‘હું અભણ છું કારણ કે અમારી ભણવાની ઊંમરે આટલી જાગૃતિ નહોતી પરંતુ મારા બાળકોને મેં થોડુંઘણું ભણાવ્યા છે. હવે આ પૌત્રને તો મારે ડોક્ટર કે એન્જિનિયર જ બનાવવો છે.’ આ શબ્દો છે ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વસતિ ધરાવતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામના કાંતાબહેન મશુરભાઈ ભૂરીયાના.
ઊગતા સૂર્યનો પ્રદેશ તરીકે ઓળખાતો દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોના સીમાડે આવેલો છે. અહીં આદિવાસી સંસ્કૃતિ, વનસંપદા અને લોકકલાનો વૈભવવારસો પૂરબહારમાં ખીલ્યા છે. માત્ર આ એક જિલ્લો નહીં વનવાસી વિસ્તાર ધરાવતા તમામ જિલ્લાઓમાં હવે સર્વગ્રાહી વિકાસના નૂતન રંગો છલકાઈ રહ્યા છે.
છેલ્લા દોઢ દાયકામાં આદિવાસી કલ્યાણની અનેક યોજનાઓથી આદિવાસી સમાજના શૈક્ષણિક-આર્થિક અને સામાજિક વિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આદિવાસી નવયુવાન હવે લેપટોપ લઈને શિક્ષણક્ષેત્રે દસ્તક દેતો થયો છે.
પરિવારની આર્થિક સ્થિતિ જરા પણ સારી નહીં. વનબંધુઓના વિસ્તારોમાં એ સમયે એવી સુવિધાઓ પણ પ્રાપ્ત હતી નહીં એટલે બાળકોને જેવુંતેવું - જે શક્ય હતું તે ભણતર આપ્યું. મોટા પુત્ર રાકેશે ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો. પછી ભણવામાં આગળ મન ન લાગ્યું એટલે કામ ગોતવા માંડ્યો. એમાં કોઈકે ધ્યાન ધ્યાન દોર્યું તો એની નોકરીનું ગોઠવાયું ને એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે.
બીજો પુત્ર કમલેશ તો વળી એનાથી પણ ઓછું શિક્ષણ પામ્યો. એમના માતાપિતા પણ રોજીરોટી રળવામાં વ્યસ્ત હતા ને બાળકોને ભણાવવા જોઈએ એવી જાગૃતિનો પણ અભાવ એટલે એ તો માંડ પાંચ ધોરણ સુધી ભણ્યો. ગામડું છોડીને બહુ મોટી સંખ્યામાં વનવાસીઓ અત્યારે શહેરોમાં ચાલતા બાંધકામના કામોમાં મજૂરી કરીને આર્થિક રીતે સ્વનિર્ભર બનતા જાય છે. કમલેશ પણ એવી જ રીતે વડોદરા શહેરમાં કામે ગોઠવાયો ને બાંધકામ ક્ષેત્રે મજૂરી કરતો થયો. કડીયા કામમાં એને ફાવટ આવતી ગઈ તે ઘરનું ગુજરાન ચાલવા માંડ્યું. કમલેશની પત્નીએ ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો છે એટલે એનામાં સ્ત્રીસહજ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ થોડી વધી છે. એના દીકરા પ્રજ્ઞેશને વતનના ગામમાં દાદીએ જ્યારે ધોરણ એકમાં શાળામાં પ્રવેશ કરાવ્યો ત્યારે લેખના આરંભે લખેલા શબ્દો કાંતાબહેને કહ્યા હતા. એમની પોતાની અને એમના બાળકોની જિંદગી ભલે મજૂરી કામમાં ગઈ પરંતુ એનો પૌત્ર ભણીગણીને ખૂબ આગળ વધે એવી એમને આશા છે.
આવો જ બીજો કિસ્સો આ ગામના જ સુરેશભાઈ રમેશભાઈ સંગાડાનો છે. એ અમદાવાદમાં રહીને કડીયા કામ કરે છે. એમના પત્ની રસીલાબહેન ગામમાં રહીને છોકરાને ભણાવે છે. તેઓએ એમની દીકરીઓને પણ ભણાવી છે ને હવે દીકરા દેવરાજને શાળા પ્રવેશોત્સવમાં ધોરણ એકમાં દાખલ કરીને એના શ્રેષ્ઠ ભણતર માટેની ઈચ્છા પ્રગટ કરી હતી.
મોટી સંખ્યામાં એવા મા-બાપ શાળામાં આવ્યા હતા જેઓ પોતે અભણ રહ્યા હતા અથવા માત્ર થોડા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. એમણે અભ્યાસના અભાવે મજૂરી કરીને - પરંપરાગત શૈલીમાં જીવન વેંઢારવું પડ્યું એની વેદના હતી. એટલે જ એમના બાળકો અથવા એમના પૌત્રો દીર્ઘસૂત્રી શિક્ષણ પામે, રાજ્ય સરકારના પ્રજાકલ્યાણના કાર્યોનો લાભ લે અને જીવનમાં આગળ વધે એવી એમને આશા હતી.
રીનાબહેન વિનોદભાઈ પારગી આવું જ પાત્ર હતા. જેમણે તેમની પુત્રી અંજલિને ધોરણ એકમાં દાખલ કરીને કહ્યું કે, ‘મારે તો આને ખૂબ ભણાવવી છે અને સરકારી અમલદાર બનાવવી છે. એનો અભ્યાસ વચ્ચેથી અટકે નહીં એની કાળજી હું રાખીશ અને એને ભણાવીશ.’
વનવાસી ક્ષેત્રોમાં આવેલા ગુજરાતના દાહોદ જેવા કુલ મળીને ૧૧ જિલ્લાઓ છે જ્યાં આદિવાસી લોકો રહે છે. પ્રકૃતિના ખોળે-પહાડોના સાંનિધ્યમાં એમની જિંદગી દાયકાઓથી પસાર થતી આવી છે. સરકાર, સમાજ અને સ્વયં પોતાની, એમ બધી બાજુની જાગૃતિ ઓછી એટલે શિક્ષણથી આ સમાજ વંચિત રહ્યો હતો... ઠીક, હવે છોકરા બે-ચાર ચોપડી ભણે એટલે બહુ થયું. એ પણ એને મનગમતી ને ફાવતી મજૂરી કરી ખાય...
પરંતુ નરેન્દ્ર મોદીએ આજથી દોઢ દાયકા પહેલા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરાવ્યો. એના પરિણામે નેતાઓને અધિકારીઓ ધોમધખતા તાપમાં પણ ગામડામાં જતા થયા, ઢોલ-નગારા ને ત્રાંસા વાગતા થયા. બાળકોને શાળામાં પ્રવેશનો ઉત્સવ થયો, એમને પાટી, પેન, દફ્તર ને રમકડાં મળ્યા.
આમ સામાજિક જાગૃતિ આવી. લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજાયું ને આજે હવે વનવાસી ક્ષેત્રોમાં પણ સમજદારી સાથે શિક્ષણ પ્રાપ્ત કરવાની બાળકોને ભણાવવાની પ્રબળ ઈચ્છા માતાપિતામાં જાગૃત થઈ છે.
•••
પ્રાથમિક શાળાનું શિક્ષણ એ વ્યક્તિના ઘડતરનો પાયો છે. ત્યારે જે બીજ રોપાય છે એ પૂરી જિંદગી એને સાથે આપે છે. એથી જ માતાપિતા અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે પછી સમાજે પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે. જેટલું મજબૂત અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ હશે એટલું એ બાળક ભવિષ્યમાં વધુ નીખરશે.
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે અંતરિયાળ અને છેવાડાના ગામડામાં જે કાંઈ જાગૃતિ આવી છે એના પરિણામો આવનારા સમયમાં જરૂર દેખાશે. ગરીબ કે શ્રમિક પરિવારોના, ખેડૂતોના અને વનવાસીઓના સંતાનો ઉચ્ચ અભ્યાસ કરીને પોતાની શ્રેષ્ઠ કારકિર્દીનું નિર્માણ કરે ત્યારે એમની આસપાસ જ્ઞાનના દીવડાનું અજવાળું રેલાય છે.
લાઈટ હાઉસ
વિદ્યાં દદાતિ વિનયં, વિનયાદ્ યાતિ પાત્રતામ્
પાત્રત્વામ્ ધનમાપ્રોતિ, ધનાત્ ધર્મ તતઃ સુખમ્
(વિદ્યા વિનયથી આવે છે, વિનયથી પાત્રતા, પાત્રતાથી ધન, ધનથી ધર્મ, ધર્મથી સુખ મળે છે.)