જન્મદિવસ એટલે એક નવી શરૂઆતનો અવસર

અજવાળું અજવાળું

- તુષાર જોષી Tuesday 09th July 2024 05:51 EDT
 
 

જુલાઈ મહિનાનો આરંભ થાય એટલે મોટાભાગે દર વર્ષે ગુજરાતી અષાઢ મહિનાની ભીનાશ અને મોરલાનો ગહેકાટ આપણને પ્રસન્નતા આપે. જુલાઈ મહિનો મારા માટે પણ ખાસ બનીર રહે કારણ કે મારો જન્મદિવસ દસમી જુલાઈ છે. સ્વાભાવિક છે, દરેક માણસ માટે એનો જન્મદિવસ વિશેષ ઉજવણીનો બનતો હોય છે. બચપણથી જ ઘરમાં જન્મદિવસ ઉજવવાની પરંપરા રહેતી આવી છે અને એ બર્થડે સેલિબ્રેશનના આપણા સંસ્મરણો આપણી સાથે સચવાયેલા રહેતા હોય છે.

જન્મદિવસસસ્ય અભિનન્દનાનિ....
આપ કા જન્મદિન શુભ તથા મંગલમય હો.
તમારું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે અને તમારા મનોરથો પૂર્ણ થાય. આ અને આવા આવા અલગ અલગ ભાવનાત્મક વાક્યો આપણા સુધી પહોંચે, એમાં કહેનારનો આપણા પ્રત્યેનો પ્રેમ ભળે, આપણે પ્રસન્નતાનો અનુભવ કરીએ, સ્વજન – પ્રિયજન મળે - ભેટે - વ્હાલ કરે. આપણે વડીલોને પગે લાગીએ, એમના આશીર્વાદ મળે, સદગુરુની અને ઈષ્ટદેવ કે કૂળદેવીની આપણે વંદના કરીએ... સાથે સરસ મજાનો જમણવાર હોય. આહાહા!! કેવો સરસ અને મનભાવન દિવસ બની રહે છે આપણા માટે આપણો જન્મદિવસ.
જન્મદિવસ... ખુશીનો અવસર, ખુશી વહેંચવાનો અવસર, તારીખ આપણને બતાવે છે કે આજે ખાસ દિવસ છે અને એને ઊજવવાનો છે. આપણને ચારે દિશાઓમાંથી શુભકામના વાંચવા - સાંભળવા - અનુભવવા મળે છે, પ્રેમ–પ્રાર્થના, ભેટ–સોગાદ, મીઠાઈ–આલિંગન મળે છે. માથા પર કોઈનો પ્રેમાળ હાથ ફરે છે. આપણા ચિત્તમાં-હૃદયમાં સાવ સહજરૂપે આપણે ઊર્જા-ઉલ્લાસ અનુભવીએ છીએ. કેટલાકને સામેથી ફોન કરીએ અને મોટાભાગના આપણને શુભકામના પાઠવે.
એક અર્થમાં જન્મદિવસ એટલે એક નવી શરૂઆતનો દિવસ. અત્યારે ઉંમરના બાસઠ વર્ષ પુરા થનાર છે ત્યારે પણ જન્મદિવસનો રોમાંચ એટલો જ રહે છે. ઘરમાં દાયકાઓથી એ દિવસે પુરણપોળી બને જ બને. એ દિવસ એટલે વીતેલા વર્ષો પર નજર નાંખીને જે મળ્યું છે એનો આનંદ અનુભવવાનો અને જે મેળવવું છે એ માટે સાચી દિશામાં પુરુષાર્થ કરવા માટેનો સંકલ્પ કરવાનો દિવસ. દાયકાઓથી Work To Doનું લિસ્ટ બનાવીને એમાં પ્રાયોરિટી મુજબના કામો પુરા કરવા પ્રયત્નશીલ રહું, છતાં આપણી ગણતરી મુજબ ઘણાંબધાં કામો કોઈને કોઈ કારણે અધૂરાં રહે અથવા તો આરંભ જ ન થાય. મારા પોતાના જ કાર્યો માટે આપવાના સમયમાં આળસના કારણે વિલંબ થયાની પણ કબૂલાત આ ક્ષણે કરવી જ રહી. હજુ ઘણું કામ કરવાનું છે, કરવું છે, સ્વાસ્થ્ય સચવાય તો ખૂબ કામ કરીને, મહેનતથી - કૌશલ્યથી - મા સરસ્વતી અને સદ્ગુરુની કૃપાથી ને માબાપના આશીર્વાદથી પરિવાર અને પ્રિયજનો સાથે દુનિયા જોવી છે. એક-એક દિવસને માણવો છે, ખૂબ સર્જનાત્મક કામો કરવા છે અને સત્સંગમાં રહેવું છે. હૃદયનો આ ભાવ આજે એક લેખના માધ્યમથી મૂકી રહ્યો છું ત્યારે એ બાબતે જાગૃતિપૂર્વકના મારા પ્રયાસ પણ થવા જ જોઈએ એ પણ સમજું છું. ખૂબ વાંચવું છે - લખવું છે - સાંભળવું છે અને પ્રકૃતિની સમીપ રહેવું છે.
મારું એ સદભાગ્ય રહ્યું કે કેટલાક જન્મદિવસો હું મારી શ્રદ્ધાની ભૂમિમાં, સદગુરુના સાન્નિધ્યમાં પણ શ્વસી શક્યો છું. પરિવાર અને પ્રિયજનો સાથે પ્રવાસન કે તીર્થસ્થાનોમાં જન્મદિવસ ઉજવી શક્યો છું.
વાત અંગત છે પણ મોટાભાગે દરેકની આવીને આવી કથા હોય છે અને એ કથામાં જીવંતતા અને જીવન ભરેલા હોય છે. એની અનુભૂતિ થકી જ આપણામાં આગળ વધવાની હોંશ અને જોશ ભળે છે. જીવનમાં આજે જ્યાં છીએ ત્યાંથી રોજ એકાદ ડગ સાચી દિશામાં આગળ વધવા પ્રેરિત થવાય છે. આપણા રસના વિષયો, ગમતા માણસો, ગમતા સ્થળો સાથે જીવાય છે.
ઘણી વાર થાય કે માણસે જન્મદિવસે પોતાને પણ શુભકામના આપવી જોઈએ. આપણે આપણી જાતને શુભકામના પાઠવીએ એમાં ખોટું શું છે? આપણે આપણને જ પ્રેમ કરીશું તો બીજાને પ્રેમ કરી શકીશું કદાચ એ જ ભાવ હૃદયમાં પ્રગટ થયો અને અહીં શુભત્વના, શુભકામનાઓના અજવાળાં રેલાયા, જન્મદિવસે શુભકામના મળે - પ્રેમ મળે - ઝીલતા રહીએ... જીવતા રહીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter