જીવનમાં જે કંઇ પામીએ છીએ તેમાં વડવાઓની પૂણ્યાઇનું યોગદાન પણ હોય છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 01st February 2021 10:45 EST
 

‘છોકરાવ, મોરલ ઓફ ધ રીઅલ લાઈફ સ્ટોરી એ કે આપણે જે કાંઈ જીવનમાં પામીએ છીએ એમાં આપણા બાપ-દાદાની પુણ્યાઈનો પણ મોટો ફાળો હોય છે.’ વિનુદાદાએ એમની વાતો સાંભળી રહેલા પરિવારના જ સંતાનો ધ્વનિ - સ્તુતિ - અદિત - ધ્રુવ - વિશ્વા તથા ટીનાને કહ્યું.
નામ વિનુભાઈ મહેતા. મૂળ વતન ગારિયાધારમાં જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૪૩ના રોજ. ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેક્નિક ઈન્સ્ટિટ્યુટમાંથી ડિપ્લોમા એન્જીનિયરીંગ સિવિલ બ્રાન્ચમાં કર્યું. સાતેક વર્ષ અલગ અલગ સિવિલ બ્રાન્ચમાં નોકરી કરી. પછી રાજ્ય સરકારના પીડબ્લ્યુડી વિભાગમાં ત્રણ દાયકા નોકરી કરી અને ક્લાસ વન અધિકારી તરીકે નિવૃત્ત થયા. હાલ પરિવાર સાથે અમદાવાદના મણિપુરમાં આવેલા બંગલામાં રહે છે, જ્યાં લેખના આરંભે લખેલો સંવાદ થયો.
સ્વભાવે અત્યંત ઋજુ, સરળ, પરગજુ અને આનંદી. એમના જીવનના રસપ્રદ પ્રસંગો કહેવા ને વાર્તાઓ કહેવી ખુબ ગમે. એમના જીવનસંગિની દમયંતીબહેન, જેઓએ ચલાલાથી નવ કિલોમીટર દૂર ધારગણી ગામે હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે સેવા આપી છે. તેઓ કહે છે કે, ‘એમની વાતો સાંભળવાનો મને પણ આનંદ આવે, ક્યાંક એ ભૂલી જાય તો વાતનો દોર હું સાંધી આપું.’
હમણાં એમના ઘરે આમ જ આ છોકરાઓ આવેલા, પછી ત્યાં જ જમવાનું ગોઠવાયું ને વાર્તાનો દોર ચાલ્યો. એમાં વિનુદાદાએ એમની યુવાવસ્થાનો એક પ્રસંગ કહ્યો. વાત જાણે એમ કે તેઓ જ્યારે જિલ્લા પંચાયતમાં કામ કરતા હતા ત્યારે ગઢડા તાલુકામાં એક ગામમાં ડેમ બાંધવાનો હતો. હવે એ સાઈટ ઉપર તેમને ફરજ સોંપાઇ હતી અને તેઓએ ત્યાં દસ-પંદર દિવસ રોકાવાનું હતું.
એ સમયે પ્રશ્ન એ થયો કે રહેવું ક્યાં? તો ગામમાં એક રૂમ હતી ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ. એ જગ્યા એવી હતી કે રાત્રે ડર લાગે કારણ કે આસપાસ કોઈ વસ્તી નહિ. અવાવરું જગ્યાએ એક રાત પસાર કરી. બીજા દિવસે ગામડાગામની નાની હાટડીમાં તેઓ જરૂરી કરિયાણું લેવા ગયા, જેથી કરીને પોતાના પૂરતું રસોઈનું કામ કરી શકાય.
ગામની એ દુકાને તેઓ પહોંચ્યા, સાથે કામ કરનાર બીજા એક-બે લોકો પણ હતા. જે જે ચીજવસ્તુઓ જરૂરી હતી તે ખરીદી. શેઠે એમની સાથે વાતનો દોર શરૂ કર્યો. ‘તમે ગામમાં અજાણ્યા લાગો છો? ક્યાં રહો છો? અહીં કેમ આવ્યા? એકલા જ છો? જેવા થોડા પ્રશ્નોના જવાબો દરમિયાન વિનુભાઈએ એક તબક્કે કહ્યું કે ‘અમારું મૂળ વતન જેસર...’ તો શેઠ કહે ‘જેસરમાં ક્યાં રહેતા? કોના દીકરા?’ એટલે વિનુભાઈએ કહ્યું કે ‘મારા પિતાનું નામ તો રેવાશંકર પણ એમને બધા ચકુદાદા જીનવાળા તરીકે ઓળખે, કારણ કે આઝાદી મળી એ પહેલાના સમયમાં તેઓ જેસરમાં જીનના માલિક હતા...’ આ વાત સાંભળીને પેલા શેઠ ઊભા થઈ ગયા. ‘અરે તમે ચકુદાદાના દીકરા? ભલા માણસ, ત્યાં એક ઓરડીમાં તે રહેવાતું હશે?’ સાથે આવેલા ગામના માણસોને કહે, ‘આ સાહેબનો સામાન લઈ આવો, આજથી તમે અમારા મહેમાન, આ મેડીએ ઉપર રૂમ ખાલી છે, તમારે ત્યાં જ રહેવાનું છે.’
વિનુભાઈને નવાઈ લાગી. આમ સાવ અજાણ્યા માણસને આવું પ્રેમપૂર્ણ નિમંત્રણ કેમ? જવાબમાં પેલા શેઠે કહ્યું, ‘થોડાક વર્ષો પહેલા પાલિતાણા આસાપાસ ઘાસ કાપવાનો અમારો કોન્ટ્રાક્ટ હતો, એ સમયે મારા જેવા અજાણ્યાને ચકુદાદાએ બહુ સાચવ્યો હતો, હું ત્યાં જ રહેતો, એમના ઘરે.. હવે ઈશ્વરે મને ઋણ ચુકવવાનો અવસર આપ્યો છે, મારે તમને સાચવવાના છે, જેટલો સમય રહો, અમારા જ ઘરે રહો.’
આમ તે સમયે થોડા દિવસ વિનુભાઈ એમના ઘરે રહ્યાને જમ્યા એ મધમીઠા સ્મરણો આટલા વર્ષો પછી વિનુદાદા યાદ કરી રહ્યા હતા.
•••
કોઈ પણ હેત વિના સાવ અજાણ્યા માણસને કોઈ મદદ કરે છે, ત્યારે એમાં માનવતાને માનવધર્મ ભળે છે, એના કારણે એમને તો ઠીક એમના વારસદારોને પણ કોઈ દિવસ કલ્પના ન કરી હોય તેવો લાભ અનાયાસે મળે છે. આપણે ત્યાં કોઈ સફળ માણસની મુલાકાત લઈએ ત્યારે ઘણી વાર તેઓ કહે છે કે અમારી મહેનત તો ઠીક ભાઈ, આ તો બાપદાદાની પુણ્યાઈ છે. સાચ્ચે જ આવી ઘટનાઓ સાંભળીએ ત્યારે ભલમનસાઈના, સાહજિક સંસ્કારના અજવાળા રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter