‘એ ધોરણ ૧૨ની પરીક્ષા આપવાની હતી. હું જ રોજ એને સેન્ટર પર લેવા ને મૂકવા સ્કુટર પર જાઉં. પહેલું પેપર હતું, અમે બંને સ્કુટર પર જતાં હતાં. મેં સ્કુટર ચલાવતાં સહજભાવે કહ્યું કે, બેટા પેપરમાં તને કાંઈક ન આવડે તો સ્હેજ પણ ચિંતા ન કરતી. કોઈ ચોરી કરતું હોય તો એમાં ધ્યાન ન આપતી અને ચોરી કરવાની તક મળે તો પણ ના કરતી... તો તેણે પાછલી સીટ પરથી મારા ખભે પ્રેમાળ હાથ મૂકીને કહ્યું કે મા, તને નથી લાગતું કે તેં અમને બહુ જ સરસ અને સાચી રીતે જીવતા શીખવ્યું છે?... મારો જિંદગીભરનો જાણે થાક ઉતરી ગયો અને મા તરીકે મને ભરપૂર ટાઢક મળી...’
જિગીષાના મમ્મી, જાણીતા સાહિત્યકાર, ગૂજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. ઉષા ઉપાધ્યાયે હર્ષ સાથે ભીની આંખે સંસ્મરણો તાજા કર્યા. આપણે ત્યાં કહેવાય છે કે દીકરી પોતાના, સાસરાના ને મોસાળના - એમ ત્રણ કુળના સંસ્કારોને ઉજાગર કરે છે, જિગીષા આવી જ ગૌરવશાળી દીકરી છે. જિગીષાના ફ્લેટની એક જ દિવાલે આવેલા ફ્લેટમાં થોડાક વર્ષો જેઓ રહ્યા છે એવા એના મામી મનીષાએ જિગીષા માટેની પોતાની લાગણી વ્યક્ત કરી.
માતા ઉષાબહેન, પિતા ઘનશ્યામભાઈ, માસી રીટાબહેન શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરે. ભાઈ કૌશલ એના કરતાં બે વર્ષ મોટો અને એનો બેસ્ટ ફ્રેન્ડ. જિગીષાના મમ્મી ઉષાબહેને બંને બાળકોમાં શબ્દ-સૂર-સાહિત્ય-સત્ય-માનવતા-પોઝિટિવીટી જેવા શાશ્વત મૂલ્યો અને સંસ્કારોનું વાવેતર કર્યું.
બાળપણ જૂનાગઢમાં વીત્યું ગરવા ગિરનારની ગોદમાં રહી એટલે પ્રકૃતિ સાથે સહજ નાતો બંધાયો. એ પાટી-પેનમાં લખતી હતી એવા સમયે મમ્મીને કશુંક લખતા જોયા. પુછ્યું કે ‘શું લખો છો?’ મમ્મી કહે, ‘વાર્તા લખું છું...’ બે દિવસ રહીને પાટી-પેન સાથે ઢીંગલીરૂપી જિગીષા આવી. કહે, ‘મારે પણ વાર્તા લખવી છે.’ મમ્મી કહે, ‘તું બોલ અને હું લખું...’ એ બોલી, મમ્મીએ પાટીમાં લખી તે એની પહેલી વાર્તા. પછીથી એ વાર્તા તે સમયના લોકપ્રિય બાળ મેગેઝિન ‘ઝગમગ’માં મોકલી અને તંત્રીશ્રી મોહનભાઈ પટેલે છાપી પણ ખરી. ઊંઝાની બાળ સાહિત્ય શિબિરમાં ભાગ લીધો. ગીત-કવિતા ને ગઝલ લખતી થઈ. કોલેજમાં આવી તો ધ્રુવ ભટ્ટની ‘તત્વમસી’ નવલકથાના પુરીયા ડાકીન ભાઈલી અંશમાંથી મોનો એક્ટીંગ એવી સુપર્બ કરી કે જજે એને ટીવી સીરીયલમાં અભિનય માટે નિમંત્રણ આપ્યું. જિગીષા કહે, ‘મારે તો પર્યાવરણમાં રીસર્ચ કરવું છે.’
બાળપણથી જીવદયાનો ગુણ જિગીષાએ આત્મસાત કરેલો એટલે ક્યારેય પતંગો ચગાવ્યા નહિ. એટલું જ નહિ, ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરતા ગ્રૂપમાં જોડાઈ અને પક્ષીઓની સારવાર માટે પાંજરાપોળમાં પણ જતી. એના મમ્મી કહે છે કે ૨૦૧૦માં જીવદયાના સૂત્રો લખીને પોસ્ટર બનાવવાના હતા. મને કહે કે મમ્મી તું સુત્રો લખી આપ, પણ મારી પ્રકૃતિ કોઈની ફરમાઈશ પર લખવાની નહિ... તો જિગીષાએ રોજ પંખીઓની વાતો કરીને મારામાં એ ભાવ જગાવ્યાને મેં સુત્રો લખી આપ્યા.
પરિવારમાં વડીલોને ખૂબ આદર આપે, ને ભાઈ કૌશલ તો અનહદ વહાલો. ૧૯૮૭-૮૮માં બંને ભાઈ-બહેનના બાળપણનો પ્રસંગ છે. એના મમ્મીએ કહ્યું કે બહુ તોફાન કરીશ તો તને હોસ્ટેલમાં મૂકી દઈશ. રાત્રે જિગીષા મમ્મીને વળગી પડીને કહે કે, ‘મા એને હોસ્ટેલમાં નહિ મોકલતી, હું એકલી થઈ જઈશ...’
ડ્રાઈવીંગ સ્કૂલમાં ડ્રાઈવીંગ ના શીખી, ભાઈ પાસેથી જ શીખી, અને એટલું પરફેક્ટ કે ગુજરાતમાં જ નહિ, અન્ય રાજ્યોમાં પણ ઇનોવા કાર બહુ જ કોન્ફિડન્સથી અને એક્યુરસી સાથે ચલાવે.
એમ.એસસી. થયા પછી આઇઆઇએમમાં તાલીમ લેવી હતી. ઈન્ટરવ્યુ લેનાર પ્રોફેસરે પાંચ મિનિટનો સમય ફાળવ્યો હતો. અડધી કલાક ઈન્ટરવ્યુ ચાલ્યો. આખરે એમણે પૂછ્યું કે ‘તમને નોકરીમાં રસ છે કે રિસર્ચમાં?’ જિગીષાએ તુરત જ જવાબ આપ્યો, ‘અહીં રિસર્ચ માટે જ જોડાવું છે.’ ને એ પસંદ પણ થઈ ગઈ.
એના લગ્ન ૨૦૧૨માં થયા અમેરિકાસ્થિત ગુજરાતી યુવાન રવિ પંડ્યા સાથે. તે સમયે પીએચ.ડી.નું કામ પૂરું થવામાં હતું. જિગીષાએ ઘરની જવાબદારીઓ પણ નિભાવી અને પીએચ.ડી. પૂરું પણ કર્યું.
પર્યાવરણના આંતરરાષ્ટ્રીય મેગેઝિનમાં એના રિસર્ચ પેપર પણ પ્રકાશિત થયા. અમેરિકામાં અત્યારે ગુજરાત અને ભારતના સંસ્કારોને જીવંત રાખતી સાહિત્ય-નૃત્ય-ગરબા જેવી તમામ પ્રવૃત્તિઓમાં એ સતત જોડાયેલી રહે છે. દીકરી જ્યારે સદ્દગુણોથી સતત સંવર્ધિત થતી રહે, સત્ય - પ્રેમ - કરુણા - જીવદયા - માનવતા ને ભારતીય સંસ્કૃતિના શાશ્વત મૂલ્યોની જાળવણી કરે, સાથે સાથે જ પોતાના કાર્યમાં સતત સંશોધન અને સાહસ સાથે આગળ વધતી રહે ત્યારે સાચ્ચે જ ચારે દિશામાં સંસ્કારના ને તેજસ્વિતાના અજવાળા રેલાય છે.