‘હું હરિયાણાના જે ગામમાં રહું છું ત્યાં અખબાર પણ નથી આવતું. મજબૂત મનોબળ અને સંકલ્પશક્તિ જીવનમાં હોય તો બધું જ શક્ય છે...’ હરિયાણાની અનુકુમારીએ એક અખબાર સાથે કરેલી વાતચીતના આ શબ્દો છે.
યુપીએસસી દ્વારા તાજેતરમાં જે પરિણામની જાહેરાત કરાઇ હતી તેમાં બીજા ક્રમે આવેલી, ચાર વર્ષના પુત્રની માતા અનુકુમારીએ કહેલા આ શબ્દો સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા છે. અનુકુમારીએ તમામ મુશ્કેલીઓ કે પરિસ્થિતિઓને તડકે મૂકીને માત્રને માત્ર યુપીએસસી પાસ કરવા ઉપર લક્ષ આપ્યું જેના કારણે આજે તેના ઉપર દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. રોજ ૧૦-૧૨ કલાકની મહેનત, ઘરીની જવાબદારી વચ્ચે અદભૂત સંકલન કર્યું. અનુકુમારીએ ઈન્ટરવ્યુમાં ઉમેર્યું હતું કે ‘પરીક્ષાની તૈયારી કરવામાં મને ઈન્ટરનેટ બહુ જ મદદરૂપ થયું છે.’ દિલ્હી યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ સાથે સ્નાતક આ યુવતીએ આઈએમટી-નાગપુરથી એમબીએ કર્યું છે. સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરવા નોકરી છોડીને સખત મહેનત કરી હતી. અનુકુમારી પરિણામ આવ્યું ત્યારે તેનું એક સપનું સાકાર થયાનું અનુભવાયું. તે ઉમેરે છે, ‘મારે આઈએએસ થવું છે, દેશમાં રહીને સેવા કરવી છે, અને સ્ત્રીઓને સુરક્ષા તથા સલામતી મળે તે દિશામાં પ્રાથમિકતા આપવી છે.’ પહેલી વાર જ્યારે પરીક્ષા આપી ત્યારે સાવ થોડાક માર્ક્સ માટે તે રહી ગઈ હતી પણ હિંમત હારી નહીં અને બીજી વારના પ્રયાસે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું.
યુપીએસસીના ફાઈનલ પરિણામમાં ગુજરાતમાંથી ૨૦ ઉમેદવારો સફળ થયા એની વાત ચર્ચામાં છે, એમાંના કેટલાકે પોતાની વાત કોઈ અખબાર કે અન્ય માધ્યમ દ્વારા કહી ત્યારે એમાં સૂર કોમન એ હતો કે પોતે નક્કી કરેલાં એકમાત્ર લક્ષની જ દિશામાં આગળ વધવા માટેનું સમર્પણ હોય તો જ સફળ થવાય છે. અડચણો-સંઘર્ષો-નિરાશા-મહેણાંટોણાં-સ્ટ્રેસ-આર્થિક અને સામાજિક મૂંઝવણ બધું જ આવે છે છતાં જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી ટકી રહેવાની ક્ષમતા હોય એ જ આખરે વિજેતા નીવડે છે.
માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહિ, જીવનના પ્રત્યેક તબક્કે અને ક્ષેત્રે જેમણે જેમણે સફળતાઓ મેળવી છે. એમના સંઘર્ષો જોઈએ ત્યારે સમજાય છે કે બહુ લાંબો શારીરિક-સામાજિક-માનસિક અને આર્થિક સંઘર્ષ એમણે કર્યો હોય છે. એમાં થોડાક એવાય હશે જેમના પ્રારબ્ધે બધું સરળતાથી મળ્યું હોય, પરંતુ મોટા ભાગનાને સંઘર્ષ પછી જ પુરુષાર્થ ને પ્રાર્થના પછી જ ફળ મળ્યું છે.
હમણાં અમદાવાદમાં સેવા એકેડમી દ્વારા જર્મનીની કોઈ સંસ્થા સાથેના પ્રોજેક્ટના ૯ વર્ષ પુરા થયા નિમિત્તે ૩૦ મહિલાનું સન્માન થયું જેઓ પરિશ્રમ કરીને સ્વમાનભેર જીવન જીવતી થઈ. પ્રેમિલાબહેને ‘સેવા’ સંગઠનમાં રોજની રૂ. ૫૦ની બચત કરીને આરંભ કર્યો તે આજે ખાખરા બનાવવાનું કારખાનું ધરાવે છે. કિંજલ નામની યુવતીએ ઘરકામ માટે શાળા છોડ્યાના આઠ વર્ષ પછી ફરી ભણવાનું શરૂ કર્યું ને ધોરણ-૧૨ની પરીક્ષા પણ આપી છે. પ્રાર્થનાબહેનના બે બાળકો છે ને બંને થેલેસેમિયા મેજરનો રોગ ધરાવે છે, પરંતુ તેમણે હાર ન માની અને કમ્પ્યુટર શીખીને આજે બાળકોના સપનાં પૂરાં કરવા અર્બન સેન્ટરમાં જોબ કરે છે. આમ આપણી જ આસપાસ આવા અનેક વ્યક્તિત્વો જોવા મળી આવે છે જેઓ સમય-સંજોગ પરિસ્થિતિથી ગભરાયા વિના યોગ્ય દિશામાં સતત આગળ વધીને સિદ્ધિઓ મેળવતા રહે છે.
•••
લોકકહેવતમાં કહેવાયું છે કે ‘મન હોય તો માળવે જવાય’ આ ઉક્તિનો ભાવાર્થ એ જ કે મજબૂત મનોબળ અને સંકલ્પશક્તિ જ આખરે માનવીના જીવનનું ઘડતર કરે છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી કે વીર શહીદ ભગતસિંહ જેવાના જીવનચરિત્રો વાંચીએ ત્યારે આ વાતો સત્યરૂપે નજર સામે આવે છે.
આજે પણ સાવ સામાન્ય માણસો અખૂટ પરિશ્રમ દ્વારા નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરે છે, વ્યક્તિગત અને સામૂહિક રીતે સિદ્ધિઓ મેળવે છે ત્યારે સંકલ્પ શક્તિના દીવડા પ્રગટે છે અને તેમાંથી જ સિદ્ધિઓના અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
Cultivate within yourselves the mighty power of self-discipline.