‘ભૈયા, ક્યા બતાઉં આપકો, હોતા યે હૈ ના કિ પચાસ કે બાદ આદમી કુછ જ્યાદા હી રોમેન્ટીક હો જાતા હૈ!!! તો એક દિન મેરે પતિને મુજ સે ઐસે હી મૂડમેં કહે દિયા... બોલો તુમ્હે મેં કૈસે રાજી કરું? તો મૈને કહા સચ્ચી કરોગે... બોલે હાં હાં... તુમ્હારે લીયે સચ્ચા પ્યાર હૈ તો સચ્ચી હી કરુંગા!! ઔર મૈંને દો બ્લેન્ક પેપર ઔર પેન રખી, કહા ઈસ પે સાઈન કર દો, તો ઉન્હોંને કહા... મગર બ્લેન્ક પેપર પર ફિર આપ ન જાને ક્યા લીખ દોગી? તો મૈને કહા, અગર ભરોસા હૈ તો સાઈન કરો.... ઔર મૈને કહા ઈસપે જો લીખુંગી આપ કે ઔર મેરે અચ્છે કે લીયે હી હોગા... ઉન્હોને સાઈન કર દી... ઔર મૈને વો દો કાગઝ ભગવાન કે મંદિર મેં રખ દીયે...’ શોભાબહેને હસતાં હસતાં કહ્યું.
આખીયે ઘટનાના હાર્દ સુધી જવા માટે આપણે જઈએ બીકાનેર. રાજસ્થાનનું ઐતિહાસિક અને પુરાતન શહેર બીકાનેર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. બીકાનેરમાં શોભાબહેન એમના પતિ સાથે રહે. પતિ રાજસ્થાન સરકારમાં વર્ષોથી નોકરી કરે. સામાન્ય રીતે સરકારી કર્મચારીના જીવનની જે લાઈફ સ્ટાઈલ હોય એવી જ આ પરિવારની પણ લાઈફ સ્ટાઈલ. પરિવારના સંતાનો ખૂબ સારું ભણ્યા-ગણ્યા પછી લગ્ન કર્યા અને બધાના દામ્પત્યજીવન સુખી અને સમૃદ્ધ.
સમય વીતતો ચાલ્યો. એમના પતિને નોકરીમાંથી રિટાયર થવાને ૪-૫ વર્ષ બાકી હતા એવા સમયે એક દિવસ સાંજે ઘરે આવીને એમણે એક પત્રની નકલ આપી. એ પત્ર એમણે ઓફિસમાં મુકેલા સ્વૈચ્છિક રાજીનામાનો હતો. કારણ પૂછ્યું તો કહે હવે નથી કરવી નોકરી, કંટાળો આવે છે. પાછું ખેંચીશ જ નહિ. પત્નીએ ઘણા સમજાવ્યા પણ માન્યા નહીં. સરકારી નિયમ અનુસાર એમણે ઓફિસમાં નિયત સમય પહેલાં મૂક્યું હતું રાજીનામું.
શોભાબહેનને ખબર હતી કે મૂડમાં આવીને એમણે સ્વૈચ્છિક રાજીનામું મૂકી દીધું છે. નોકરી પૂરી કરે તો સારું. તેઓ કંઈ બોલ્યા નહિ. સમય પસાર થવા દીધો. આખરે જ્યારે છેલ્લા દિવસો બાકી હતા એ દિવસોમાં લેખના આરંભે લખેલી આખીયે ઘટના બની. એ કોરા પેપર પર રાજીનામું પાછું ખેંચવાની વિનંતી લખીને એ બહેન પહોંચી ગયા એમના પતિની ઓફિસે... એમના સાહેબને સમજાવ્યા. હું તમને આ પત્ર પણ આપું છું ને વિનંતી પણ કરું છું વ્યક્તિગત રીતે, તેમનું રાજીનામું તેઓ જરૂર પાછું ખેંચશે. આખરે તેમના પતિ સુધી વાત પહોંચી. પત્નીના વિશ્વાસનો વિજય થયો. પતિદેવ ફરીથી નોકરીમાં જોડાઈ ગયા અને બાકીના વર્ષો એમણે પૂર્ણ ક્ષમતાથી નોકરી પૂરી કરી. લોકોએ એક મહિલામાં રહેલી સાચી દિશાની હિંમત અને પતિને વિશ્વાસમાં લેવાની સ્ટાઈલ માટે તેમને બિરદાવ્યા. નોકરી પૂરી થઈ ત્યારે એમનો સરસ વિદાય સમારંભ પણ યોજ્યો.
એ પછીના સમયગાળામાં બંને ખૂબ આનંદથી ભારતના તીર્થસ્થાનો જેમ કે ચારધામ, દ્વાદશ જ્યોર્તિલીંગ, વૈષ્ણવી તીર્થધામો ફરતા રહે છે. ઈશ્વરની પોતાના પર અસીમ કૃપા છે એવું માને છે ને આનંદથી જીવે છે.
લાગણી અને બુદ્ધિ બંનેના સમન્વય સાથે જ્યારે એક નિર્ણય લેવાય છે ત્યારે તે વ્યક્તિગત અને પારિવારિક રીતે બહુધા ઉપયોગી થાય છે એ વાતનો પડઘો આવી ઘટનાઓમાં પડતો હોય છે ને ત્યારે સ્ત્રીશક્તિમાં સમાયેલી કોઠાસૂઝ, પતિ પ્રત્યનો પ્રેમ અને સમજદારીના અજવાળાં રેલાય છે.