તામસી વૃત્તિ પર સાત્વિક વૃત્તિનો વિજય

અજવાળું અજવાળું

- તુષાર જોષી Tuesday 08th October 2024 09:20 EDT
 
 

ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ નવરાત્રિ અને ગરબાને માણી રહ્યા છે, ગરબા રમીને ગૌરવાન્વિત થઈ રહ્યા છે એવા સમયે એક ટીનેજર દાદાને પુછે છે, ‘નવરાત્રિ પછી આવતા દશેરાના ઉત્સવનું મહત્ત્વ સમજાવો ને દાદા.’ અને દાદા થોડું ચિંતન-મનન-વાંચન કરીને, જે લોકજીવનમાં જોયું-જાણ્યું છે એના આધારે વિજ્યાદશમીનું જે વર્ણન કરે છે એમાં ઈતિહાસ છે, ધર્મ છે, અધ્યાત્મિક સંકેતો છે, રોજિંદા જીવનની ઘટનાઓ અને માનવ મનની લાગણીઓનું પ્રતિબિંબ છે.

ભગવાન શ્રીરામે આ દિવસે એટલે કે આસો સુદ દસમના દિવસે રાવણનો વધ કર્યો હતો અને દેવી દુર્ગાએ નવરાત્રિ તથા દસ દિવસના યુદ્ધ પછી મહિષાસુર પર વિજય પ્રાપ્ત કર્યો હતો એટલે કે ત્યારથી અસત્ય પર સત્યના વિજયના આનંદમાં વિજ્યાદશમીનો તહેવાર ઊજવાય છે, જે આપણે ત્યાં લોકબોલીમાં દશેરા તરીકે પણ ઊજવાય છે. આ દિવસે શમી વૃક્ષનું અને શસ્ત્રોનું પુજન થાય છે. આ દિવસે પ્રોપર્ટી - વ્હિકલ્સ વગેરેની ખરીદી માટે ખૂબ ધસારો થાય છે.
‘માનસ પિયુષ’ આધારે કહેવાય છે કે રાવણનું સ્વરૂપ રામાયણમાં કહેવાયું છે જ્યારે ભગવાન શ્રીરામનું સ્વરૂપ ‘ગાઈસી’ એટલે કે વિસ્તારપૂર્વક ગવાયું છે. રાવણના પિતા ઋષિ વિશ્રવા અને માતા કૈકસી હતા. એને દસ મસ્તક હતા એટલે દશાનન તરીકે ઓળખાયો હતો. ભગવાન શીવનો પરમભક્ત હતો અને સંગીત તથા જ્યોતિષ વિદ્યામાં પ્રવીણ હતો. શાસ્ત્ર અને વેદોનો જ્ઞાતા હતો. રાવણે સોનાની લંકા બનાવી હતી અને એની પત્ની મંદોદરી તથા એના ભાઈ કુંભકર્ણ અને વિભિષણ હતા.
રામાયણમાં શ્રીરામના પ્રાગટ્યના જે હેતુઓ છે એમાં એક કથા જય-વિજય સાથે જોડાયેલી છે, તો બીજી કથા જલંધર સાથેની પણ છે. કથા અનુસાર બ્રહ્માજી ત્રણે ભાઈના તપથી પ્રસન્ન થયા, વરદાન માંગવા કહ્યું તો રાવણે માંગ્યું કે ‘વાનર અને મનુષ્ય સિવાય કોઈથી ના મરું’. કુંભકર્ણે એક વર્ષમાં છ મહિનાની નિંદ્રા માંગી, વિભિષણે ભગવાનના ચરણમાં નિર્મળ પ્રેમ માંગ્યો. કુબેર પર ચઢાઈ કરીને તેનું પુષ્પક વિમાન પણ રાવણ જીતી લાવ્યો હતો. કથા એવી પણ છે કે એકવાર રાવણ પુષ્પક વિમાનમાં બેસી કૈલાસ પર્વત નજીક ગયો, ત્યાં એણે નંદીને જોયો, એના પ્રત્યે ઉપહાસ કર્યો તેથી નંદીએ શાપ આપ્યો કે વાનરો તારો વિનાશ નોંતરશે.
રાવણ નામ સાથે ગ્રંથોમાં અને લોકજીવનમાં કેટલાય અર્થભેદ વાંચવા-સાંભળવા મળે છે. આપણે ત્યાં રાવણના નામ સાથે જોડાયેલું રાવણહથ્થો નામનું એક દેશીતંતુ-વાદ્ય પણ છે. રાવણના વધ માટે ભગવાન રામે જે સેતુબંધની રચના કરી હતી એ સો યોજન લાંબો અને સો યોજન પહોળો હતો એમ કહેવાય છે. નાનાભાઈ ભટ્ટના પુસ્તક ‘રામાયણના પાત્રો’ અનુસાર મારિચે પણ રાવણને સમજાવ્યો હતો કે ‘શુર્પણખાએ નાક-કાન ગુમાવ્યા છે, તારે તો તારું રાજ્ય ગુમાવવું પડશે, તું રહેવા દે... પણ રાવણ ના માન્યો.’ ભગવદ્ગોમંડળ તથા અન્ય કેટલાય પુસ્તકોમાં રાવણ-રામ યુદ્ધ વિશે, રાવણના વ્યક્તિત્વ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. વાલ્મિકી રામાયણ અને ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રીરામચરિત માનસમાં રાવણનો પાત્રપ્રવેશથી લઈને હનુમાનજી દ્વારા લંકાદહન અને રાવણ સાથેના આખરી સંવાદના પ્રસંગો વાંચીએ ત્યારે વાચકને કથાતત્વની સાથે જ એમાંથી પોતાના જીવન માટે ઉપયોગી કોઈક હકારાત્મક સંદેશ પણ મળે છે. રાવણ શબ્દના આધારે કેટલાયે રૂઢિપ્રયોગો સમાજજીવનમાં વિવિધ ભાષામાં પ્રયોજાય છે. એવા ઉલ્લેખો મળે છે કે રાવણની આખરી ઈચ્છા હતી કે જ્યારે એનું મોત થાય ત્યારે રામનામનું વસ્ત્ર એને ઓઢાડવામાં આવે.
આમ વિજ્યાદશમીનો તહેવાર એટલે અસત્ય પર સત્યનો વિજય, તામસી વૃત્તિ પર સાત્વિક વૃત્તિનો વિજય એનો ઉત્સવ છે. દશેરાના દિવસે રામ-સીતા, લક્ષ્મણ-હનુમાન, માતા દુર્ગા, શસ્ત્ર તથા શમી વૃક્ષનું પૂજન થાય છે, ગામમાં રાવણના પૂતળાંનું દહન થાય, નવી ખરીદી થાય, બાળકોને મીઠાઈ વહેંચાય, મિલન સમારોહ થાય, વિજયતિલક થાય છે.
ઉત્સવો આપણા જીવનમાં અજવાળાં પાથરે છે, એ અજવાળાં થકી આપણે રોજિંદા જીવનમાં યોગ્ય અને સાચી દિશામાં ગતિ કરીએ છીએ અને અધ્યાત્મના અજવાળાંને ઝીલીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter