‘બાળપણમાં એમને ગાતા સાંભળીને ઘરે આવતા એક ફકીરે દુઆ આપી હતી કે બેટા, એક દિન તું બડા હી નહિ, મહાન ગાયક બનેગા.’
વડોદરામાં ઝરમર વરસતી વર્ષાના વાતાવરણમાં મોહમ્મદ રફીના સુપુત્ર શાહીદ રફી એમના પિતાજી અને હિન્દી ફિલ્મોના મહાન પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીના કાર્ય–જીવન-કવનના પ્રસંગો સંભારી રહ્યા હતા.
અવસર હતો વડોદરાના સંગીતપ્રેમી, ગાયક અને જાણીતા તબીબ ડો. બેલીમ દ્વારા આયોજિત એક કાર્યક્રમ, જેમાં મોહમ્મદ રફીની ૩૭મી પુણ્યતિથિએ એમના ગીતોને રજૂ કરી તારીક સૈયદ, ઇમ્તિયાઝભાઈ તથા ડો. પાયલ વખારીયા અને અન્ય કલાકારોએ રફી સાહેબને સ્વરાંજલી આપી હતી.
આટલા મહાન વ્યક્તિના સુપુત્ર હોવાનું ગૌરવ અનુભવી રહેલા શાહીદ રફીએ એમના પિતાજીના ગાયેલા ગીતો રજૂ કરીને શ્રોતાઓની દાદ મેળવી હતી.
એક વાર મોહમ્મદ રફીને લાંબી વિદેશ યાત્રાએ જવાનું હતું, ત્રણ ફિલ્મોનું સંગીત લક્ષ્મીકાંત- પ્યારેલાલ આપી રહ્યા હતા. એમણે કહ્યું ‘આપણે એક સાથે ૬ ગીતો રેકોર્ડ કરી લઈએ રફી સાહેબ?’
‘પરંતુ કેવી રીતે શક્ય બનશે?’ રફીએ પૂછ્યું, તો જવાબમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલે પ્લાનિંગ બનાવ્યું અને વાસ્તવમાં સવારે ૧૦થી રાત્રે ૧૨ સુધીમાં અલગ-અલગ સ્ટુડિયોમાં ૬ ગીતોના રેકોર્ડ કરી આપીને મોહમ્મદ રફીએ વ્યાવસાયિક રીતે સંગીતકાર અને ત્રણ ફિલ્મ નિર્માતાનું કામ સરળ કરી આપ્યું.
શ્રીધર કુલકર્ણી દ્વારા સંપાદિત પુસ્તકમાં મોહમ્મદ રફીના જીવનની અનેક ઘટનાઓ વિશે જાણકારી છે. રફી હંમેશાં એક્ટરને ધ્યાનમાં લઈને ગીતો ગાતા હતા. એ સંદર્ભે એક ઘટના છે કે એક ફિલ્મમાં આરંભે રાજેન્દ્રકુમાર હીરો હતા, પાંચ ગીતો એમને લક્ષમાં લઈને રફી સાહેબે ગાયા હતા. પછીથી કહાની મેં કોઈ કારણસર ટ્વીસ્ટ આવ્યું અને જોય મુખર્જી હીરો થયા તો રફીએ સામેથી કહ્યું કે આપણે આ ગીતો ફરીથી રેકોર્ડ કરીએ. એમણે નવા ચહેરા માટે, નવા મૂડ સાથે ગીતો ગાયા અને એક રૂપિયો પણ વધારે ચાર્જ ના લીધો.
આવી તો અનેક ઘટનાઓ છે જેમાં મોહમ્મદ રફીના સ્વભાવમાં સમાયેલી માનવતા શાલીનતા અને સરળતા એના દ્વારા શ્રેષ્ઠ સ્વરૂપમાં સરળ અને સહજ રીતે બહાર આવે છે. જેમણે એમની સાથે કામ કર્યું એ બધા જ લોકો પાસેથી એક વાત સામાન્યરૂપે બહાર આવી કે અત્યંત ઋજુ, નેક અને પ્રમાણિક માણસ તરીકે મોહમ્મદ રફી જીવન જીવી ગયા છે.
૧૯૪૫માં ‘ગાંવ કી ગોરી’ હિન્દી ફિલ્મથી કારકિર્દીનો આરંભ કરનાર મોહમ્મદ રફી, કે. એલ. સાયગલ અને જી. એમ. દુર્રાનીને આદર્શ માનતા હતા.
મોહમ્મદ રફીએ કેટકેટલા સંગીતકારો સાથે ગીતો ગાયા. સાથી કલાકારો સાથે ગીતો ગાયા. એ બધાનો અપાર સ્નેહ એમણે સંપાદિત કર્યો અને સરવાળે એમને ચાહનારા સહુએ કહ્યું કે એક મહાન ગાયક તો મોહમ્મદ રફી હતા જ, પરંતુ એથી વધુ આગળ એ એક મહાન માનવ હતા.
બોલીવૂડ સંગીત વિશ્વમાં ગાયન ક્ષેત્રે બાદશાહ-એ-તરન્નુમ નામે મોહમ્મદ રફી જાણીતા હતા. ઉસ્તાદ અબ્દુલ વહીદખાં, ઉસ્તાદ છોટે અલીખાં, પંડિત જીવણલાલ ભટ્ટ પાસેથી તેઓએ સંગીતની તાલીમ લીધી હતી. શાસ્ત્રીય રાગ આધારિત ગીત હોય કે ઉર્દુ કવ્વાલી, વેસ્ટર્ન મ્યુઝિકની ધમાકેદાર રજૂઆત હોય કે ભજન એક સરખી તન્મયતા સાથે ગાઈને રફી સાહેબે આ ગીતોને અમર કરી દીધા છે.
•••
કોઈ પણ ક્ષેત્રનો કલાકાર હોય, પહેલા એ માણસ હોય છે. હવે આ બંને વ્યક્તિત્વ ઉપર પાછી એમના વ્યવસાયની પણ અસર હોય છે. આમ એક અર્થમાં અહીં ત્રિવેણી સર્જાય છે.
કલાકારે પોતાના ક્ષેત્રની કાબેલિયત તો કેળવવી જ પડે છે, એ ઉપરાંત પોતાના ક્ષેત્રમાં સફળ થવા વ્યવહારિકતા-વ્યાપારીપણ અને શાલીનતા જેવા સદ્ગુણો પણ વ્યક્તિત્વમાં ખીલવવા પડે છે.
પ્રત્યેક કલાકાર પોતાની કલામાં શ્રેષ્ઠ હોય એ જરૂરી છે, પરંતુ એથી વધુ જરૂરી એ છે કે માણસ તરીકે એ વિશેષરૂપે ખીલીને બહાર આવે. આવા ગુણોથી સભર વ્યક્તિત્વ કલાકારરૂપે દુનિયામાં ન રહે તો એ પછી પણ એમની કલાના અજવાળા એમના ચાહકોના જીવનમાં પથરાના રહે છે.
•••
કહેતા હૈ કોઈ દિલ ગયા
દિલબર ચલા ગયા,
સાહિત પુકારતા હૈ સમંદર ચલા ગયા,
લેકિન જો બાત સચ હૈ, કહેતા નહિ કોઈ
દુનિયાસે મૌસીકી કા પયંગબર ચલા ગયા.
(મોહમ્મદ રફીના મૃત્યુ બાદ સંગીતકાર નૌશાદની અભિવ્યક્તિ)