ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું...
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ...
જેવા અનેક ભક્તિપદોમાં જેનું વર્ણન કરાયું તે ભક્તિની સંવેદના શું? ભક્તિની અનુભૂતિ શું? આપણા હૃદયમાં ભક્તિભાવ પ્રગટ થયાનો ખ્યાલ કેમ આવે? આવા ઘણા પ્રશ્નો સત્સંગમાં જનારને ઘણી વાર થતા હોય છે. ભક્તિ, અઢી અક્ષરના આ શબ્દનું વાંચન – શ્રવણ – ઊચ્ચારણ કે લેખન આપણે અનેકવાર કરતા હોઈએ છીએ. વાસ્તવમાં ભક્તિ શબ્દના ભાવને, અર્થને આપણે પામીએ છીએ ખરા?
અવલોકન અને અનુભવ એવું લખવા પ્રેરે છે કે ભક્તિ એટલે પ્રભુ પર અતિશય પ્રેમ, ભક્ત પોતાના શ્રદ્ધેય સ્વરૂપમાં ઓતપ્રોત થઈ જાય એ જ સાચી ભક્તિ, ભક્તિ હૃદયમાં પ્રગટે એટલે જ્યાં - જેના પર શ્રદ્ધા હોય ત્યાં પૂર્ણરૂપે શરણાગત ભાવ હોય. ભગવાન જે કરે તેનો સ્વીકાર હોય, અપલક લોચન સતત પ્રતિક્ષા હોય, દર્શન પછીની પ્રસન્નતા હોય અને પ્રેમનું પ્રાગટ્ય રુંવે રુંવે હોય. પરમાત્મા જ્ઞાનીને, તપસ્વીને કે યજ્ઞ કરનારને વશ થાય એના કરતા વધુ ભક્તિ કરનાર ભક્તને વશ થાય છે. ભક્તિ કરતાં કરતાં સહજપણે ભજન વધે છે અને ભજન થકી જ ભરોસો દૃઢ થાય છે.
હૃદયમાં ભક્તિના અજવાળાં રેલાવતા આવા જ એક કાર્યક્રમમાં હમણાં શબ્દ – સંવેદના પ્રસ્તુત કરવાનો મને અવસર મળ્યો. જાણીતા ગાયક અને સ્વરકાર આશીષ મહેતા સાથે છેલ્લા એક દાયકાથી જૈન ધર્મની ફિલોસોફી સાથે જોડાયેલા કાર્યક્રમોમાં પ્રસ્તુતિ કરતો રહું છું, એવો જ એક વિશેષ ડિઝાઈન કરેલો આ કાર્યક્રમ હતો. નવધા ભક્તિના મહિમાનું ગાન કરતા કરતા નવ પ્રકારી પૂજા આ કાર્યક્રમમાં સંપન્ન થતી ગઈ અને એક દિવ્ય વાતાવરણ રચાયું.
નવધા ભક્તિ શબ્દ આવે એટલે રામાયણનો પ્રસંગ યાદ આવે. ભગવાન શ્રીરામ, ભાઈ લક્ષ્મણની સાથે વનવિચરણ કરી રહ્યા છે. વનમાં ઝૂંપડી બનાવીને રહેતી શબરીની ઝૂંપડીએ તેઓ જાય છે, શબરી ચાખી ચાખીને મીઠાં બોર પ્રભુ રામને આપે છે. શબરીને તે સમયે ભગવાન શ્રીરામ નવધા ભક્તિનું મહાત્મ્ય સમજાવે છે. ગોસ્વામી શ્રી તુલસીદાસજી શ્રીરામ ચરિત માનસની ચોપાઈમાં લખે છે તે અનુસાર પ્રથમ ભક્તિ તે સંગોનો સંગ, બીજી ભક્તિ તે પરમાત્માની કથામાં પ્રેમ છે. ત્રીજી ભક્તિ ગુરુની સેવા અને ચોથી ભક્તિ કપટ તજીને પ્રભુના ગુણનું ગાન કરવું તે છે. પાંચમી ભક્તિ મંત્રજાપમાં દ્રઢ વિશ્વાસ અને છઠ્ઠી ભક્તિ ઈન્દ્રિય નિગ્રહ છે, સાતમી ભક્તિ સમભાવયુક્ત દૃષ્ટિ, આઠમી ભક્તિ સંતોષ અને નવમી ભક્તિ સરલતા છે.
એક શ્લોકમાં પણ નવધા ભક્તિનો ઉલ્લેખ મળે છે. તદનુસાર
શ્રવણં કિર્તનો વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્
અર્ચનં, વન્દનં, દાસ્યં, સખ્યમાત્મનિવેદનમ.
અર્થાત્ ‘શ્રવણ’, ‘કિર્તન’, ‘સ્મરણ’, ‘પાદસેવન’ (ચરણસેવા), અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદનના ભાવ તે નવધા ભક્તિ છે. વર્તમાન સમયમાં આ નવધા ભક્તિનો સ્વરૂપો આપણને સત્યના અને પ્રેમના માર્ગે દોરી શકે છે એ વાતની પ્રતીતિ ભક્તોને છે જ અને એટલે જ સુરત ખાતે વેસુ વિસ્તારમાં મહાવિદેહ ધામમાં નવધા ભક્તિના તત્વ – સત્વ – મર્મથી સભર, સેવા - પૂજા અને સૂર – શબ્દથી શોભિત આ કાર્યક્રમ યોજાયો ત્યારે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
પ્રબુદ્ધ પ્રવચનકાર પૂજ્ય આચાર્ય શ્રી રશ્મિરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબને શ્રમણી ગણનાયક પદ તથા અન્ય 13 મુનિ ભગવંતોને પંન્યાસ પદ અર્પણ સમારોહ અવસરે આ કાર્યક્રમ માટે નવધા ભક્તિગીતોની વિશેષ રચના પ.પૂ. પન્યાસ પ્રવર શ્રી પ્રશમરતિ વિજયજી મહારાજ સાહેબ (દેવર્ધી)એ કરી હતી. નવધાભક્તિની સંવેદના, સ્તોત્ર, સ્તુતિની પ્રસ્તુતિ સંગીત સાથે થઈ ત્યારે નવધાભક્તિના નવ અંગની ઉપાસનાના મહાત્મ્યની સુગંધથી જાણે વાતાવરણ સભર બન્યું હતું. નવ પ્રકારી પૂજા પણ ભક્તોએ સંપન્ન કરી હતી.
શ્રી પ્રફુલ્લ રાઠોડ તથા સ્વંયસેવકોના સંકલનમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓના હૃદય ભક્તિમાં ભીંજાયા, સાત્વિક ભાવ ઝળક્યો, સમજણ શાંત થઈ, આનંદનું સામ્રાજ્ય છવાયું, નવધા ભક્તિનો અને જીવનસાફલ્યનો કંઈક અર્થ પ્રગટ થયો, જાણે અમૃતરસ વરસ્યા કર્યો અને અદભૂત તૃપ્તિનો અનુભવ થયો.
આપણા રોજિંદા જીવનમાં આજે પણ થોડી જાગૃતિ કેળવીએ, થોડો વિશેષ ખ્યાલ રાખીએ તો નવધા ભક્તિના આ નવ પ્રકારો પૈકી કોઈને કોઈ એક અથવા એકથી વધુ ભક્તિના પ્રકારના દીવડાં આપણા આંતર – બાહ્ય જગતમાં ઝળહળે જ, અને એના અજવાળાં પણ રેલાય...