‘આ નવી પેઢી જૂઓને ગુગલ મેપને જ ઓળખે, આપણે જિંદગી જે રસ્તા પર કાઢી એનું ન સાંભળે...’
એક વડીલે સાહજિકપણે કહ્યું. એમાં વાત એમ બની કે પરિવાર બે ગાડીઓ લઈને અમદાવાદની શનિ-રવિની રજાઓમાં એમના વતનના શહેરમાં ગયો હતો. જતાં તો બરાબરના માર્ગે ગયા, પરંતુ પાછા ફરતાં ગુગલ મેપના આધારે પોતાના વતનના શહેરમાં અને પછી હાઈવે પર પણ ગુગલ મેપ એમને સાવ અજાણ્યા અને દ્વિમાર્ગી કે એક માર્ગી રોડ પર લઈ ગયું. ઈંધણ વધુ વપરાયું - સમય વધ્યો અને આ વડીલને પોતાનું કહ્યું નવી પેઢીના છોકરાંઓએ સાંભળ્યું નહીં એમ લાગ્યું.
પછી એમને કહેવું પડ્યું કે ‘ભલા માણસ નવા રસ્તા - નવું વાતાવરણ તો માણ્યુંને તમે! નાના નાના ગામડાંઓમાંથી પસાર થવાનો આનંદ તો પામ્યા ને!’
બીજા એક કિસ્સામાં એક માતા એની દીકરીને રોજ એકની એક સલાહો આપે, એમાં પણ પોતાના ગમા-અણગમા જોડે એટલે દીકરી ગુસ્સો કરેઃ ‘તું એકની એક વાત મને રોજ ના કહે... હું કચરો વાળીશ કે ઘરના બીજા કામ કરીશ, તો મારી રીતે... પછી ભૂલ થાય તો કહેજે.’
ત્રીજો એક કિસ્સો છે, ઘરના વડીલ એના સંતાનોને વાત વાતે સલાહ આપે. સાહસની નહીં, ચિંતાની. અશુભ થશે તો? એવી લાગણી પ્રગટ કરે. અમારા સમયમાં તો અમે આમ કરતાં અને આમ જ કરાય એવું એવું કહ્યા કરે. પછી સ્વાભાવિક રીતે સંતાનોને ના ગમે. એમણે એક વાર પુરા આદર સાથે કહી જ દીધું કે ‘તમે સો ટકા સાચા હશો, પણ તમે જે સમય સાથે જીવ્યા એને પચાસ વર્ષ થઈ ગયા છે, પચાસ વર્ષમાં અઢળક ફેરફારો દુનિયામાં થયા છે, એને સ્વીકારો.’
જોયેલા - જાણેલા કે અવલોકન કરેલા આવા કિસ્સાઓ મારી - તમારી આસપાસ રોજેરોજ બનતા જ રહેશે. આપણે આવા કિસ્સાઓમાં બે પેઢી વચ્ચેનું અંતર જોઈએ છીએ, જનરેશન ગેપ તરીકે ઓળખીએ છીએ. શું છે આ જનરેશન ગેપ? અહીં એની વ્યાખ્યા નથી કરવી કારણ એ અંગે દરેકના વિચારો જુદા જુદા હોઈ શકે, પરંતુ એક વાત ચોક્કસ કે જનરેશન ગેપ એ કોઈ ચોક્કસ સમયની ઘટના નથી એ પાણીના વહેત પ્રવાની જેમ સતત વહીને સહુને સ્પર્શી રહેલી અનુભૂતિ છે. સંતાનો કિશોરાવસ્થા વટાવે, યુવાન થાય એટલે એમના વિચારોમાં સ્વતંત્રતા આવે, માતાપિતાને એમ થાય કે અત્યાર સુધી અમારી વાત માનનારા બાળકો હવે અમારી વાત માનતા નથી. બાળકોને થાય કે અમારા પર વગર કારણે કંટ્રોલ મુકવામાં આવે છે, ચોકીદારની જેમ વર્તન કરાય છે. માતા - પિતાને થાય છે કે હવે અમારું કોઈ મૂલ્ય રહ્યું નથી. આમ હવે ડગલેને પગલે વૈચારિક સંઘર્ષ થયા કરે છે.
મા-બાપ જે પ્રકારે, જે જીવનશૈલીથી જીવ્યા તેમ એમના સંતાનો પણ જીવે એવું તેઓ ઈચ્છે તે સ્વાભાવિક છે પણ વાસ્તવમાં એવું શક્ય નથી. સમય સાથે આવતા પરિવર્તનોને માબાપે કે વડીલોએ સ્વીકારવા જ પડશે. સંતાનોને પોતાના વિચારો છે અને એમનાં સપનાં છે. ઘણી વાર સાવ નાનું બાળક હોય ત્યારે કેટલાક એમ કહે કે મમ્મી જેવું છે અને કેટલાક એમ કહે કે એના પપ્પા જેવું છે, જ્યારે બાળક કહેતું હોય છે કે ‘મને મારા જેવું રહેવા દો તો યે ઘણું.’ એટલે આવા સંઘર્ષ ઓછા કરવા હોય તો, જવાબદારી બંને પક્ષે નિભાવવી જરૂરી બને છે. સંતાનોએ ખુલ્લા હૃદયથી પોતાની વાત માતાપિતાને વિવેક જાળવીને કહેવી પડશે. અને માતાપિતાએ એમની વાત સાંભળી - સૂચન કરી, એમના પર વિશ્વાસ પણ મૂકવો પડશે.
જનરેશન ગેપ આજથી સો વર્ષ પહેલાં પણ હશે જ, પરંતુ લોકોની એના વિશેની જાગૃતિ એટલી નહોતી. જાત જાતના મીડિયાને કારણે અત્યારે જે ચર્ચા થાય છે - માહિતી ફેલાય છે એટલી કદાચ ત્યારે લોકો સુધી એ વાત પહોંચતી નહીં હોય.
એક પરિવારમાં રહેતાં વડીલો અને યુવાનોના વિચારો - જીવનશૈલી - રસના વિષયો નોખાં જ હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ પછી પણ સંસ્કાર અને સમજણ થકી બંને એકબીજાના વિચારોને આદર આપે એ પણ જરૂરી છે. જ્યાં અને જ્યારે આવું થાય છે ત્યારે બે પેઢી વચ્ચે વિચારોની જ્યોત પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.