‘મહારાજ, કાંઈ સમજણ પડતી નથી. વારેવારે મારી સાથે કેમ આવું થાય છે?’ અનિકેતે એમના મિત્ર અને કર્મકાંડી બ્રાહ્મણ જયદેવભાઈને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘અરે, તમારા જેવા અનુભવી માણસે તો એમ વિચારવું જોઈએ કે કરેલા સારા કર્મોએ તમને ઉગાર્યા. પરિણામે શારીરિક-આર્થિક નુકસાની થાય છે પણ સાવ ઓછી, અને તમે તુરંત ફરી બેઠા થઈ જાવ છો. છતાં, એક કામ કરો... જ્યારે જ્યારે મનમાં આવા પ્રશ્નો ઉદભવે ત્યારે ત્યારે તમે જેનો નિયમિત પાઠ કરો છો, એ પુસ્તકમાંથી એક પ્રસંગનું ફરી ફરી વાંચન કરીને સારગ્રહણ કરજો..’
‘એ વળી કયું પુસ્તક?’ અનિકેતે કહ્યું ને જવાબ મળ્યોઃ ‘તુલસીદાસજી રચિત રામચરિત માનસમાં લક્ષ્મણ અને નિષાદરાજ ગુહનો રાત્રીના સમયે થયેલો સંવાદ વાંચજો. અર્થને સમજશો તો ઘણા પ્રશ્નો આપોઆપ શમી જશે.’
વાત એમ હતી કે અનિકેતને થયેલા એક અકસ્માતમાં ઈજા સાવ ઓછી થઈ, પણ પછીયે બે વાર સાવ કોઈ કારણ વિના, કોઈ ભૂલ વિના જાણે ગુરુત્વાકર્ષણ એને ખેંચતું હોય એમ બે વાર ખુરશીમાંથી પડ્યો. જરાયે ઈજા ન થઈ એનો આનંદ હતો પણ પ્રશ્ન યે હતા... અને એણે એ સંવાદનો અભ્યાસ શરૂ કર્યો.
રામના વનવાસનો આરંભ થયો છે. લક્ષ્મણ અને સીતા સાથે તેઓ શ્રૃંગવેરપુર પહોંચે છે. રામજી ગંગા નદીમાં સ્નાન કરે છે, પવિત્ર જળ પીવે છે. આ તરફ નિષાદરાજ ગુહને સમાચાર મળે છે. હર્ષિત થઈને તેઓ આવી પહોંચે છે. વનમાં જ રહેવાનું હોવાથી ત્યાં જ ગુહ કોમળ પાંદડાઓની પથારી કરે છે. રામચંદ્રજી નિંદ્રાધીન થાય છે.
પ્રભુને જમીન પર સૂતેલા જોઈ નિષાદરાજને પીડા થાય છે. તેઓ લક્ષ્મણને કહે છે આવી દશામાં હું રામજીને નથી જોઈ શકતો. સીતા અને રામ શું વનને યોગ્ય છે? કૈકેયીએ કુટિલતા કરી અને રામ-જાનકીને દુઃખ આવ્યું. સૂર્યકુળરૂપી વૃક્ષ માટે કુહાડી બની ગઈ. એની કુબુદ્ધિ સંપૂર્ણ વિશ્વને દુઃખી કરી ગઈ...’
ગૌસ્વામી તુલસીદાસજી લખે છે ચોપાઈમાં આ વાતઃ
ભઈ દિનકર કુલ બિટપ કુઠારી,
કુમતિ કિન્હ સબ બિસ્વ દુખારી,
ભયઉ બિષાદુ નિષાદહિ ભારી,
રામ સીય મહિ સયન નિહારી...
એના જવાબમાં લક્ષ્મણજી જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યથી સભર મૃદુ વાણીમાં ગુહને સમજાવે છે. ‘હે ભાઈ, કોઈ-કોઈને સુખ-દુઃખ આપી શકતું નથી. જે સ્થિતિ છે એ પોતાના જ કર્મોનું પરિણામ છે.’
તુલસીદાસજી આ વાતની ચોપાઈ લખે છેઃ
બોલે લખન મધુર મૃદુ બાની,
ગ્યાન બિરાગ ભગતિ રસ સાની,
કાહુ ન કોઉ સુખ-દુઃખ કર દાતા,
નિજ કૃત કરમ ભોગ સબુ ભ્રાતા.
હજી આગળ વધતા લક્ષ્મણજી કહે છેઃ ‘મળવું, છૂટા પડવું, સારા-ખરાબ માણસો, શત્રુ-મિત્ર આ બધું જ ભ્રમ છે. જન્મ-મૃત્યુ, સંપત્તિ-વિપત્તિ, સ્વર્ગ-નર્ક, આ બધાનું મૂળ અજ્ઞાન છે. જેમ સપનામાં રાજા ભિખારી થઈ જાય અથવા કંગાળ માણસ સપનામાં ઈન્દ્ર રાજા થઈ જાય તો જાગ્યા પછી હાનિ-લાભ જેવું કાંઈ જ હોતું નથી. એવી રીતે આ દૃશ્યોને જોવા જોઈએ. માટે ક્રોધ કરીને કોઈને દોષ દેવો યોગ્ય નથી. ભોગ-વિલાસથી વૈરાગ્ય આવે ત્યારે જ માણસ જાગેલો ગણાય. મિત્ર, તું મોહને છોડ... બસ માત્ર સીતા-રામજીના ચરણોમાં પ્રેમ કર.’ આમ વાતો કરતાં કરતાં અંધારું દૂર થાય છે. સૂરજનું પ્રથમ કિરણ અજવાળું રેલાવે છે અને નિષાદરાજ ગુહના મન-બુદ્ધિમાં પણ અજવાળું થાય છે. એ ભાવપૂર્વક રામ-સીતાની સેવામાં જોડાય છે. પોતે કરેલી વાતની અસર થયેલી જોઈને લક્ષ્મણ પણ રાજી થાય છે. વન વિચરણનો ક્રમ આગળ વધે છે.
આપણે ત્યાં કર્મના ફળ ભોગવવા જ પડે છે એ સિદ્ધાંત આપણને સદ્કાર્ય કરવા પ્રેરે છે. રામ કે કૃષ્ણ પણ જ્યારે માનવરૂપે જન્મ ધારણ કરે છે ત્યારે તેઓએ પણ કર્મના ફળ ભોગવવા જ પડ્યા છે. લક્ષ્મણ જેવું કોઈ મનની ભ્રાંતિ દૂર કરે છે ત્યારે મનમાં સમજણના અજવાળાં રેલાય છે.