‘લ્યો પ્રસાદ’, જ્યોતિબહેને એમની સત્સંગી બહેનપણીને કહ્યું...
‘ક્યાં દર્શને જઈ આવ્યાં?’
‘અરે બે-ત્રણ વર્ષથી ઈચ્છા હતી કે હજી શરીર ચાલે છે, પગથિયાં ચડી શકાય છે ત્યાં સુધીમાં જૂનાગઢની પંચતીર્થી કરવા જવું છે. તે હમણાં મેળ પડ્યો અને દર્શને જઈ આવ્યા.’
શિક્ષિકાની નોકરી, દીકરા-દીકરી પરણાવવાના, પતિની નોકરીના સમયપત્રકને સાચવવાનું આ બધા પછી નિવૃત્તિ તો પૌત્રીઓને પ્રેમ આપવાનો એમ સામાજિક રીતે સતત ભાગદોડમાં રહેતાં જ્યોતિબહેન છુટક-છુટક અનેક તીર્થધામોની યાત્રાએ જઈ આવ્યા હતા. જોકે એમના મનમાં લાંબા સમયથી મનોરથ હતો કે ભગવાન સ્વામીનારાયણ જ્યાં જ્યાં વિચરણમાં ગયા એ સ્થળો પૈકી જૂનાગઢ પંચતીર્થી કરવી છે એટલે દીકરા અને ભાઈ-ભાભી સાથે દર્શન કરી આવ્યા અને રાજી રાજી થઈ આવ્યા હતા.
શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર-જૂનાગઢની પત્રિકામાં સુવ્યવસ્થિત રીતે નક્શો અને અંતર સાથે પંચીતીર્થીના ગામો દર્શાવ્યા છે એમાં મુખ્ય તીર્થધામોઃ જેતપુર - ફરેણી - પીપલાણા - પંચાળા - અખા - લોજ - માંગરોળ - અગતરાય ઉપરાંત અન્યનો પણ ઉલ્લેખ છે. સ્કંદ પુરાણના એક શ્લોકના અર્થ મુજબ જે ભૂમિમાં સાધુસંતોનો, ભગવદ્પ્રેમી ભક્તોનો સમાગમ થાય તે ભૂમિ તીર્થભૂમિ કહેવાય છે. તીર્થનું સાચું તીર્થત્વ તેમાં રહેલા ભગવાન અને સાધુ છે.
જ્યાં જ્યાં શ્રીજી મહારાજ વિચર્યા હોય, લીલાઓ કરી હોય, નદી-તળાવના આરે કે વાવમાં નાહ્યા હોય, જમ્યા હોય, બેઠા હોય, રસ્તે જતા વિશ્રામ માટે પોઢ્યા હોય તે તે સ્થાનો શ્રીજી મહારાજની પ્રસાદીના સ્થાનો ગણાયા છે.
પટ્ટાભિષેક ધામ જેતપુરના દર્શનનો મહિમા ન્યારો છે તો ‘સ્વામીનારાયણ’ સંપ્રદાયનું ઉદ્ભવ સ્થાન ફરેણી ધામ ચૈતન્યથી ધબકે છે. સદગુરુ શ્રી રામાનંદ સ્વામી અહીં પધાર્યા અને વિક્રમ સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ને ગુરુવારે પદ્માસન વાળીને બેસી ગયા અને પંચ ભૌતિકદેહને ત્યાગ કરી ધામમાં પધાર્યાં. સહજાનંદ સ્વામીએ શીતળદાસ નામના સાધુને અહીં જ સ્વમુખે પહેલીવાર શ્રી સ્વામીનારાયણ મહામંત્ર આપ્યો હતો.
શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનું ઉદગમસ્થાન આ ભૂમિ છે કારણ કે પહેલો ધર્મનો ઉપદેશ, સ્વામીનારાયણ મહામંત્ર અને દિક્ષા જેવા પાયાના કાર્યોનું સ્થાપન આ પવિત્ર ભૂમિ ઉપર થયું છે. આ ગામમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ હનુમાનજી પધરાવ્યા છે ને તેની આરતી સહજાનંદ સ્વામીએ પણ ઉતારી છે.
ગિરનારની ગોદમાં આવેલું, લાખો સત્સંગીઓની આસ્થાનું કેન્દ્ર, શ્રીહરિ સ્થાપિત છ ધામ પૈકીનું એક જૂનાગઢ મંદિર શિલ્પકળાની ઉત્તમ રચનાથી શોભિત છે. નવાબી રાજમાં સહેરના રાજમાર્ગો પર નવગજા હાથી પર બિરાજમાન ભગવાન શ્રી સ્વામીનારાયણનું દબદબાપૂર્ણ સન્માન થયું. એ સંપ્રદાયની જ નહીં, હિંદુ ધર્મની એક અપ્રતિમ ઘટના હતી. ૩૦ વર્ષના સમયગાળામાં સહજાનંદ સ્વામી જૂનાગઢમાં ૨૩ વાર પધાર્યા હતા. અહીં જ તેઓ પધરાવેલ સિદ્ધેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે.
ઓઝલ અને ઉબેણ નદીને કાંઠે આવેલા પીપલાણામાં સહજાનંદ સ્વામી છ મહિના રહ્યા હતા.
તીર્થધામ પંચાળામાં શ્રીજી મહારાજ પાંચસો પરમહંસો સાથે અસંખ્યવાર પધાર્યા છે. તિલક, ચાંદલા અને મહાપૂજાની જન્મભૂમિ પંચાળા છે. અહીંનું રાસમંદિર પણ દર્શનીય છે. ભગવાનની અહીંની રાસલીલા અને રાસોત્સવ પર્યાય બની રહ્યા છે. લોજ ગામમાં આવેલું પ્રદર્શન સુંદર અને મનોહારી છે અને જે તે સમયની ઘટનાઓને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. શ્રી રામાનંદ સ્વામી અને નીલકંઠવર્ણીએ જે શ્રી રામચંદ્રજીની પૂજા કરી હતી તે મહાપ્રસાદીનું અજોડ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ સ્વરૂપે માંગરોળમાં બિરાજે છે. માંગરોળથી જ ઉત્સવ-સમૈયાની શરૂઆત થઈ હતી.
•••
ભગવાન સ્વામીનારાયણે જે તે સમયે સમાજજીવનમાં કરેલા સામાજિક સુધારાઓ-આપેલા ઉત્સવો અને ભક્તિના બળના કારણે આજે પણ વિશ્વભરમાં મોટી સંખ્યામાં આ સંપ્રદાયના અનુયાયીઓ છે અને સમયે સમયે તીર્થધામોમાં દર્શને આવતા રહે છે. નાની નાની બાબતોને શિક્ષાપત્રી-વચનામૃત જેવા ગ્રંથોમાં આવરીને બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. આવા તીર્થધામોના દર્શને જઈએ, ત્યાંનો ઈતિહાસ જાણીએ અને ભાવપૂર્વક મસ્તક નમાવીએ ત્યારે ભક્તિના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.