‘જીવન એક ઉત્સવ છે’ હમણાં કોઈ સંવાદમાં આ એક સીધુંસાદું વાક્ય કોઈ બોલ્યું. જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમય એટલે જીવન. જીવન એટલે એક ઘટના જેમાં પ્રક્રિયાઓ, પ્રસંગો, અનુભવો વગેરે વગેરેની વિસ્તૃત શ્રૃંખલા અનુભવવા મળે. માતાના ગર્ભમાંથી બાળક બહાર આવે, પહેલો શ્વાસ લે ત્યારથી લઈને અંતિમ શ્વાસ વચ્ચેની ઘટના એટલે જીવન. આ જીવન એક ઉત્સવ છે. તો ઉત્સવ એટલે શું? ઉત્સવ એટલે તહેવાર – પર્વ – ઊજવણી - અવસર - શુભ પ્રસંગ. ઓશોએ કહ્યું છે કે ‘પ્રસંગ બહારથી આવે, આનંદ અંદરથી આવે.’ ઘણી વાર કાર્યક્રમોમાં હું કહું કે કેલેન્ડર આપણને ઉત્સવની, ખાસ દિવસની જાણ કરી શકે, આનંદ ના આપી શકે. આનંદ તો અંદરથી - માંહ્યલામાંથી જ આવે.
એકધારા જીવનથી માણસ થાકે નહીં એટલે વર્ષ દરમિયાન સતત ધાર્મિક, વ્યક્તિગત, સામૂહિક, વ્યવસાયિક, સામાજિક એમ ઘણા બધા ઉત્સવો આવ્યા જ કરે. આ ઉત્સવો આપણને પ્રેમ – પ્રાર્થના અને પ્રસન્નતાથી સભર કરે.
એક શિષ્યએ એક વાર એના ગુરુને પૂછ્યુંઃ ‘મારે ઉત્સવ મનાવવો છે તો ક્યારે મનાવું?’ ગુરુએ કહ્યું કે ‘તારા મૃત્યુના દિવસે મનાવજે.’ શિષ્ય કહે કે, ‘મૃત્યુ ક્યારે આવે એ ક્યાં નક્કી છે?’ તો ગુરુએ માર્મિક જવાબ આપતાં કહ્યું કે ‘એક એક પળે મૃત્યુ આવી શકે એવી જો સંભાવના હોય તો એક એક પળમાં ઉત્સવ મનાવવો જોઈએ. ઉત્સવ મનાવવા માટે મુહૂર્ત ના જોવાય.’ કિશોરકુમારે ગાયેલા અને ગુલઝારે લખેલા ફિલ્મ ગોલમાલના ગીતમાં પણ આ પ્રકારનો જ સંદેશ અભિવ્યક્ત કરાયો છે...
‘આનેવાલા પલ જાનેવાલા હૈ, હો સકે તો ઈસમેં જિંદગી બીતા દો, પલ જો યે જાનેવાલા હૈ...’
જીવન ઉત્સવ ક્યારે બને? એ સવાલના વ્યક્તિએ વ્યક્તિએ અલગ, સમયે સમયે અલગ ઉત્તરો હોઈ શકે. પરંતુ કેટલાક કારણો બધા માટે સમાન હોય છે. એમાંનું એક તે ઘરમાં રમતું બાળક હસે ને આખા ઘરમાં ઉત્સવ થઈ જાય. એ આખા ઘરને અવ્યવસ્થિત કરી નાંખે પણ કેન્દ્રમાં તો એ જ રહે. બધાને એની ચિંતા, બધાને એની કાળજી. બહારના પ્લેગ્રૂપમાં, ગૃમીંગ ગ્રૂપમાં એ જેટલું ખીલે એનાથી વધુ દાદા-દાદી કે નાના-નાની સાથે ખીલે. ઘણી વાર આપણે એને રમાડતા હોઈએ ત્યારે એવું લાગે કે એ આપણને રમાડી રહ્યું છે. બાળકને વાત્સલ્ય – વાતાવરણ આપીએ જેથી એની સ્વતંત્ર અને મૌલિક બુદ્ધિશક્તિનો વિસ્તાર થાય, વિકાસ થાય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘આપી શકો તો બાળકોને સંસ્કાર આપજો.’ આજકાલ આપણી લાઈફમાં આપણે એટલા બધા વ્યસ્ત રહીએ છીએ કે બાળકોને સમય નથી આપી શકતા. અનુભવે એ સત્ય સમજાય છે કે બાળકો સાથે વીતાવેલી એક એક પળ ઉત્સવમય બની જાય છે.
જિંદગી ઉત્સવમય ત્યારે બને છે જ્યારે આપણે આપણા પરિવાર સાથે, પ્રિયજનો સાથે હોઈએ છીએ. ઉત્સવોના આ દિવસોમાં માણસો દૂર દૂરથી પણ પોતાના ઘરે પહોંચે છે અથવા તો પરિવાર કે પ્રિયજનો સાથે પ્રવાસમાં જાય છે. કારણ કે આ બધા સાથે જીવવાનો આનંદ આવે છે. હોટેલમાં મળતી બાહુબલી ગુજરાતી થાળી એક માણસ માટે નથી હોતી, પાંચ–સાત માણસો એમાંથી પેટ ભરીને જમી શકે છે. મતલબ કે એકલા ના જમી શકાય, સાથે માણસ જોઈએ.
જીવન ઉત્સવમય થાય છે જ્યારે આપણે પ્રિયજનો સાથે હોઈએ છીએ. જેની સાથે તમે મુક્તમને હસી શકો, રડી શકો, જેને ભેટીને છૂટવાનું મન થાય એવા પ્રિયજનો મળ્યા હોય તો એ પરમાત્માની મહેરબાની છે.
આપણું જીવન ઉત્સવમય ત્યારે લાગે છે જ્યારે આપણે પ્રકૃતિની નજીક હોઈએ છીએ. નદી - તળાવ – દરિયો - સરોવર – પહાડ – રણ – ખેતર, શાંત જગ્યા, ભીડ વિનાના મંદિરનો ઓટલો, આ બધું જ આપણને આનંદ આપે છે, પ્રસન્નતા આપે છે. બાહ્ય પ્રકૃતિ તો ખરી જ, મારી ને તમારી આંતર પ્રવૃત્તિ, આપણો સ્વભાવ પણ આપણા જીવનને ઉત્સવમય બનાવનારું પરિબળ છે. જાણીતા કવિ રાજેશ વ્યાસ મીસ્કીનનો શેર છે,
‘હોય ના કશું તો અભાવ નડે છે,
હોય જો બધું તો સ્વભાવ નડે છે.’
જીવન ઉત્સવ જેવું ક્યારે લાગે? જ્યારે આપણે આપણે ભાગે આવેલા કર્મમાં શત પ્રતિશત સમર્પિત થઈએ. કોઈ કામ કરવા ખાતર ના કરીએ. આપણું એ માટેનું સર્વશ્રેષ્ઠ કર્મ એમાં રેડીએ તન – મન – ધનનો પ્રમાણિકતાપૂર્વક ઉપયોગ કરીએ પછી સફળતા મળે કે નિષ્ફળતા, આપણને પ્રસન્નતા મળે છે અને અબોવ ઓલ જેવું એક કારણ... જીવન એક ઉત્સવ છે, જો આપણે પ્રેમથી એને ભરીએ છીએ તો. પ્રેમ આપણને જીવાડે છે. કોઈ આપણને અને કોઈને આપણે પ્રેમ કરીએ છીએ એનાથી મોટો ઉત્સવ બીજો કયો હોઈ શકે? આવા આવા સ્પંદનોના દીવડા પ્રગટે છે, સમજણના દીવડા પ્રગટે છે ત્યારે જીવનમાં ઉત્સવના અજવાળાં રેલાય છે.