‘રેખા કી આંખોં મેં ગિરકર ઊઠને કી એક કૈફિયત થી. જિંદગી લોગોં કો હિલા કર રખ દેતી હૈ! ઇન્સાન બાર બાર ગીરતા હૈ મગર જબ તક વો હર બાર ઉસી તાકત સે ના ઉઠે, ઉસકે અંદર જીને કા અંદાઝ પૈદા નહીં હોતા. ટૂટકર બિખરને કે બાદ વાપસ સંભલને કી ઇસી તાકત કા અહેસાસ રેખા કી આંખો મેં થા!’ આ વાક્ય વાંચ્યા પછી વાચકોને થશે કે કઈ રેખાની વાત છે?
આ વાક્ય કહ્યું છે ફિલ્મ નિર્દેશક મુઝફ્ફર અલીએ... રેખા વિશેના એક પુસ્તકના લેખક યાસિર ઉસ્માન આ પુસ્તકમાં લખે છે કે એ સમયે અભિનય સંદર્ભે સ્થાપિત અભિનેત્રી સ્મિતા પાટીલ વિકલ્પરૂપે તેમની સામે હતી, તો પણ તમે રેખાને કેમ પસંદ કરી? આ સવાલના જવાબમાં મુઝફ્ફર અલીએ લેખના આરંભે લખેલું તે વાક્ય કહ્યું હતું. મુંબઈ આવ્યા બાદ એક પણ ફિલ્મ હજી રીલીઝ થઈ નહતી ત્યારે ૧૯૬૯માં ગોલ્ડ સ્પોટની એડ રેખાએ કરી હતી. જેના દૃશ્ય શ્યામ બેનગલે લીધા હતા. પરિવારને આર્થિક બોજમાંથી બહાર લાવવા બી ગ્રેડની ફિલ્મો ધડાધડ સાઈન કરતી રહી હતી રેખા. ૧૯૭૦ની સાવન ભાદો ફિલ્મના દૃશ્યો જોઈને એના શરીરના મજબૂત કદ-કાઠી તથા સાંવલો રંગ જોઈને ફિલ્મ દુનિયાના લોકો અને દર્શકોએ વરસો સુધી એની મજાક ઉડાવી હતી. ૧૯૭૩ની ફિલ્મ નમકહરામ અમિતાભ સાથેની એની પહેલી ફિલ્મ હતી, પરંતુ બંનેનાં સાથે કોઈ સીન ન હતા.
શુટીંગના શિડ્યુલમાં સતત અને સખત લાપરવાહીથી વર્તવા માટે જાણીતા હતા રેખા. તોયે નસીબજોગે એને ફિલ્મો મળ્યા કરતી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ જાણીતા મેગેઝીનોમાં રેખા એની આદતો - સ્વભાવ - આખાબોલાપણું - અલ્લડતા અને સંબંધોના કારણે છવાયેલી રહેતી હતી.
એક સમય એવો પણ આવ્યો જ્યારે રેખાએ કોઈ અકળ કારણોસર પોતાની સેક્સી ઈમેજને એકાએક બદલી નાખી - સ્ટાલીશ થઈ ગઈ અને પોતાની ગરિમાપૂર્ણ છબી ઉભી કરવામાં સફળ પણ થઈ.
મશહૂર પાકિસ્તાની ગાયિકા આબિદા પરવીન મુંબઈમાં એક ખાનગી કાર્યક્રમમાં ગાવા આવ્યા ત્યારે તેમણે યજમાનને કહ્યું હતું કે શ્રોતાઓમાં રેખાને ખાસ બોલાવજો. આબિદા પરવીન ગાતા રહ્યાં, રેખા દાદ દેતી રહી. ૮ જાન્યુઆરી ૨૦૧૬ મુબઈમાં સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર તરીકે અમિતાભ બચ્ચનનું નામ જાહેર થાય છે, એ ઉભા થઈને મંચ પર જાય છે ત્યારે પહેલી હરોળમાં રહેલી જયા બચ્ચનની બાજુમાં આવીને રેખા ઉભી રહી જાય છે, બંને સન્માનને તાળી સાથે વધાવે છે.
યાસિર ઉસ્માન લખેલા અને સુશીલચંદ્ર તિવારી તથા અનુરાગ શુક્લાએ અનુવાદ કરેલા આ પુસ્તકમાંથી તાજેતરમાં વાચકરૂપે પસાર થયો અને હિન્દી સિનેમાની અભિનેત્રીઓ પૈકી એક જાજરમાન નામ રેખાની આસપાસ રહેલી કેટકેટલી વાતો જાણવા મળી.
મૂળ નામ ભાનુરેખા ગણેશન. ફિલ્મ કારકિર્દીનો આરંભ કર્યો તેલુગુ ફિલ્મ ‘રંગુલા રત્નમ્’થી અપાર વૈવિધ્ય રહ્યું છે એક શ્રેષ્ઠ અને નીવડેલ અભિનેત્રી તરીકેની એની અદાકારીની યાત્રામાં શમિતાભ, સુપર નાની, ક્રીશ-૩, ઓમ શાંતિ ઓમ, પરિણીતા, આસ્થા, ઈન્સાફ કી દેવી, દાસી, રામ બલરામ, ઘર, નાગિન, સિલસીલા જેવી નામી-અનામી ફિલ્મોમાં રેખાએ જાદુ પાથર્યો. ઉમરાવજાન અને ઉત્સવ, કામસુત્ર અને મુકદ્દર કા સિકંદર જેવી ફિલ્મોમાં રેખાએ જાણે જીવ રેડીને અભિનય કર્યો છે.
એક સમયે એટલે કે ૧૯૭૦-૮૦ કે ૯૦ના દાયકાઓમાં જેઓએ પોતાની યુવાની પસાર કરી છે તેમને ખ્યાલ હશે હિન્દી સિનેમામાં રેખા નામનો કેવો જાદુ પથરાયેલો રહ્યો છે. આજની નવી પેઢી પણ જ્યારે જ્યારે કોઈ એવોર્ડ્ઝ વિતરણ કાર્યક્રમમાં કે સમારોહમાં રેખાને જુએ છે ત્યારે આજે પણ ઉંમરના ૬૬મા વર્ષે એના વ્યક્તિત્વમાંથી બહાર આવતી ગરવાઈ અને ગૌરવને, સહજતા અને મધુરતાને, એના પ્રત્યેક હલન-ચલનમાંથી પ્રગટતી અદાકારીને અને વિશેષ તો રેખાએ અનુભવેલા સંઘર્ષોને પામી શકે છે.
માણસ માત્રમાં જ્યારે અપ્રતિમ ઇચ્છાશક્તિ સવાર થાય ત્યારે એ પોતાની જાતમાં ધરમૂળથી બદલાવ લાવી શકે છે અને એની એ લાગણી એની આંખોમાં - તેજ રૂપે અભિવ્યક્ત થાય છે... રેખાના વ્યક્તિત્વમાંથી આવા જ તેજના અજવાળા પથરાય છે.