જગપ્રસિદ્ધ સાહિત્યકારના આંગણામાં એક લટાર

- તુષાર જોષી Wednesday 07th August 2024 06:14 EDT
 
 

બે દાયકા થયા, આ ભૂમિ પર ફરી એકવાર આવવાનું થયું. બ્રિટનમાં આવેલું સ્ટ્રેટફોર્ડ અપોન એવોન ગામ, જે વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર વિલિયમ શેક્સપીયરના ગામ તરીકે ઓળખાય છે. મલ્ટિલેવલ પાર્કિંગમાં દીપક જોષીએ ગાડી પાર્ક કરી અને હું ને મનીષા આવી પહોંચ્યા એક એવી ભૂમિ પર જ્યાંથી માનવમનની લાગણીઓ અને સંવેદનાઓ સાહિત્ય સ્વરૂપે સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે. બંને બાજુ મકાનો અને વચ્ચે ચાલવાનું. ડાબી બાજુએ જ આવે શેક્સપીયરનું ઘર, જે હવે મ્યુઝિયમ રૂપે સચવાયું છે. આ ઘરમાં શેક્સપીયરની સંવેદના-સર્જનો-સ્મરણો જાણે સચવાયા છે.
વિલિયમ શેક્સપીયર, અંગ્રેજી ભાષાના કવિ, વિદ્વાન નાટ્યકાર અને અભિનેતા, જેના નાટકો લગભગ તમામ ભાષાઓમાં અનુવાદિત થયા. 23 એપ્રિલ 1564ના રોજ સ્ટ્રેટફોર્ડમાં જન્મ થયો અને 23 એપ્રિલ 1616ના રોજ પૃથ્વી પરથી વિદાય લીધી. બંને ઘટનાઓ સ્ટ્રેટફોર્ડમાં જ બની. ચર્ચ ઓફ ધ હોલી ટ્રિનીટી સ્ટ્રેટફોર્ડમાં એની સમાધિ છે.
શેક્સપીયરને જાણનારા સાહિત્યપ્રેમીઓને એ ખ્યાલ છે કે તેમની રચનાઓમાં અદભૂત સર્જનાત્મક્તા રહેલી છે. એમણે જે શબ્દોને સ્પર્શ કર્યો એ જાણે સોનુ બની ગયા. એમની રચનાઓ આનંદ અને મનોરંજન આપવાની સાથે જ રોજિંદા જીવન માટે ઉપયોગી ઉત્તમ જીવનદર્શન પણ આપે છે.
શેક્સપીયરની રચનાઓમાં મુખ્ય ચાર તબક્કા જોવા મળે છે. પ્રથમ તબક્કો પ્રયોગશીલ લેખકનો છે, એ પછી બીજા તબક્કામાં પ્રૌઢ રચનાઓ આવે છે, ત્રીજા ક્રમે જે રચનાઓ છે એમાં દુઃખ-વિષાદનો ભાવ જણાય છે, જ્યારે ચોથા તબક્કામાં સુખ અને દુઃખની મિશ્ર લાગણીઓ પ્રતિબિંબિત થાય છે. શેક્સપીયરના નાટકો મુખ્યતઃ રંગમંચ પર અભિનય માટે લખાયા હતા, પરંતુ એમાં કાવ્યાત્મક ભાવ પણ એટલા જ ઉત્કૃષ્ટ રીતે ઝીલાય છે.
સ્ટ્રેટફોર્ડ અપોન એવોન એક માર્કેટ ટાઉન છે, જે વોર્વિકશાયર કાઉન્ટીમાં આવેલું છે. અહીં દર વર્ષે 2.7 મિલિયન જેટલા ટુરિસ્ટો આવે છે અને શેક્સપીયરનું સ્મરણ કરે છે.
વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ જેટલી જ વિવિધતા અહીંના ફૂલોના રંગમાં જોવા મળે. ગામડાગામની નાની-નાની દુકાનોમાં આ સ્થળ અને બ્રિટન સાથે જોડાયેલી ગિફ્ટ્સની વેરાઈટીઝ જોવા મળે. કોઈ લાઈવ સંગીત પ્રસ્તુત કરતું હોય તો કોઈ એના પ્રિયજન સાથે એના મનગમતા પીણાંની સીપ લેતાં લેતાં જાણે સાહિત્યસર્જનનો સંવેદન કરતું હોય. થોડે આગળ જઈએ એટલે શેક્સપીયરનું સ્ટેચ્યુ આપણને જોવા મળે. જેની સાથે તસવીર ખેંચાવીને આ મુલાકાત કેમેરામાં ક્લિક થઈ જાય. મુખ્ય માર્ગો પસાર કરીને પહોંચી જવાય.
કિનારે અહીં બોટિંગ, આઈસ્ક્રિમ, સેન્ડવીચ, બતકોનાં ટોળાં, મેળાનું ચકડોળ, બ્રિટનના ઉનાળાનો તડકો, લીલીછમ હરિયાળી, બાંકડા પર કે ઘાસમાં બેસીને પરિવાર સાથે પિકનિકનો આનંદ માણતા પ્રવાસીઓ એ અદભૂત થિયેટર જ્યાં શેક્સપીયરના નાટકો ભજવાય... કેટકેટલું જોયું - કેટકેટલું અનુભવ્યું! બહેન મીનાએ થર્મોસમાં ભરી આપેલી આદું અને ગરમ મસાલાવાળી ચા પીતાં પીતાં મન ક્ષણભરમાં સૌરાષ્ટ્ર–ગુજરાતના સાહિત્યકારો સુધી પહોંચી ગયું, એક વિચાર ઝબકી ગયો કે જે ગુજરાતી ભાષાએ આપણને સંવેદનાની અભિવ્યક્તિ આપી એ ભાષાના અમર થઈ ગયેલા પાત્રો જેવા સાહિત્યકારોના જન્મસ્થાનો, એમની સર્જનભૂમિ, એમની કાર્યભૂમિ, એમની સાથે જોડાયેલા સ્મારકો, એમની હસ્તપ્રતો, એમની તસવીરો, એમની વસ્તુઓ વગેરે વગેરેને આપણે સાચવી શક્યા છીએ ખરા? એક સાહિત્યકારના ગામમાં નિયમિતરૂપે સાહિત્યપ્રેમીઓ આવે ને એમની સાથે સાહિત્યકારના સંભારણા લઈને જાય એવું વાતાવરણ ઊભું શક્યા છીએ ખરા?
સ્ટ્રેટફોર્ડની પાંચેક કલાકની મુલાકાતે ફરી એકવાર મને વિલિયમ શેક્સપીયરના સર્જનો-પાત્રોની મનોરમ્ય દુનિયામાં મુકી આવ્યો. શેક્સપીયરનું એક ક્વોટેશન વાંચ્યું, ‘LOVE ALL, TRUST A FEW, DO WRONG TO NONE’.
સ્ટ્રેટફોર્ડની ગલીઓમાં મૂકેલા બાંકડા પર થોડીવાર આંખો મીંચીને આરામ કર્યો ત્યારે જાણે મારી આસપાસ બંધ આંખો થકી પણ અજવાળાં અજવાળાં, શબ્દોના અજવાળાંનો ઊજાસ અનુભવાતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter