‘અરે પણ મને એવું બોલતાં ન આવડે’ ધ્વનિએ મિત્રોને કહ્યું, પરંતુ કોઈ ન માન્યા અને આખરે સહુએ ભેગા મળીને એની પાસે એક વાક્ય બોલાવ્યું, એ હતું ‘દિવાળીના સાલ મુબારક’
હવે આમાં નવાઈ જેવી વાત નથી, પણ ઘટનાને સમજવા જેવી છે. વાત ધ્વનિ જ્યારે પ્રાઈમરી સ્કૂલમાં ભણતી હતી તે સમયની છે.
દિવાળીનું પર્વ આવે એટલે આખાય ઘરમાં ઉલ્લાસ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાઈ જાય. વિશાળ જગ્યા અને બે માળનો બંગલો - કામ કરનારાને બોલાવીને એની પાસે સાફ કરાવવાનો રિવાજ હજુ એટલો પ્રચલિત નહીં એટલે શિક્ષિકા તરીકે નોકરી કરતા એના દાદી અને મમ્મી જ ઘરની સાફ-સફાઈ કરતા. માળિયા ને મેડા સાફ કરવાના, નકામી વસ્તુ ઓછી કરવાની ને કામની વસ્તુ ફરી ગોઠવવાની, ત્રાંબા-પિત્તળના વાસણો ઉટકવાના અને એને ફરી ગોઠવવાના, બાગ-બગીચામાં સુશોભન કરવાનું, દીવડા પ્રગટાવવાના ને ઉંબરા પૂજવાના... આ બધું ઘરમાં થતું અને ધ્વનિ એમાં જોડાતી.
સોસાયટીમાં આવતા શાકભાજી વેચનારા, સફાઈકામ કરનારા, ટપાલી વગોરો સાથે ધ્વનિના દાદાને દોસ્તી અને પ્રેમનો સંબંધ, એ બધા પણ બંગલા પાસેથી નીકળે તો બે વાત કરતા જાય. કોઈ પાણી પીવે, કોઈ વૃક્ષના છાંયડે થોડો સમય આરામ કરે, દાદા એને ચા-પાણી કે નાસ્તો પણ કરાવે. આ માણસોમાં છૂટક કામ કરનારો યુવક એક દિવસ ઉમેરાયો. સાઈકલ પર આવ્યોઃ ‘સાયેબ દિવાળીનું કંઈ કામ હોય તો કે’જો.’ દાદાએ પૂછ્યુંઃ ‘તું શું કામ કરીશ?’ ‘અરે સાયેબ અભણ છું, તમે ચીંધશો ઈ કરીશ, આ તો કામ કરીએ તો બે પૈસા મળે, લાવો બગીચો સાફ કરી આલુ’ કહીને એ સીધો સફાઈમાં લાગી પડ્યો.
વાતો દુનિયાભરની કરે ને કામ પણ કરે. બે-ત્રણ દિવસમાં બંગલાના બગીચાને સ્વચ્છ કર્યો, કુંડા રંગી આપ્યા ને માટી પણ બદલી આપી. દાદાએ બીજા બે-ત્રણ કામો કરાવીને બાજુના બંગલામાં પણ બે-ત્રણ કામો અપાવ્યા. આમ દિવાળીના સપરમા દિવસોમાં એ ગરીબ-શ્રમિક માણસને સારી એવી રકમ મહેનતના બદલામાં મળી ગઈ એટલે એ રાજી રાજી થયો.
બેસતા વર્ષની વહેલી સવારે અચાનક એનો અવાજ સંભળાયો. એ સાઈકલ પર ફરતો હતો ને જોરશોરથી ‘દિવાળીના સાલ મુબારક’ કહેતો હતો. એક બંગલામાં જાય, શુભેચ્છા પાઠવે. શુકનના પૈસા સ્વીકારે. ફરી આંટો મારે સાઈકલ પર, બીજા બંગલામાં જાય. આમ એ આવ્યો ધ્વનિના ઘરે, દાદાને-બાને પગે લાગ્યોઃ ‘સાયેબ દિવાળીના સાલ મુબારક, ભગવાન તમને સુખી રાખે...’ ધ્વનિને જોઈ ફરી બોલ્યો, ‘દિવાળીના સાલ મુબારક’. મીઠાઈ ને શુકનના પૈસા લઈને ‘ધમો’ જતો રહ્યો.
બે-પાંચ વર્ષ સુધી ધમાનું સાતત્ય પરિવાર સાથે રહ્યું. એક વાર ધ્વનિના ડેડીએ પૂછ્યું, ‘તું આ દર વર્ષે જોરશોરથી કેમ બોલતો ફરે છે?’ તો હસતાં હસતાં કહેઃ ‘આપણને કોઈ શુભકામના આલે એની રાહ ન જોવી, આપણે કહી દેવું હંધાયને દિવાળીના સાલ મુબારક...’
આવા મીઠા સંભારણાને એક કોર્પોરેટ જગતની ઓફિસમાં કામ કરતી ધ્વનિ મિત્રો સાથે યાદ કરતી હતી - ટિપીકલ રીતે પેલું વાક્ય બોલતી હતી એટલે સ્ટાફે નક્કી કર્યું કે ઓફિસમાં તારે આ તહેવારમાં રોજ એક વાર તો ધમાની જેમ આવવાનું ને કહેવાનું, ‘દિવાળીના સાલ મુબારક’
•••
દિવાળીનું પર્વ એટલે ઉજાસનું પર્વ, પ્રકાશનું પર્વ, રંગોળીનું પર્વ, મીઠાશનું પર્વ અને એની સાથે જ આવતું નૂતન વર્ષનું પર્વ એટલે નવા વિચારો - નવા સંકલ્પો - નવી ગતિ - નવી પ્રગતિ તરફ જવાના મનોરથો માટે કાર્યરત થયાનું પર્વ.
ધમા જેવા શ્રમિકે આપેલો એ સંદેશ આપણે પણ યાદ રાખવા જેવો છે કે આપણે જ પહેલ કરીએ. શુભ ભાવનાનો પ્રસાર કરીએ. પ્રેમ પ્રસરાવીએ, આનંદની છોળો ઊડાડીએ, આવું થાય ત્યારે સાચા અર્થમાં દિવાળી અને નવા વરસના અજવાળા રેલાય છે.