‘લગ્નજીવનના ૫૭ દિવસો પસાર થાય ત્યાં પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં આપણે સમાજમાં જોયા છે ત્યારે ૫૭ વર્ષનું દામ્પત્યજીવન પ્રસન્ન બનીને માણવું એ જ સ્વયં એક ઉત્સવની ઘટના છે.’
કવિ અને કાર્યક્રમ સંચાલક તુષાર શુક્લે ભાવનગરમાં એક પારિવારિક પ્રસંગે પ્રવચન કરતા આ શબ્દો કહ્યા ત્યારે પ્રસન્ન દામ્પત્યના જીવંત પાત્રો કાકુભાઈ ચોક્સી અને નીરુબહેન પ્રસન્નતાનો પમરાટ ફેલાવી રહ્યા હતા.
વ્યવસાયે સોની એવા કાકુભાઈને ત્યાંથી સોના-ચાંદીના દાગીના જેમણે ખરીદ્યા તે સહુના લગ્નજીવન હંમેશા સુખી રહે તેવી મંગલકામના વ્યક્ત કરીને એમણે બે પાત્રોને અને બે પરિવારોને જોડવાનું કામ કર્યું છે. શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી વ્યવસાયિક અને પારિવારિક જીવનમાં સફળતા અને આનંદ - બંને પામ્યાનો તેમને સંતોષ છે.
૧૯૪૨માં જન્મ એટલે ઊંમર વર્ષ ૭૫થી વધુ, પરંતુ યુવાની જાણે ફાટફાટ થતી હોય એવો જુસ્સો ને કાર્યશક્તિ એમને મળેલી ઈશ્વરની દેન છે.
છ દાયકા પહેલાં ફર્સ્ટ ક્લાસ મેટ્રિક પાસ કર્યું હતું. ઈચ્છા તો પાયલટ બનવાની હતી પણ સમય-સંજોગોને અનુસરીને વારસાગત વ્યવસાય અપનાવ્યો સોનીકામનો અને વહન કર્યું કૌટુંબિક જવાબદારીઓનું.
દીર્ઘદૃષ્ટિ - તર્કશક્તિ - પરિશ્રમ અને આવેલી તકને ઝડપવી એ કુશળતા સહજપણે હસ્તગત હતી એટલે ધંધા-વ્યવસાયમાં આગળ વધતા ગયા. વકતૃત્વ એટલે કે વાતચીત કરવાની અને હસમુખા સ્વભાવની આદતે એમને બહોળું મિત્રમંડળ આપ્યું.
અમદાવાદના પટણી પરિવારના નીરુબહેન સાથે ઘરસંસાર માંડ્યો ૧૯૬૦માં... બાળકોના ઉછેરમાં ખૂબ ધ્યાન આપ્યું અને વ્યવસાય પણ સાચવ્યો. સોના-ચાંદી ક્ષેત્રે ભાવનગરમાં સૌપ્રથમ એવો એરકન્ડીશન્ડ શો-રૂમ બનાવ્યો. પરંપરાગત રીતે એક જ જગ્યાએ નાણાવટી બજારમાં વ્યવસાય કરતા અન્ય લોકોને પણ કાર્યક્ષેત્ર વિસ્તારવા પ્રેરણા આપી.
અનેક સામાજિક, ધાર્મિક, જ્ઞાતિગત સેવાસંસ્થાઓ જોડે જોડાયેલા રહ્યા. મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, દેવીપ્રસાદ બાપુ તથા કૃષ્ણશંકર શાસ્ત્રી જેવા સંતો અને કથાકારોના આયોજનોમાં અગ્રેસર રહ્યા. પોતે પણ અનેક યાત્રાધામોનો પ્રવાસ કર્યો. દીકરા-દીકરીઓના લગ્ન કર્યાં અને પોતે દાદા હોવાનું ગૌરવ પણ પામ્યા.
બધાના જીવનમાં આવે એમ મુશ્કેલીઓ - સંઘર્ષો અને પ્રશ્નો તો એમના જીવનમાં પણ આવ્યા, પરંતુ પોતાની કોઠાસૂઝ, સ્વભાવની સરળતા અને અનુભવો દ્વારા મેળવેલા જ્ઞાન થકી એમણે માર્ગ કાઢી લીધો.
૭૫ વર્ષ પૂરાં થયાની ઊજવણી પ્રસંગે એમણે જ કહ્યું કે, ‘મારી પત્ની હોય કે પુત્રવધૂઓ, મેં હંમેશા ઘર-પરિવારમાં મળતી સુવિધાઓ સંદર્ભે ચાલશે-ફાવશે-ભાવશેનો અભિગમ રાખ્યો છે.’ સામા પક્ષે એમના પત્ની નીરુબહેને કાકુભાઈને મીઠાઈ જેવા મીઠડાં માણસ તરીકે ઓળખાવીને કહ્યું કે કડવા શબ્દો ક્યારેય બોલે જ નહીં.
આ અવસરને વધાવવા આવેલા કવિ અને કાર્યક્રમ સંચાલક તુષાર શુક્લે પ્રસન્ન દામ્પત્યજીવન સંબંધે કહ્યું કે કોઈએ કોઈના જેવા નથી થવાનું - ધીરજ, અનુકૂલન અને સમર્પણ મહત્ત્વના છે.
પતિ-પત્નીના લગ્નજીવનમાં I અને YOUને LOVE જોડે છે. એકબીજાને સુખી જોવાની અને સુખી કરવાની સમજણ જો બંને પાત્રોમાં વિક્સે તો પછી પાંચ-છ દાયકા આનંદમય પસાર થાય જ એવું અવલોકન રજૂ કરતાં તેમણે કાકુભાઈ-નીરુબહેનને એનું આદર્શ ઉદાહરણ ગણાવ્યા હતા.
વાનપ્રસ્થાશ્રમના વિરામની અને સંન્યસ્ત આશ્રમના આરંભની ક્ષણો ઉપસ્થિત સૌના માટે ઉત્સવ બની રહી હતી.
•••
પ્રસન્ન દામ્પત્યના પ્રસંગને અને ૭૫ વર્ષ એક વ્યક્તિના ઊજવણીના અવસરે સાક્ષી થવાનું બન્યું અને પ્રેમ પદારથ વિશે ચિંતન થયું. આખરે પ્રેમ જ બંને બાબતોમાં સૌથી વધુ પ્રદાન કરનાર બાબત બની રહે છે. વૃક્ષ-વેલીની જેમ એકબીજાને વળગીને રહેતા દામ્પત્યમાં પ્રેમ અને સમર્પણના ફૂલની સુગંધ પ્રસરે છે.
ઘણી વાર લોકો ઊંમરલાયક બને પરંતુ ઊંમરને લાયક ન બને એવું પણ જોવા મળે છે, એવા સમયે પોતાના કર્મો દ્વારા સમાજજીવનમાં શ્રેષ્ઠ ઈમેજ બનાવનારા વ્યક્તિત્વોના વધામણા થાય ત્યારે વડીલ વંદનાનો અવસર નવી જનરેશન માટે પ્રેરણાના દીવડા પ્રગટાવે છે અને આવા દીવડામાંથી જીવનની સાર્થકતાના અજવાળાં રેલાય છે.