‘સાહેબ, પાય લાગું, મારા વંદન સ્વીકારો...’ આટલું કહીને એક યુવાન ઝુકીને વંદન કરવા નમી પડ્યો ને પેલા બંને નવાઈ પામ્યા કે આ યુવાન છે કોણ?
મરુ ભૂમિ રાજસ્થાન... પહાડોની, તળાવોની, શૌર્યની, રાજા-રજવાડાંની ભવ્ય ઈતિહાસની, મહેલો અને બાગ-બગીચાઓની ભૂમિ... પધારો મ્હારે દેશ... પંક્તિ આજે વિશ્વભરમાં જાણીતી બની છે. રાજસ્થાનની ધરતીની ભવ્ય આતિથ્ય-સત્કારની પરંપરાને કારણે વિશ્વભરના ધનકુબેરો અહીં આવીને એમના પરિવારના માંગલિક અવસરો ઊજવે છે અને એ રીતે સામા પક્ષે સાવ સામાન્ય માણસ પણ રાજસ્થાનમાં આવીને પ્રવાસનની મોજ માણે છે. પ્રેમ અને પ્રસન્નતાથી-શક્તિ અને ભક્તિથી, કોઠાસૂઝ અને કળાના વિવિધ સ્વરૂપોથી ભર્યા ભર્યાં છે અહીં લોકો...
અકલ સરીરાં માંય, તિલાં તેલ ધ્રિત દૂધમેં
પણ હૈ પડદે માંય, ચૌડે કાઢો ચતરસી...
અર્થાત્ - જેમ તલમાં તેલ અને દૂધમાં ઘી હોય છે એમ જ મનુષ્યમાં અક્કલ પડેલી હોય છે, પરંતુ તે એક પડદામાં છુપાયેલી હોય છે, તેને બહાર કાઢીને તેનો ઉપયોગ કરવો જોઈએ.
રાજસ્થાની ભાષામાં લખાયેલા આ દોહામાં સમાવિષ્ટ અર્થને જ જાણે ઊજાગર કરતી આ ઘટનાના મૂળ ૧૯૬૦ના દાયકામાં છે. ગ્રામ્ય પ્રદેશના એક પરિવારમાં એક દીકરાનો જન્મ થયો. નામ રાખ્યું મહેશ. રમતા-ભમતા મોટો થતો ગયો. શાળામાં ભણવા મૂક્યો, પણ ભણવામાં જીવ લાગે તોને? એની પ્રકૃતિમાં, એના સ્વભાવમાં માણસોને મળવાનું, એમનું આતિથ્ય કરવાનું બહુ બધું જાણવાનું, એમનું આતિથ્ય કરવાનું, બહુ બધું જાણવાનું, મહેનતથી પૈસા રળવાનું. જેવા જેવા ગુણો ધીમે ધીમે વિક્સિત થવા માંડ્યા હતા. મા-બાપની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી ઘરની આર્થિક હાલત... પણ દીકરાને ભણાવવાની ઈચ્છા મજબૂત.
પરિણામે દીકરો મહેશ ભણવામાં સ્થિર થાય એવી ઈચ્છા પુરી કરવા સ્કૂલમાં મુક્યો હતો. બન્યું એવું કે એકાદ-બે મહિનાની ભણવાની ફી બાકી રહી ગઈ હતી. શાળામાંથી દબાણ થયું ફી ભરવા માટે. ફીનાં નાણાં હતા નહીં. એક શિક્ષક સાથે એ છોકરાને અને તેના પરિવારને ઘરોબો હતો. શિક્ષકના પત્નીએ આ વાત જાણી અને શિક્ષકને કહ્યું કે, ‘આ છોકરાની ફી ભરી દોને, આગળ જઈને ભણશે તો કંઈક પામશે.’ શિક્ષક માર્મિક હસ્યા. સાંજે એમણે મહેશને ઘરે બોલાવ્યો. બધી વાત કરી. એ સમયે કિશોરાવસ્થામાં એ આવી લાગણીની વાતો અડધીપડધી સમજ્યો. શિક્ષકે પત્નીની વાતના જવાબમાં કહ્યું હતું કે, ‘તારી વાત સાચી છે, ફી તો ભરી શકાય, પણ આ છોકરો ભણીને નહીં, એની કોઠાસૂઝથી-પરિશ્રમથી, અક્કલથી બહુ મોટો માણસ બનવાનો છે. આમાંથી મહેશને ‘આ છોકરો બહુ મોટો માણસ બનવાનો છે’ એ વાક્ય બરાબર યાદ રહી ગયું.
ત્રણ-ચાર ધોરણ સુધી ભણીને, કોઈક સગાંની આંગળી ઝાલીને એ ઉદેપુર આવી ગયો. ઉદેપુર આવીને નાના-મોટા કામો શરૂ કર્યાં. મહેનત કરવામાં ક્યારેય પાછી પાની ના કરી. દિવસ-રાત એક કર્યાં... પૈસા કમાતો ગયો ને બચત કરતો ગયો. રોકાણો કરતો ગયો. ટ્રાવેલ્સના ધંધામાં ઝુકાવ્યું. એ જમાનામાં આધુનિક કહી શકાય એવા વાહનો ખરીદ્યા. હોટેલ વ્યવસાયમાં પણ જોડાયો. એક વાર ઉદેપુર શહેરના માર્ગ પર એ તેની ગાડી લઇને પસાર થઈ રહ્યો હતો અને એકાએક તેની નજર સંધ્યા ટાણે ચાલવા નીકળેલા એક દંપતી પર પડી. ૧૫-૨૦ વર્ષ પહેલાં જોયેલા એ શિક્ષક દંપતીનું સ્મરણ થઈ આવ્યું. અરે, આ તો એ જ. ગાડી બાજુમાં પાર્ક કરીને પહોંચ્યો એમની પાસે, વંદન કર્યાં અને હાથ જોડ્યા.
શિક્ષક આ યુવાનને ઓળખી ના શક્યા. ઓળખાણ આપી. ‘આ છોકરો બહુ મોટો માણસ બનવાનો છે.’ શબ્દોનું સ્મરણ કરાવ્યું એ દંપતી રાજી થયા. માનભેર યુવાને પોતાની ગાડીમાં બેસાડ્યા. ઘરે લઈ ગયો. સહુને પરિચય કરાવ્યો ને કહ્યું એમના શબ્દોના કારણે આજે સફળ માણસ બન્યો છું. એમણે મારામાં રહેલી શક્તિને જગાડી હતી.
•••
પ્રત્યેક માણસમાં ઈશ્વરદત્ત પ્રકૃતિ-સ્વભાવ-શક્તિ તો પડ્યા જ હોય છે - જરૂર હોય છે તલમાં તેલ અને દૂધમાં ઘી જોઈ શકે એવા એક માર્ગદર્શકની. એવા એક પ્રેરણાસ્ત્રોતની. બસ એ મળી જાય પછી જો સાચી દિશામાં પુરુષાર્થ થાય તો જીવનમાં સફળતા-સિદ્ધિઓના દીવડા પ્રગટે છે અને તેના અજવાળાં રેલાય છે.