ઉત્સવો આવે છે. ગોસ્વામી તુલસીદાસજી જયંતી અને ભારત વર્ષનો સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી, કેવડાત્રીજ, ગણેશચતુર્થી, ઋષિ પાંચમ, શ્રાદ્ધ, રાધા અષ્ટમી, ગાંધી જયંતી, નવરાત્રી, દશેરા, શરદપૂનમ, અગિયારસથી લઈને છેક ભાઈબીજ અને પછી લાભપાંચમ સુધીના ઉત્સવોને ઉત્સવોની જ ઋતુ એટલે ચાતુર્માસ. એ પછી આવે દેવઉઠી એકાદશી અને ભગવાન વિષ્ણુ ફરી યોગનિંદ્રામાંથી બહાર આવે અને પૃથ્વીનો કાર્યભાર સંભાળે.
ધર્મકથા અનુસાર ચાતુર્માસના એક એક ઉત્સવનું વિશેષ મહત્ત્વ છે, એની સાથે જોડાયેલી કથા અને કોઈને કોઈ સંદેશ છે. ઉત્સવો આપણને ઊર્જા-ઉલ્લાસ અને ઉત્સાહ સાથે જોડે છે. મારા-તમારા, સહુના અનેક સ્મરણો હશે ચાતુર્માસના આ વિવિધ ઉત્સવો સાથેના એ સ્મરણો જ આપણા માટે જીવન જીવવાનું બળ બની રહે છે. એ ઉત્સવો - એના સંભારણા - એની તસવીરો જ આપણને સતત જોડી રાખે છે જીવન સાથે, જીવંતતા સાથે.
જ્યારે આપણે વ્યક્તિગત રૂપે અનુભવીએ છીએ કે ચાતુર્માસ એટલે વ્રત–નિયમ, જપ–તપ, ઉપવાસ – એકટાણાની ઋતુનો છે જ, એનાથી શરીર અને મનને જરૂર ફાયદો થાય જ છે, પરંતુ એથી ઉપરની ગહન અનુભૂતિ ત્યારે થાય છે જ્યારે આપણે એ પર્વની - ઉત્સવની અનુભૂતિ કરીએ, એનો આનંદ સ્વજન–પ્રિયજન સાથે અનુભવીએ અને આપણા રૂંવે રૂંવે પ્રસન્નતાનો પમરાટ અનુભવાય.
આવો, ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ઉત્સવોની આ પરંપરાને આપણે વધાવીએ, ચાતુર્માસના તમામ ઉત્સવોમાં એકાકાર થઈએ, એના આનંદને અનુભવીએ અને ઉત્સવોના એ અજવાળાંને ઝીલીએ.