‘તમે રસ્તામાં હવે કાંઈ નાસ્તો કરતાં નહીં, બપોરે બે-ત્રણ વાગ્યે વાંસદા પહોંચશો, ત્યાં એક સરસ ઓર્ગેનિક રેસ્ટોરાં શરૂ થઈ છે, તમે ત્યાં જમજો, તમને જે તે પ્રદેશનું અસ્સલ સ્વાદનું ભોજન ગમે છે, તો અહીં ડાંગનું ભોજન પણ ભાવશે જ...’ આ શબ્દો વલસાડમાં હિંમતદાદાના ઘરે હેવી બ્રન્ચ જમાડ્યા પછી અમને એમના પુત્ર અને દોસ્ત નીલેશે કહ્યા. સહજતાથી પુછાઈ ગયું કે ‘તમે જમી આવ્યા છો? તો કહે ના અમે નથી ગયા, પણ જેઓ ગયા છે તેમને બહુ ભાવ્યું છે.’
વાસ્તવમાં અમે જ્યારે ત્યાં વરસતા વરસાદમાં પહોંચ્યા અને જમ્યા ત્યારે એવો જ અનુભવ થયો, ભોજન, સ્વચ્છતા, આતિથ્ય બધ્ધું જ ગમ્યું. એ જગ્યાનું નામ છે ડાંગી રેસ્ટોરાં. ડાંગના ઉંબરે વાંસદા પાસે મોટી ભમતી ગામે વાંસદા-વઘઈ રોડ પર આ રેસ્ટોરાં આવેલી છે. અહીં પ્રાકૃતિક વાતાવરણમાં પ્રવેશતાં જ એક અલગ અને આનંદદાયક અનુભૂતિ થઈ. આકાશ અનરાધાર વરસી રહ્યું હતું. અને અમે વાંસ અને અન્ય લાકડામાંથી નિર્મિત એ કુટિરોમાં પ્રવેશ્યા. રસોઈ સંભાળતી ડાંગની બહેનોએ સ્વાગત કર્યું અને ડાંગના પ્રાકૃતિક પોષણતત્વો ધરાવતા ધાન, શાક તથા મસાલામાંથી બનેલા ભોજન એક પછી એક પીરસાતા ગયા. ચુલા ઉપર નજર સામે જ રંધાતી રસોઈની સોડમ, ભોજન માટે આકર્ષિત કરતી ગઈ. સ્વચ્છતા અને શુદ્ધતા તો ઊડીને આંખે વળગે એવી.
લાલ કડાનો સૂપ તો એવો સ્વાદિષ્ટ કે કોઈ મસાલા કે ચટણી નાખ્યા વિના મારી દીકરીની દીકરી અનન્યા, જે દસ મહીનાની જ છે એણે પણ મનભરીને પીધો. આ ઉપરાંત નાગલી ને ચોખાના રોટલા ને રોટલી, પાપડ ને બીજી બધી વસ્તુઓ જમતા હોઈએ ને બહાર શ્રીકાર વરસાદ આવતો હોય ત્યારે અદભૂત આનંદની અનુભૂતિ થાય જ. વાજબી કિંમતે પ્રાકૃતિક વાતાવરણમાં તે વિસ્તારનું પ્રાકૃતિક ભોજન જમવાનો સાચ્ચે જ લ્હાવો મળ્યો ને ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે પાંચ મિત્રોએ આ સ્થળની વાત પણ કરી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કર્યો છે અને હવે સ્થાનિક અને પ્રવાસી એમ બંને લોકોમાં પ્રાકૃતિક ભોજન તરફનો પ્રેમ વધતો જાય છે. મોટી ભમતી ગામના શ્રી ધર્મેશ ભિવસેન અને તેમના સ્થાનિક મિત્રો છેલ્લા પાંચ-સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલ છે. એમને વિચાર આવ્યો કે ખેડૂતોનું જૂથ બનાવીને પ્રાકૃતિક ખેતી તો કરીએ જ છીએ, હવે તેનું મૂલ્યવર્ધિત ઉત્પાદન કરીએ, બ્રાન્ડિંગ કરીએ અને ડાંગ-વાંસદાના મૂળ કલ્ચરને ભોજન સ્વરૂપે લોકો સુધી પહોંચાડીએ. આમ આરંભ થયો ડાંગી રેસ્ટોરાંનો, ડાંગના સુબીર, આહવા અને વધઈ તાલુકા ઉપરાંત પાડોશી જિલ્લાઓના વાંસદા-ધરમપુર-કપરાડા વગેરેમાં પ્રાકૃતિક ખેતી ખૂબ થાય છે. અહીંના ધાન અને શાકભાજી તથા મસાલાને ઓરિજિનલ સ્વરૂપમાં રાખીને પીરસાતા થયા ને લોકોને સ્વાદિષ્ટ ભોજન ગમવા માંડ્યું.
ગામઠી લીંપણની ઝૂંપડીઓ, ખાટલા, હીંચકા, અનાજ દળવાની ઘંટી ને અનાજ ખાંડવાની દળી સમગ્ર વાતાવરણને મનમોહક લૂક આપે છે. એમાં વધારો કરે છે, આદિવાસી સંસ્કૃતિનું નાનકડું મ્યુઝિયમ અને પ્રાકૃતિક પેદાશોનું વેચાણ-પ્રદર્શન કરતું આઉટલેટ.
ધર્મેશભાઈ કહે છે કે અહીં 33 વ્યક્તિઓને રોજગારી મળે છે. એમાં 30 તો બહેનો છે. આમ સ્થાનિક યુવક-યુવતીઓને રોજગારી પણ પ્રાપ્ત થઈ રહી છે. આવનારા દિવસોમાં ખેતીના વિવિધ ઉત્પાદનો, મસાલાના વાવેતર સાથે તેઓ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે વધુ વૈવિધ્ય સાધવા તરફ જઈ રહ્યા છે.
જે જે પ્રદેશમાં જઈએ તે તે પ્રદેશમાં આપણે જેવું ખાતા હોઈએ એવો પ્રાકૃતિક ખોરાક મળે તો આનંદ થઈ જાય, સ્વાદિષ્ટ અને સોડમથી ભરેલું, પેટમાં ભારે પડે નહીં અને છતાંય મનભરીને માણી શકીએ એવું મસ્ત અને પ્રાકૃતિક અને શુદ્ધ ભોજન આપણને જે તે સ્થળની ભોજનશૈલીનો અનુભવ કરાવે છે. ભોજનનો સ્વાદ તો મળે જ છે પરંતુ સાથે સાથે પ્રાકૃતિક જીવનના અજવાળાં પણ રેલાય છે.