‘દીકરીએ ૯૪ ટકા લાવી સ્વર્ગસ્થ પિતાને ખરા અર્થમાં અંજલિ આપી...’ વાત છે મૂળ ભાવનગરની અને હવે અમદાવાદમાં સ્થાયી થયેલી ત્વરા વિવેકભાઈ ભટ્ટની. એક વર્ષ પહેલાં જ ત્વરાના પિતા ડો. પ્રો. વિવેકભાઈ ભટ્ટનું અચાનક દુઃખદ અવસાન થયું હતું. ત્વરાના મમ્મી ડો. પ્રો. પ્રીતિબહેન મૈયાણી અને ત્વરાની બહેન ન્યારા માટે જાણે દુઃખનો પહાડ તુટી પડ્યો હતો, પરંતુ સમય સાથે આ દુઃખ ઝીલીને સંઘર્ષ કરવાનું પણ સહુને આવશ્યક જણાયું હતું. ત્વરા અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ કરતી થઈ. આયોજનબદ્ધ મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન, પરિવારની હૂંફ, શિક્ષણવિદ્દ નાનાજી ડો. પ્રો. જે. પી. મૈયાણીની પ્રેરણાથી ત્વરા સતત વાંચન ઉપર ધ્યાન આપતી ગઈ. આખું વર્ષ અથાક મહેનત કરી. પરિણામે તાજેતરમાં ધોરણ દસનું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે તેણે ૯૮.૮૮ પર્સન્ટાઈલ માર્ક્સ મેળવ્યા.
ત્વરા નાનપણથી જ હોંશિયાર હતી. લોકભારતી-સણોસરા અને દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં અભ્યાસ દરમિયાન ભાવનગરના સંસ્કાર-વારસાને કવિતા-લેખન-સર્જન દ્વારા જીવંત રાખે. તેના નાની અનુરાધાબહેન ચંદરવાકર ઈકોનોમિક્સના પ્રોફેસર અને અનુરાધાબહેનના પિતાજી પુષ્કરભાઈ પણ સાહિત્યકાર. આમ ત્વરાને લેખનનો શોખ નાના-નાનીના પક્ષેથી વારસામાં મળ્યો છે. નાની ઉંમરમાં એ ધાર્મિક ગ્રંથો - મહાન લેખકોના પુસ્તકો વાંચે છે ને એના પર વાત પણ કરી શકે છે. નાની બહેન ન્યારા જે સાતમામાં આવી, એ મસ્તી કરે-ધમાલ કરે ત્યારે એની સાથે પણ ત્વરા પૂરબહારમાં ખીલે.
ભવિષ્યમાં સાયન્સ (બી ગ્રુપ)માં જઈને ઓલ ઇંડિયા ઇન્સ્ટિસ્ટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં જોડાઇને સેવા કરવાનું એનું સપનું છે. ત્યાં ન જવાય તો પ્યોર સાયન્સમાં એ જવા માંગે છે. આમ પરિવારના પ્રોત્સાહનથી કઠિન પરિસ્થિતિમાં પણ દીકરીએ ઉત્તર પરિણામો મેળવ્યા છે.
જ્યારે જ્યારે ધોરણ ૧૦-૧૨ના પરિણામો આવે છે ત્યારે ત્યારે આવા અનેક કિસ્સાઓ સમાચાર માધ્યમો દ્વારા આપણા સુધી પહોંચે છે જેમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ વચ્ચે અસુવિધાઓ વચ્ચે પણ હિંમત હાર્યા વિના, ડગ્યા વિના, માત્ર ને માત્ર યોગ્ય દિશાના પુરુષાર્થ સાથે શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરે છે અને પરિવારનું અને પોતાનું ગૌરવ વધારે છે. કેટલાય મા-બાપ સાચા અર્થમાં પોતે ઓછી આવક જૂથમાં હોઈને ભુખ્યા રહીને પણ બાળકોને ભણાવે છે. અમદાવાદમાં શરબતની લારી ચલાવતા રાજેશભાઈનો પુત્ર નિખિલ ૯૧ ટકા માર્ક્સ લાવે છે તો નાની ઊંમરે માતા-પિતા ગુમાવનાર તરલ નવલે દાદા-દાદી અને કાકા-કાકી સાથે રહીને ૮૬ ટકા માર્ક્સ મેળવ્યા છે. પ્યુન તરીકે નોકરી કરતાં મુર્તુઝાભાઈની દીકરી આશિયા ૯૦ ટકા માર્ક્સ લાવે છે. કોઈ ટયુશન સાથે તો કોઈ ટ્યુશન વિના, કોઈ થોડું વાંચીને તો કોઈ ઝાઝુ વાંચીને કોઈ મિત્રોના સપોર્ટથી તો કોઈ પરિવારના સપોર્ટથી અચાનક આવી પડેલી મુશ્કેલીઓ અથવા સાવ ગરીબ સ્થિતિમાં પણ ધીરજ ગુમાવ્યા વિના નિયત લક્ષ તરફ ગતિ કરતા રહ્યા અને આખરે પરિક્ષામાં શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા.
અમદાવાદના જ વસ્ત્રાલ વિસ્તારની યશ્વી સોનારાના પિતા તો પરિણામ આવ્યું ત્યારે પુલવામામાં સૈન્યમાં ફરજ બજાવતા હતા. દીકરીએ ફોન પર તેમને સુંદર પરિણામના સમાચાર આપ્યા ત્યારે સહુની આંખમાં હર્ષના આંસુ હતા.
સરવાળે મહત્ત્વનો સંદેશ એ કે કોઈ પણ પરીક્ષામાં પાસ થવા માટે માત્ર પૈસો-સ્ટેટસ-હોદ્દો કે વગ કામ નથી આવતા... આ બધ્ધું જ ન હોય અને અચાનક અનેક મુશ્કેલી આવી પડી હોય તેને વળોટીને પણ વિદ્યાર્થીઓ જ્યારે ચોક્કસ લક્ષ્ય સર કરવા પુરુષાર્થ કરે છે ત્યારે તેઓ જરૂર સફળ થાય જ છે. એવા સમયે પુરુષાર્થ અને પ્રેરણાના દીવડા પ્રગટે છે ને અજવાળા રેલાય છે.