શ્યામલ મુન્શીના એક ગીતનો ઉઘાડ છે - સુખનું સરનામું આપો. સંતો-મહંતોના ચરણોમાં જઈને એમના ભક્તો મેળવે છે ખુશ થવાનું માર્ગદર્શન. મસ્સમોટી રકમની ફી ચૂકવીને બૌદ્ધિકો સાંભળે છે મોટીવેશનલ સ્પીકરોના પ્રવચનો. કેમ? સુખી થવાના રસ્તાઓ જાણવા... માણસ વધુને વધુ પૈસા ઈચ્છે છે, આધુનિક સુવિધાઓ ઈચ્છે છે કારણ કે એને વધુને વધુ સુખી થવું છે અથવા એવા દેખાવું છે.
આજકાલ ચર્ચામાં છે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ, જે 20 માર્ચના રોજ લોકો સુધી પહોંચ્યો. દુનિયાભરમાં આ દિવસ ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસરૂપે ઊજવાય છે. આ દિવસે સંયુક્ત રાષ્ટ્રે વિશ્વના સૌથી ખુશ દેશોની યાદી જાહેર કરી છે. વર્ષ 2025, એટલે કે વર્તમાન વર્ષની યાદીમાં 147 દેશોનો સમાવેશ કરાયો છે. જેમાં પ્રથમ પાંચમાં ફિનલેન્ડ, ડેન્માર્ક, આઈસલેન્ડ, સ્વીડન અને નેધરલેન્ડ્સનો ક્રમ આવે છે. વિશેષ ઉલ્લેખનીય વાત એ છે કે ફિનલેન્ડ નંબર વન પર સતત આઠમા વર્ષે પોતાનો ક્રમ જાળવી શક્યો છે. અગાઉ 126મા ક્રમે રહેનારો ભારત 118મા સ્થાન પર પહોંચ્યો છે.
એક અભ્યાસ મુજબ સૌથી ખુશ દેશોને માપવાનો આધાર આ ત્રણ બાબતો ગણાય છે. જીવન મૂલ્યાંકન, હકારાત્મક લાગણીઓ અને નકારાત્મક લાગણીઓ. માણસ ખુશ ક્યારે રહે? કેટલો સમય રહે? કોનાથી કેવી રીતે રહે? એની ખુશી સાથે જોડાયેલી કઈ કઈ બાબતો હોઈ શકે? આ અને આવા અનેક પ્રશ્નો છે, જેના ઉત્તરો વ્યક્તિએ – વ્યક્તિએ, સમયે - સમયે અને સંદર્ભે - સંદર્ભે જુદા જુદા હોઈ શકે છતાં કેટલાક એવા અનુભવજન્ય સૂત્રો - અનુભૂતિઓ હોય છે, જે આપણને પ્રેરણા આપે છે, જેમાં સર્વકાલીન અને સર્વસ્થલીય સત્ય સમાયેલું હોય છે, જે સર્વસામાન્ય બાબતો હોઈ શકે જે આપણને ખુશી સાથે, પ્રસન્નતા કે પ્રેમ સાથે જોડી આપે.
સૌથી પહેલું તે મનની ભાવનાત્મક અવસ્થા જો પોઝિટિવ હશે, ઊર્જામય હશે તો આપોઆપ એ ખુશી સાથે જોડાશે. મન કે બુદ્ધિ, લાગણી કે હૃદયમાં જેટલી સ્વચ્છતા - સ્પષ્ટતા - નિખાલસતા - સહજતા હશે તેટલું તે વ્યક્તિનું જીવન પણ સરળ – સહજ હશે. એ જ રીતે પછીથી આવે છે તન, શરીરની તંદુરસ્તી એ મનને દુરસ્ત રાખનારું મુખ્ય પરિબળ છે. એટલે તન તંદુરસ્ત હોય તો માણસ ખુશ રહે છે, ડોક્ટરને બતાવવા કે કોઈ રિપોર્ટ કરાવવા જઈએ અને એ નોર્મલ આવે ત્યારે કેવી રાજીપાની અનુભૂતિ થતી હોય છે. એ જ રીતે કદાચ સર્વસામાન્ય એવી બાબતોમાં આવે છે માણસની વ્યક્તિગત અને સામૂહિક સલામતી જ્યાં જ્યાં અસુરક્ષાનો ભાવ હશે ત્યાં ત્યાં ઉચાટ – ઉદ્વેગ – ચિંતા આવશે, અને હા, અહીં માત્ર શારીરિક જ નહીં, આર્થિક, સામાજિક, ધાર્મિક એમ અનેક પ્રકારની સુરક્ષાનો સીધો સંબંધ છે. માણસ સુરક્ષા અનુભવે, તડકામાં છાંયડો અનુભવે ત્યારે એના હૈયે હાશ વળે છે અને આ હાશ આખરે એને લઈ જાય છે. ખુશી કે પ્રસન્નતા સુધી. એ જ રીતે પંચતત્વોની - પ્રકૃતિની - પર્યાવરણની શુદ્ધતા પણ આપે જોડે છે. ખુશી સાથે એમના ખોળે હોઈએ ત્યારે આપણે નિરાંતનો શ્વાસ લેતા હોઈએ છીએ. આ અને આવા અનેક કારણો છે જે સર્વકાલીન સત્ય હોઈ શકે. ખુશી કે પ્રેમ કે પ્રસન્નતા મેળવવાના. અને એમાં એક અતિ મહત્ત્વનું કારણ તે પરિવાર – સ્વજન કે પ્રિયજનો - મિત્રોનું સાથે રહેવું તે, દુનિયાભરના સુખસુવિધા હોય પણ સાથે વાત કરનાર, જમનાર, હસનાર કે રડનાર ના હોય તો? એટલે જે પ્રેમ – દોસ્તી - સંબંધોનું પણ સર્વકાલીન મૂલ્ય છે હેપ્પીનેસ ઈન્ડેક્સમાં.
માત્ર વાતો - માત્ર ઈતિહાસ – માત્ર સુવિધાઓ – માત્ર વિકસિતતા. આ બધું જ અધૂરું લાગશે, જો આપણે ક્ષણને જીવી નહીં શકીએ તો. આજે જે સ્થિતિ છે, એને માણી શકનાર માણસ દુનિયાદારીની દૃષ્ટિએ અમીર કે ફકીર હોઈ શકે, ગરીબ કે તવંગર હોઈ શકે પણ એની પોતાની જીવનદૃષ્ટિથી એ ગમે ત્યાં ને ગમે ત્યારે ખુશ રહી શકે છે. પ્રસન્ન રહી શકે છે. આવો, આપણે પણ આવા જ કોઈ અનુભૂતિના પથ પર થોડું ચાલીએ અને જ્યાં છીએ ત્યાં ને ત્યારે ખુશીના અજવાળાંને ઝીલવા કોશિષ કરીએ.