‘અરે, પણ પાસપોર્ટ નહિ આવે તો આપણે ટુરમાં કેમ કરીને જશું?’
‘આટલા બધાની ટિકિટ કેન્સલ કરાવો તો એના કેટલા પૈસા કપાય?’
‘કાંઈક કરવું પડશે, પણ કરીએ તોયે શું?’
આ અને આવા પ્રશ્નો જુદા જુદા વ્યક્તિઓ-પરિવારના સભ્યો એક પછી એક બોલી રહ્યા હતા. સહુના ચહેરા પર અને મનમાં પણ ઉચાટ હતો. ચિંતા હતી, લાંબા સમયથી પરિવારના સભ્યો જે ટુરની ઈચ્છા રાખીને બેઠા હતા એ આખીયે ટુરમાં એક વ્યક્તિનો પાસપોર્ટ જ ન હતો.
વાત ગુજરાતના ઔદ્યોગિક શહેરની છે. અહીં રહેતા જૈન પરિવારનો ધંધો-વ્યવસાય દાયકાઓથી ધમધોકાર ચાલે છે. પરિવારના તમામ સભ્યો સુખ-સંતોષથી રહે.
છોકરાઓના છોકરાઓ પણ ભારતના અન્ય શહેરોમાં ખુબ સારી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરે. ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે રજાઓ આવે છે તો સાથે ફરવા જઈએ. અનેક સ્થળો વિચારાયા અને આખરે નક્કી થયું કે વિદેશની ટુર પર જઈએ. અગાઉથી બુકિંગ કરાવી લેવાથી પ્લેનની ટિકીટો હવે સસ્તી મળી જતી હોવાથી પ્લેનની ટિકિટના બુકિંગ પણ થઈ ગયા. છોકરાઓએ સ્થળ પસંદ કર્યું હતું મલેશિયાનો આઈલેન્ડ બીનતાન... પ્રાકૃતિક સૌંદર્યથી સભર આ આઈલેન્ડને એની પોતાની નૈસર્ગિક શોભા છે અને એથી જ પ્રવાસીઓ માટે એ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
બધાના પાસપોર્ટ, મુસાફરી વીમા, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને નાસ્તા... બધું ફાઈનલ થઈ ગયું પણ હજી એક વાત ખૂટતી હતી. ઘરના વડીલ દાદીબાનો પાસપોર્ટ. એમના પાસપોર્ટની મુદ્દત પૂરી થઈ ગઈ હતી એટલે એ પાસપોર્ટ રિન્યુઅલમાં આપ્યો હતો.
૨૦૧૭ના વર્ષમાં બનેલી આ ઘટનામાં દાદીબાનો પાસપોર્ટ હજી રિન્યુ થઈને આવ્યો ન હતો ને ગણતરીના દિવસો બાકી રહ્યા હતા એટલે બધા ભેગા થયા ત્યારે લેખના આરંભે લખેલા શબ્દોમાં ચિંતા વ્યક્ત થતી હતી. મૂળ વાત એવી હતી કે કોઈ ક્વેરી બાકી હતી, જે નજરે ચડી એટલે પાસપોર્ટ આવવાની પ્રક્રિયામાં વાર થઈ હતી.
પરિવારના પૌત્ર રથીને વિદેશ મંત્રાલયમાં પ્રધાનશ્રીને ટ્વિટ કરીને આખીય ઘટના સવિસ્તાર સમજાવી. વિનંતી કરી કે જો દાદીનો પાસપોર્ટ મળી જાય તો અમે બધા સાથે જઈ શકીએ. અને સહુના આનંદ-આશ્ચર્ય વચ્ચે બે દિવસમાં જ ટ્વિટના જવાબરૂપે પાસપોર્ટ ઘરે આવી ગયો. એક યુવાને ટેકનોલોજીનો સહારો લીધો. સંવેદનશીલ પ્રધાને એના પર ધ્યાન આપ્યું. સાચી વાતનો ઉકેલ થયો અને સહુ આનંદ કરતાં કરતાં વિદેશયાત્રાએ જઈ આવ્યા.
•••
સમય બદલાઈ રહ્યો છે, પરિવર્તનશીલ આ સમયમાં જાહેર સેવાઓ પણ પ્રમાણમાં સુવિધાપૂર્ણ બનતી ચાલી છે. પહેલા જાહેર હિતની વ્યક્તિગત કે સામૂહિક ફરિયાદ કરવા રૂબરૂ જવું પડતું. હવે એક ટ્વિટથી એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે છે. સંવેદનશીલ શાસકો એની નોંધ લે અને વાત સાચી જણાયે જ્યારે ઉકેલ આપે ત્યારે અજવાળાં રેલાય છે.