‘ભણેલા-ગણેલા માણસો કેમ નહીં સમજતા હોય કે મારી આગળ ચાર જણા ઊભા છે, તેઓ સીધા જ કાઉન્ટર પર ઘુસી જાય ને પોતાનું કામ કરાવી લે.’ એક સિનિયર સિટિઝને કોઈ એક જગ્યાનો અનુભવ કહ્યો જે પછી તુરંત બીજાએ પોતાનો અનુભવ ઉમેરતા કહ્યું કે, ‘લોકો જાણે પોતાનું એકનું જ અહીં અસ્તિત્વ છે એમ માનીને કેમ વર્તતા હશે? આસપાસના વાતાવરણનો ને માણસોનો તો ખ્યાલ રાખો...’
આપણા બધાનો આ સહજ અનુભવ હશે. મોટાભાગે સર્વ સામાન્ય અનુભવ હશે કે કોઈ બેન્કમાં, સરકારી કચેરીમાં, રેલવે સ્ટેશને કે બસ સ્ટેશને જ્યાં પણ જુઓ ત્યાં આવા થોડા લોકો મળી જ આવશે જેઓ સ્વયંશિસ્ત સ્વીકારતા નથી અને જાહેરજીવનની શિસ્તને પણ સ્વીકારતા નથી. ગમેત્યારે આવીને આસપાસ ઊભેલા લોકો તરફ તુચ્છકારથી જોઈને સીધા જ કાઉન્ટર પર પહોંચી જાય, કોઈ એમને રોકે-ટોકે તો તોછડી ભાષામાં જ વાત કરે, કદાચ કોઈને સમય-સંજોગોવશાત્ ઉતાવળ હોય તો સમજી શકાય કે તે વચ્ચે પ્રવેશ પામે, પણ એની રજૂઆતમાં પાવર નહીં, વિવેક હોવા જોઈએ.
એક એવી જ સહજ અવલોકનની વાત એક ભાઈએ કરી, તેઓ એક શહેરથી બીજા શહેરમાં રાત્રે સ્લિપિંગ કોચમાં જતા હતા. રાત્રે એક વાગ્યે પેસેજમાં બેઠેલા કે સૂતેલા લોકો મોબાઈલમાં રિલ્સ, મૂવી જુએ, ઈયર ફોનનો ઉપયોગ ના કરે, બધા ડિસ્ટર્બ થાય, મોટાભાગના સહન કરે. કોઈ વળી પુરા વિવેક સાથે લોકોને કહે ત્યારે એમના મોબાઈલનો અવાજ વિરામ લે.
આવા જ અનુભવ પ્લેનમાં અને રેલવેના ટુ ટાયર – ચેરકારમાં પણ લોકોને થાય છે. કેટલાક લોકો પુરા ડબ્બામાં સંભળાય એમ ફોનમાં વાત કરતા હોય... અરે ભલા માણસ, ધીમેથી વાત કરોને, આખો ડબ્બો તમારી યશગાથા સાંભળે એ શું જરૂરી છે?
ટ્રાફિકમાં પણ આવા જ ગેરશિસ્તના અનુભવો રોજિંદા છે. ત્રીજી લેનમાંથી ક્રોસ કરીને, બીજાને ધરાર રોકીને, લોકો જમણી બાજુ વળે છે... અકસ્માત થવાની પુરી શક્યતા હોય, પણ એની ચિંતા કોણ કરે? રાહદારીઓ પણ ચાર રસ્તા પર બિંદાસ ફોન પર વાત કરતાં કરતાં રસ્તા ક્રોસ કરે, મોટા બ્રિજ પરથી જ્યાં સતત વાહન પસાર થતા હોય ત્યાં પણ જીવના જોખમે રસ્તા ક્રોસ કરે, ઘણી વાર થાય કે સીધીસાદી, સહજ નાગરિકશાસ્ત્રની સમજ કેમ લોકોમાં નહીં આવતી હોય! અકસ્માતો થાય છે એમાં વ્યક્તિની બેદરકારી પણ ઘણી વાર કારણભૂત હોય છે. થોડી સ્વયંશિસ્ત કેળવીએ, કાળજી - આપણી અને બીજાની લઈએ તો અકસ્માતથી બચી શકીએ.
કેટલાકને વળી પોતાની વાત જ સાચ ઠરાવવાની જીદ હોય છે. સામેના માણસની દૃષ્ટિએ વિચારે તો પોતે ખોટા હોય છે એની સમજણ એમને હોય જ એટલે એ વધુ પડતા ઊંચા અવાજે પોતાની વાત રજૂ કરે... નાના રેલવે ફાટક પર સામસામે આવી જતા વાહનોના કારણે જે ટ્રાફિક ભીડ થાય છે એનો આપણને અનુભવ હોય જ છે, થોડી શિસ્ત કેળવીએ, થોડો નાગરિક ધર્મ બજાવીએ તો સરળતાથી કામ થાય અને જાહેરજીવનના પ્રશ્નો ઊકલી શકે.
આપણો દેશ આટલો મોટો, વસતી પણ આટલી મોટી, એમાં આવી અનેક નાની - નાની બાબતો, જેમ કે ટ્રાફિક નિયમન, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતાની જાળવણી, સમયપાલન, કાયદો-વ્યવસ્થાનું પાલન વગેરે વગેરેમાં જો થોડી સ્વયંશિસ્ત રાખીશું તો માનસિક રીતે રાહત રહેશે અને સુવિધાના અજવાળાં રેલાશે.