‘નવું વરસ તો આવે ને જાય, આપણને શું ફેર પડે? આપણે તો બસ એ જ ઢસરડા... એની કોઈ નોંધ પણ ના લેવાય...’ એક વ્યક્તિએ કહ્યું. ‘નવું વરસ છે, નવો સૂરજ ઊગ્યો છે, નવું વાંચીશ, નવું સાંભળીશ, નવું શીખીશ, અને કાંઈ નહીં તો રોજ થોડા શ્વાસ જાગૃતિપૂર્વક લઈશ. જિંદગી જીવવા જેવી છે યાર...’ બીજાએ કહ્યું. તમે કોઈને અડધી રાત્રે ફોન કરીને મસ્તી કરી શકો, ગમતું ગીત કોઈની સાથે સાંભળી કે ગાઈ શકો, પૌત્રી કે દોહિત્રી દિવસમાં સો વાર નાનુ નાનુ કરે અને તમને દોડાવે, કોઈ માણસ કારણ વિના તમારાથી રાજી થાય, કોઈ આપણી ભૂલ સુધારી જાય... આ અને આવું અનુભવાય તો જિંદગી જીવવા જેવી છે સાહેબ... પાર્શ્વ પબ્લિકેશન-અમદાવાદ દ્વારા પ્રકાશિત અને પી. પ્રકાશ વેગડ દ્વારા સંપાદિત પુસ્તિકા ‘પ્રેમ હાસ્યકોશ’ હમણાં ફરી વાંચી. એમાં વિશ્વના અનેક જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોએ પ્રેમ વિશે જે સાહિત્ય સર્જ્યું છે એમાંથી કેટલાક ચબરાકિયાં, મધુર વાતો, હાસ્યના પ્રસંગો, લઘુકથાઓ અને ટુચકાંઓ સંપાદિત કરાયા છે એમાં સર ફિરોઝશાહ રુસ્તમજી મહેતાના શબ્દો છેઃ ‘ચબરાકિયાં એટલે એવાં ચબરાક વાક્યો જે વાંચતાંવેંત મોહ પમાડે અને વાંચ્યા બાદ વિચાર કરાવે.’ એમાંથી કેટલાક ચબરાકિયાં અહીં લખી રહ્યો છું.
• ‘ઈર્ષા પ્રેમ સાથે જ જન્મે છે, પણ એની સાથે મૃત્યુ પામતી નથી.’ - ફ્રેન્ચ લેખક લરોશ ફૂકો
• ‘દૂર ગયેલા પતિનો અને નજદીક આવેલા કુંવારાના કદી વિશ્વાસ કરવો જોઈએ નહીં.’ - અમેરિકન નિબંધકાર હેલ રોલેન્ડ
• ‘કુંવારા લોકો પર બમણો ટેક્સ નાંખવો જોઈએ, કેમ કે એવા થોડાક લોકો બીજાં કરતાં વધારે સુખ માણે એ તો ઉચિત ન કહેવાય.’ - ઓસ્કર વાઈલ્ડ
• ‘સ્ત્રીઓના અભિપ્રાય બદલવા ઈચ્છતા હો તો તેમની સાથે સંમત થઈ જાઓ.’ - ડચ ફિલસૂફ ઈરઝમેશ
• ‘પ્રેમ તો બે પ્રકારે જ બોલે,
ગહન મૌનથી થાય મુખર વા
છલકે ગીત કલ્લોલે.’ - કવિ ઉશનસ્
• ‘કોઈ તમને ચાહે છે એની પ્રતીતિ જીવનનો સર્વોત્તમ આનંદ છે.’ - વિક્ટર હ્યુગો
• ‘આનંદનો એક દરવાજો બંધ થઈ જાય, તો બીજો ખુલે છે. પણ આપણી નજર હંમેશા બંધ દરવાજા તરફ જ ખોડાયેલી રહે તો ખુલ્લો દરવાજો દેખાતો નથી.’ - હેલન કેલર
• આલિંગન એ કોઈ અયોગ્ય વ્યવહાર નથી, એ તો પ્રેમની એક અનિવાર્યતા છે. આલિંગન ન શાણપણ છે ન મૂર્ખતા, પણ એ બ્લડપ્રેશરની એક રામબાણ દવા છે.
આ અને આવા વિવિધ વિષયો પરના સુંદર – અસરદાર નાનાં નાનાં અવલોકનો વાંચીને નવા વર્ષના આરંભે મન તરબતર થઈ ગયું. આપણે સહુ 2024ના વર્ષના આપણા પોતાના પ્લાનર ગોઠવીશું, જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 સુધીમાં કયા સમયે કયું કામ કરવું જોઈએ એનું આયોજન કરીશું, એ માટે મહેનત કરીશું. સફળતા મળ્યે એને ઊજવીશું, નિષ્ફળતાથી નિરાશ થઈશું... પણ આ બધામાંથી પસાર થતી વખતે જો થોડા જાગૃત થઈને આવા નાનાં નાનાં ચબરાકીયાં જેવા આનંદોને - સુખને - અચરજને - મસ્તીને - મિલનને માણતાં આવડી જાય તો ભયો ભયો. કોઈ માર્ક નક્કી કરીએ, મંઝિલ સુધી જવા કદમ ઉપાડીએ પછી છેક મંઝિલ મળે તો જ સુખ મળે, એવું માનીને ચાલનાર દુઃખી થાય છે. વાસ્તવમાં એક એક ડગ પર જે આનંદ આવે - સુખદુઃખના અનુભવ થાય એને બરાબર જીવતા જઈએ તો મંઝિલ સુધી પહોંચવાની યાત્રા બોજ નથી બનતી.
આનંદ – પ્રેમ - ઊર્જા અને આવા બધા હકારાત્મક શબ્દોની અનુભૂતિ રોજિંદા જીવનમાં જાગૃતિ રાખીએ તો સાવ નાની નાની ઘટનાઓમાં પ્રાપ્ત થઈ શકે છે. નવા વરસે બસ આવા નાનાં નાનાં અનુભવોના દીવડાં પ્રગટે અને એમાંથી આનંદના - સહજ પ્રેમના અજવાળાં રેલાય એ અજવાળે આપણે આગળને આગળ વધતા રહીએ.