દોસ્તીનું ગૌરવ અને પરસ્પર પ્રત્યેનો પ્રેમ - આદર

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 30th August 2022 07:12 EDT
 

‘તમારે તમારી કામ કરવાની અને વાત કરવાની પદ્ધતિમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે, એટલે હકારાત્મક રીતે... તો તમને સરળતા રહેશે.’ એક દોસ્તે બીજા દોસ્તને આવું કહ્યું. પહેલી નજરે એમ થાય કે હવે આમાં શું નવી વાત છે? વાત નવી નથી છતાં જો સમજીએ, પામીએ તો એ સફળતા સુધી લઈ જનાર બને એવી સાચી પણ છે. વાત જાણે એમ કે બે-અઢી દાયકાની દોસ્તી જીવનારા બે દોસ્તો અનેક પ્રોજેક્ટમાં સાથે કામ કરે. એમાં બંનેને પોતપોતાના સ્વભાવની નીજતા મુજબ આનંદ અને પુરસ્કાર મળે. કામમાં ક્યાંયે વિસંગતતા કે વિસંવાદ નહીં, સરળતાથી કામ થયા કરે. આ કામો અને એને સમયસર કે આયોજનબદ્ધ રીતે પૂરાં કરવામાં બંનેના સ્વભાવની વિશેષતા પણ સહજપણે છલક્યા કરે. બંને એકબીજાના ગુણ-અવગુણથી પરિચિત.

પરિણામે બંનેની કાર્યશૈલી અલગ, પણ એનું પરિણામ તો એક જ કે લીધેલું કામ સંતોષકારક રીતે પૂરું કરવું. બંને એકબીજાના પૂરક થઈને ચાલે એટલે આખરે બધું સમતોલ રહે.
હવે આવા કોઈ એક કામ પ્રસંગે વાતો કરતા હતા ત્યારે એક દોસ્તે બીજા દોસ્તને લેખના આરંભે લખેલું વાક્ય કહ્યું એમાં વાંક નહોતો, સ્વભાવનું દર્શન હતું. સાંભળનાર દોસ્તને એક ટેવ હતી કે સરળતાથી તે બધી વાત બીજા માણસને માંડીને કરે, બે-ત્રણ વિકલ્પ સામેથી આપે, સ્પષ્ટતા વધુ કરે અને પછી સામેનો માણસ એને જ રોંગ બોક્સમાં મુકે. અતિ લાગણીશીલ હોવાને કારણે તે દુઃખી થાય. આવી સ્થિતિનું આકલન કરીને પેલા દોસ્તે સમજાવ્યું કે, તમારે બધાને બધી વાત કરવાની ક્યાં જરૂર છે? સરળતાથી બોલો છોને પછી જાતે જ ફસાવ છો. ઉદાહરણ તરીકે તમે કોઈને કહો છે કે હું વડોદરા આવીશ, તો પછી કઈ ગાડીમાં ને કોની સાથે ને ક્યાં ક્યાં થઈને આવ્યો અથવા આવીશ એ કહેવાની શું જરૂર છે? મોડા પડ્યા તો મોડા પડવા માટે ક્ષમા માંગી લઈએ, પણ ગાડીમાં પંચર પડ્યું અથવા આ કે તે કારણ હતું એમાં સામેના માણસને કોઈ રસ નથી હોતો. આપણે સાચી જ વાત કરીએ છીએ તે પણ એમના સંદર્ભે જરૂરી નથી હોતી, એટલે બને તો આવું ટાળવું. આમ એક દોસ્તે બિલ્કુલ સાહજિકતાથી બીજા દોસ્તને જીવનના પાઠ શીખવ્યા.
એક બીજું વ્યવહારિક અને સર્વકાલીન આર્થિક ઉદાહરણ એમને કોઠાસૂઝથી આપ્યું કે કોઈ એક કામના એક લાખ રૂપિયા થતા હોય તો એમાંથી થોડા થોડા દિવસે થોડી થોડી રકમ મેળવતા રહેવી, અથવા આપણે આપવાની હોય તો ચૂકવતા રહેવી. આવું ન કરીએ તો લેવડદેવડમાં અંતે મોટી રકમ આપવાની-દેવાની થાય છે. જે ઘણી વાર બોજારૂપ લાગે છે.
હવે પછીની ઘટના દોસ્તીની શાલિનતા કે ઘનિષ્ટતાની છે. એકાદ કલાક પછી સલાહ આપનાર મિત્રે વળી એક વાત કરીને કીધું કે ‘આવી સલાહ તમને આપી શકું, તમે સખા છો પરંતુ મારા દીકરાની હાજરીમાં આપું છું એનું ય એક કારણ છે કે ઘણી વાર આજની નવી જનરેશનને સીધી સલાહ ન ગમે. હવે તમને કહેવાતી વાત એ પણ સાંભળે જ છે. એ જો વાતને સમજે અને યોગ્ય લાગે જીવનમાં ઉતારે તો એને ફાયદો થવાનો છે.
આમ એક દોસ્તે બીજા દોસ્તની સાથે જે સંવાદ કર્યો તેમાં દોસ્તીનું ગૌરવ વધ્યું, પરસ્પર પ્રત્યેનો પ્રેમ વધ્યો અને કોઠાસૂઝ પણ વ્યક્ત થઈ. યોગ્ય સમયે, યોગ્ય દોસ્ત જ્યારે આવી સલાહ આપે છે ત્યારે દોસ્તીના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter