‘જલારામ બાપાની અપાર કૃપા ડગલે ને પગલે અનુભવી છે’ લેસ્ટર સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટી-ચેરમેન શ્રી પ્રમોદ ઠક્કરે કહ્યું.
‘સાચ્ચે જ જલારામ બાપાના નામ સાથે જોડાયેલી આ વર્ચ્યુઅલ વર્લ્ડવાઈડ ઉજવણી સહુના માટે ધન્યતાનો અવસર બની રહી’... લંડનના મુરબ્બી શ્રી ધીરૂભાઈ સાંગાણીએ પ્રતિભાવ આપ્યો.
આવો જ ઉલ્લાસ-ઊર્જા અને ભક્તિથી ભર્યોભર્યો લાગણીનો ભાવ પ્રગટ કર્યા સમગ્ર ઉજવણીની કોર કમિટીના અજય જોબનપુત્રા, સંજય રૂઘાણી, ભદ્રશીલ ત્રિવેદી, નરેશ પોપટ અને તમામ ટ્રસ્ટીઓએ આવા આનંદદાયક ઉદ્દગારો વિશ્વભરમાંથી ઉચ્ચારાયા એના મૂળમાં હતા - છે અને રહેશે વીરપુરના સંત શ્રી જલારામ બાપા અને તેમના માટેની ભક્તોની ભક્તિ તથા ભજન.
ભક્તિ-ભજન અને ભરોસાની ત્રિવેણી એટલે જલારામ બાપાનું જીવન. અખંડ રામનામનું સ્મરણ કર્યું અને સેવાના કાર્યો કર્યા - સદાવ્રત શરૂ કર્યું જે આજે બસ્સો વર્ષ પછી પણ સતત વીરપુરમાં કાર્યરત છે.
જલારામ બાપાના દિવ્ય સંદેશને અનુસરીને વિશ્વભરના દેશોમાં જલારામ ભક્તો - જલારામ મંદિરના માધ્યમ દ્વારા સેવાનું - સત્સંગનું સદકાર્ય કરી રહ્યા છે.
લેસ્ટરના પ્રવેશદ્વારે આવેલું શ્રી જલારામ મંદિર લાખ્ખો ભક્તો માટે શ્રદ્ધા-આસ્થા અને સેવાનું કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં આ મંદિરના રજત જયંતી પર્વની ઉજવણી વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈને વર્ચ્યુઅલ રીતે અનહદ ઉલ્લાસ-આનંદ અને ભક્તિ સાથે કરવામાં આવી. જલારામ જયંતી પર્વ નિમિત્તે વર્લ્ડવાઈડ ઉજવણી થઈ એમાં ઓસ્ટ્રેલિયા - ભારત - મિડલ ઈસ્ટ - આફ્રિકા - બ્રિટન - અમેરિકા અને કેનેડાના શહેરોના ૧૫થી વધુ મંદિરો જોડાયા હતા.
જલારામ બાપાએ પ્રબોધેલ સિદ્ધાંતોને અનુસરીને ભક્તિ-ભજન સાથે લોકસેવાના કાર્યો કરી રહેલા વિશ્વભરના મંદિરો-સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર જોડાવાનો વિચાર જેમને આવ્યો એ જલારામ મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન શ્રી પ્રમોદભાઈ ઠક્કર કહે છે કે અદ્ભૂત અને સંતોષ આપનારું કાર્ય લેસ્ટર મંદિરના રજત જયંતી પર્વ નિમિત્તે થયું છે. લેસ્ટરને મલ્ટી કલ્ચર સીટી તરીકે ઓળખાવતા તેઓ કહે છે કે મંદિર અને કોમ્યુનિટી સેન્ટર દ્વારા માત્ર હિન્દુઓ માટે જ નહિ, માણસ માત્ર માટે સર્વધર્મ સમભાવના વાતાવરણમાં સેવાનું કાર્ય અહીં થાય છે. મેડિકલ કેમ્પ યોજાય છે, ગો ગ્રીન પ્રોજેક્ટ સાથે અમે જોડાયેલા છીએ, વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારાને એવોર્ડ અપાય છે, નવેમ્બરથી માર્ચ દરમિયાન ઠંડીના દિવસોમાં ઘરવિહોણા લોકોને અહીં રહેવા-જમવાની સુવિધા આપવામાં આવે છે. જલારામ બાલ વિકાસ સંસ્થા દ્વારા બાળકો તથા વાલીઓને ગુજરાતી શિક્ષણ અપાય છે. મંદિર દ્વારા જૈન-હિન્દુ ઓર્ગન ડોનેશનનું કાઉન્સેલીંગ સેન્ટર પણ લેસ્ટરમાં શરૂ થઈ રહ્યું છે.
સમગ્ર ઉજવણીના ભારતના કો-ઓર્ડીનેટર અને મોટીવેશનલ સ્પીકર હિમાંશુ ઠક્કર પાસે ભારતના જલારામ મંદિર દ્વારા થઈ રહેલા ભક્તિના-ભજનના અને સેવાકાર્યની વાતોનો - મહિમાનો કલાકો સુધી ખુટે નહીં એટલો ખજાનો છે. તેઓ કહે છે કે આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કોરોના કાળની ફળશ્રુતિ હતો. જ્યારે જ્યારે યુવાનો એને જોશે ત્યારે ત્યારે સેવાની ભાવનાથી સદાવ્રતી થવાની પ્રેરણા એમને મળતી રહેશે.
જલારામ બાપાના નામ સાથે જોડાયેલી વિશ્વભરની સંસ્થાઓ - મંદિરો દ્વારા થતા સેવાના - ભુખ્યાને ભોજનના - ગૌશાળા નિભાવવાના - થેલેસેમીયા સેન્ટરના - અન્નક્ષેત્રના - નાત-જાતના ભેદભાવ વિના થતા સમૂહ લગ્નોના કાર્યો જેવા અનેક કાર્યોની જાણકારી આ વર્લ્ડ વાઈડ ઉજવણી થકી સમગ્ર વિશ્વના લોકો સુધી પહોંચી હતી. પછીથી આ કાર્યક્રમની હાઈલાઈટ્સ આસ્થા ચેનલના માધ્યમથી વિશ્વભરના દર્શકો સુધી પહોંચી હતી જેને મોટી સંખ્યામાં ભક્તોએ નિહાળી હતી. લેસ્ટર જલારામ મંદિર દ્વારા ૨૦૦૬માં આયોજિત પૂજ્ય મોરારીબાપુની કથા પણ વિશેષ પ્રસારિત કરવામાં આવી હતી.
આમ આધુનિક ટેક્નોલોજીના સહારો કોરોનાકાળમાં પણ તમામ નીતિનિયમોના પાલન સાથે લેસ્ટર જલારામ મંદિરની રજત જયંતી એક મીઠું સંભારણું બની રહી હતી.
•••
વીરપુર ગામમાં જેમનું પ્રાગટ્ય થયું એ જલારામ બાપાએ સંતશ્રી ભોજલરામ બાપાને ગુરુ બનાવ્યા અને રામનામના મંત્ર સાથે સેવાના કાર્ય શરૂ કર્યા - સદાવ્રતનો આરંભ કર્યો.
જલારામ બાપાના સતના પરચાની અનુભૂતિ લાખ્ખો ભક્તોને થઈ છે અને એમના નામ સાથે જોડાયેલી સેવા સંસ્થાઓ - મંદિરો વિશ્વભરમાં માનવતાનું કાર્ય કરી રહી છે. આ માનવતાના કાર્યમાં જોડાયેલા ભક્તો જ્યારે જ્યારે જલારામ બાપાના આદર્શોને અનુસરવાનો પ્રયાસ કરે છે ત્યારે ત્યારે વાતાવરણમાં જલારામ બાપાની સેવા-ભક્તિના અખંડ દીવાના અજવાળા રેલાય છે.