‘નાનુ, મને દીવાળીની વાર્તા કહો...’ રાજવીરે કહ્યું.
‘બેટા, તારે વળી શું કામ છે?’ નાનાએ જવાબ આપ્યો. તો રાજવીરે કહ્યું કે એની શાળામાં એક વકતૃત્વ સ્પર્ધા છે અને માટે એના ટીચરે કહ્યું છે કે તારે દીવાળીના ઉત્સવ પર બોલવાનું છે.’
અને નાનાએ વાર્તા શરૂ કરી... એક વાર દેવોના રાજા ઈન્દ્ર અને રાક્ષસરાજ બલિ વચ્ચે યુદ્ધના એંધાણ થયાં. બલિ રાજા ડરીને સંતાઈ ગયા. ઈન્દ્રએ પોતાના માણસોને શોધવા કામે લગાડ્યા, ‘બલિ રાજાને ગોતી કાઢો.’ ઈન્દ્ર પોતે પણ આ શોધમાં નીકળ્યા. એક ખાલી ઘરમાં તપાસ કરતાં તેમાં એક ગધેડો હતો. ઈન્દ્ર જોવા ગયા, પારખી ગયા. ગધેડાના રૂપમાં બલિ રાજા હતા. પકડી પાડ્યા. બંને વાતો કરતા હતા ત્યાં ગધેડાના શરીરમાંથી એક સ્ત્રી નીકળી. ઈન્દ્રે પૂછ્યું, ‘તમે કોણ?’ તો કહે, ‘હું લક્ષ્મીજી છું.’ ‘ક્યાં જાવ છો?’ તો કહે, ‘હું ક્યાંય સ્થિર થઈને રહેતી નથી.’ ઈન્દ્રે પૂછ્યું, ‘કયાંક તો રહેતા હશો ને?’ તો કહે, ‘જ્યાં સત્ય, દાન, તપ, પરાક્રમ, પ્રેમ, ધર્મ છે ત્યાં હું સ્થાયી થઈને રહું છું.’ વાર્તા પૂરી કરીને નાના જશુભાઈએ ઉમેર્યું, ‘બેટા, લક્ષ્મીને પરમાર્થ માટે બીજાની જરૂરિયાતો પૂરી કરવા વાપરીએ ત્યારે તે મહાલક્ષ્મી બને છે. ચાલ, તને ઉત્સવનું મહત્ત્વ સમજાવું.’
ઉત્સવ ઊજવવા માટે માણસ તો જ સક્ષમ હોય, જો એ શરીરથી સ્વસ્થ હોય અને એટલે ધનતેરસના દિવસે, પર્વ પંચકના પહેલા દિવસે પૂજન થાય છે આરોગ્યના દેવ ધન્વન્તરીનું. ભગવાન ધન્વન્તરીનો એ જન્મદિવસ છે. ધનતેરસના દિવસે ગણેશજીની-લક્ષ્મીજીની-શ્રીયંત્રની પૂજા થાય છે. નવા યંત્રોની પ્રતિષ્ઠા થાય છે, સાત ધાનની પૂજા થાય છે.
કાળીચૌદશના દિવસે નરકાસુરનો સંહાર થયો હતો એટલે મહાકાલી સ્વરૂપની પૂજા થાય છે. ધર્મ નરક ચતુર્દશીને પણ રૂપ ચતુર્દશી બનાવે છે. આ દિવસે ભૈરવની પૂજા થાય છે, હનુમાનજીની વંદના થાય છે, ઘંટાકર્ણ વીરની પૂજા થાય છે.
દીવાળીનું પર્વ એટલે અસત્ય પર સત્યના, અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ, ઘર ઘર દીવડા પ્રગટાવાય, મકાનો પર રોશની થાય... કથા એવી છે કે ભગવાન રામ રાવણ સાથે યુદ્ધ જીતીને આ દિવસે પરત અયોધ્યા આવ્યા હતા અને અયોધ્યાવાસીઓએ ઉત્સવ ઊજવ્યો હતો, ત્યારથી દીવાળીનો ઉત્સવ આપણે ત્યાં પરંપરાથી ઊજવાય છે. શારદાપૂજન-ચોપડાપૂજન થાય છે. હવે તો લેપટોપ, કોમ્પ્યુટરની પૂજા થાય છે.
‘અને બેસતા વર્ષે વહેલા ઊઠવાનું, સ્નાન કરીને મંદિરે જવાનું, વડીલોને પગે લાગવાનું ને આશીર્વાદરૂપે મળતા પૈસા ગલ્લામાં ભેગાં કરવાના...’ બાળપણના છેલ્લા બે-ત્રણ વર્ષોના સ્મરણો તાજા કરતા રાજવીર જ ઉત્સાહથી બોલી ગયો. નાનાએ કહ્યું, ‘સાચી વાત છે બેટા, નૂતન વર્ષ એટલે....’ ત્યાં તો એમની દીકરી તોરલ એ બંને માટે ચા-દૂધ અને નાસ્તો ડાઈનિંગ ટેબલ પર મુકતાં બોલી, ‘બેટા, નવું વર્ષ એટલે નવો દિવસ, નવો સૂરજ, નવી હવા, નવા માર્ગો, નવા આયોજનો, નવા સંકલ્પો અને નવી ક્ષિતિજો....’ અને પછી ઊજવાય ભાઈબીજનો તહેવાર...
‘મમ્મી, હું પણ આ વર્ષે સંકલ્પ લઈશ...’ દીકરો બોલ્યો એટલે મમ્મીએ કહ્યું, ‘હા, મને હેરાન નહિ કરવાનો સંકલ્પ લઈ લે, અથવા સવારે એક અવાજે ઊઠી જવાનો સંકલ્પ...’ તો દીકરો કહે, ‘ના, તમે સ્કૂલે લઈ જવા મને જેટલો નાસ્તો રોજ આપો છો ને, એટલો જ નાસ્તો, રોજ સાંજે આપણા ઘરની આજુબાજુ રહેતા કે રસ્તામાં જોવા મળતા ગરીબ છોકરાઓને હું આપીશ એ મારો સંકલ્પ છે.’ અને આ વાત સાંભળી મમ્મી દીકરાને વળગી પડી ને નાનાજી મીઠું મીઠું આનંદપૂર્વક હસી પડ્યા.
ભારતીય સંસ્કૃતિમાં સમયે સમયે આવતા ઉત્સવો એ કોઈ અચાનક આવી પડતા ઉત્સવો નથી, બલ્કે પ્રત્યેકના સમય, ઋતુ, ઈતિહાસ વગેરેનો અભ્યાસ કરીએ તો એની પાછળ કોઈને કોઈ વિજ્ઞાન છે, જેને ધર્મ સાથે જોડીને લોકસમક્ષ મુકાયું છે. નવી જનરેશનના બાળકો આવા ઉત્સવોની જાણકારી મેળવવા પ્રશ્નો કરે, ગુગલ સર્ચ કરે એ જ આનંદની ઘટના છે.
દીવાળી અને નૂતન વર્ષ એટલે પ્રેમ-પ્રસન્નતા પ્રગટાવવાનો ઉત્સવ. ઈશ્વરે આપણને જે આપ્યું છે એમાંથી થોડુંક આ ઉત્સવ નિમિત્તે આપણી આસપાસના ગરીબોને - જરૂરિયાતમંદોને આપીએ ત્યારે સાચા અર્થમાં દીવાળીના પર્વના અજવાળા આપી આસપાસ રેલાય છે.