ધર્મ-અધ્યાત્મ થકી માનવમનમાં હકારાત્મક્તાનો સંચાર

અજવાળું અજવાળું

તુષાર જોશી Monday 26th March 2018 07:43 EDT
 

‘આ પુસ્તકો મારા કબાટમાં મેં સમજીને જ મુક્યા છે, મારા વાંચવા માટે...’ સ્તુતિએ મમ્મીને કહ્યું ને મમ્મીને નવાઈ લાગી.

ધોરણ અગિયાર પાસ કરીને હવે બારમા કોમર્સમાં એ આવી હતી એટલે એના પુસ્તકોનો કબાટ અને નોટબુકો, ટ્યુશનના ચોપડાને સ્કૂલના ચોપડા - આ બધું જ મમ્મી નવેસરથી ગોઠવી રહી હતી. દરમિયાન તેમણે જોયું કે આ પુસ્તકોની સાથે હનુમાન ચાલીસા, હનુમંત દર્શન, સુંદર કાંડ, હનુમંત ચરિત્ર જેવા પુસ્તકો પણ સાથે પડ્યા હતા. ઉપરાંત મોરારિબાપુએ હનુમંત ચરિત્ર ઉપર કરેલી કથાઓની બુકલેટ્સ પણ પડી હતી. આવનારા દિવસોમાં હનુમાન જયંતિનું પર્વ હોવાથી એ એના ડેડી સાથે બેસીને આ પુસ્તકો વાંચતી હતી. ધીમે ધીમે અને એની પોતીકી સમજ મુજબ કંઠસ્થ થયેલા હનુમાન ચાલીસાના દોહરાઓમાં સમાયેલા ભાવ અને વેદનાને પામી રહી હતી.

સિક્કિમ ફરવા જવાનો એનો પ્લાન છે એટલે ગંગટોકની કથાનું પુસ્તક અને એની તસવીરો એને આકર્ષી ગઈ. એના માટે એ જાણકારી મહત્ત્વની હતી કે હનુમાન ચાલીસાના સર્જનને સાડા ચારસો વર્ષો થયા. ફ્લોરિડાની એક કથામાં એક વાક્ય એને આ સંદર્ભે ગમ્યું કે, ‘હનુમાન ચાલીસા કેવળ ચરિત્ર નથી, જીવનદર્શન છે.’
એક વિશેષ પુસ્તક ‘હનુમંત દર્શન’માં તો ખુબ બધી માહિતી અને વિચારો સમાયેલા છે. ગુરુપૂર્ણિમા, ૨૦ જુલાઈ ૧૯૯૭ના રોજ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ થઈ છે અને તેમાં રામેશ્વરની રામકથામાં સૌ પ્રથમ આ અંજનીના ખોળે હનુમાનજીનો જન્મ તથા માંડલમાં કિષ્કિંધાકાંડ અને સુંદરકાંડમાં આવેલા હનુમાનજીના ચરિત્રનું દર્શન આલેખિત થયું છે.
હનુમંતજી પ્રાણતત્વ છે, અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે, સતયુગમાં શંકરરૂપે, ત્રેતામાં વાનરરૂપે, દ્વાપરમાં અર્જુનના રથની ધ્વજામાં અને કળીયુગમાં રામકથામાં એ બિરાજે છે. હનુમંત તત્વ પ્રકાશ સાથે જોડાયેલું છે. એને સમજવાથી વિનમ્રતા અને વિવેક આવશે, એની સાધના કરવાથી દાસત્વનો ગુણ કેળવાય છે... જેવી વાતો સ્તુતિ પુસ્તકમાંથી વાંચતી ગઈ, જરૂર પડે ત્યાં પ્રશ્નો પૂછીને સમજતી ગઈ.
પોતાની સોસાયટીમાં ક્યારેક વાનર આવી ચડે ત્યારે અને એ સિવાય પ્રવાસન સ્થળોએ કે તીર્થસ્થાનોમાં સ્તુતિએ વાનરની હુપાહુપને માણી છે ને એવી જ કોઈ પળે એક વાર એ પૂછી બેઠી હતી કે, ‘માણસો વાનરની આરાધાના કેમ કરે?’ એ સમયે જે જવાબ ડેડી આપી ન શક્યા એ પણ અહીં જ મળ્યો. સ્તુતિને જ વંચાવ્યું ૧૯૯૭ની હનુમાન જયંતિ પર્વનું બાપુનું પ્રવચન જેમાં તેઓ કહે છે, ‘હનુમાનજીએ રામકથામાં રામની, સીતાની, વિભીષણની અને સંજીવની ઔષધિની શોધ કરી અને આ ચારેય માનવજીવન માટે નિતાંત આવશ્યક છે.’
એક અર્થમાં હનુમાનજીએ શાંતિની, સત્યની, હરિનામની, પ્રેરણાદાયી માર્ગદર્શકની ખોજ કરી આપી છે. આ ચાર શોધમાંથી આપણે શીખીએ તો અદભૂત ક્રાંતિ ઘટી શકે છે.
ઘરમાં હોય કે પ્રવાસમાં, રોજ સવારે ને સાંજે એક વાર હનુમાન ચાલીસા બોલવાનો ઉપક્રમ માત્ર વિધિવિધાન નથી, પરંતુ પ્રાણતત્વની આરાધનાનો સિદ્ધ પાઠ છે, આ વાત એને અનુભૂત થઈને આનંદ પણ થયો.

•••

બાલ્ય અથવા કિશોરાવસ્થામાં જે કાંઈ જોવા કે સાંભળવા મળે એની અસર માનવીના જીવનમાં દીર્ઘકાળ સુધી રહેતી હોય છે. ધાર્મિક-આધ્યાત્મિક પાઠ-પૂજા-વિધિ-વિધાનો દ્વારા માનવ મનમાં આખરે હકારાત્મક ઊર્જા-સત્ય-પ્રેમ-કરુણા-પ્રામાણિકતા-સંવાદ-સંસ્કાર મૈત્રી જેવા ગુણોની સ્થાપના સહજપણે થાય ત્યારે એક અદભૂત ચૈતસિક વાતાવરણ બને છે.
હનુમંત સ્વરૂપ કે તત્વની આરાધના અજવાળાં તરફ દોરી જાય છે, એ મહાઔષધ છે અને એના અનુગ્રહથી સર્વ કાર્યો સમયે સમયે પાર પડતાં રહે છે એવી સાધકોની અનુભૂતિ છે. કેવળ અને કેવળ ભરોસા પર જીવન જીવાય ત્યારે એની કૃપાના અજવાળા રેલાય છે.

લાઈટ હાઉસ

ધર્મને બુદ્ધિમાં નહિ રાખતા, ધર્મને સ્વભાવમાં ઉતારજો.

- મોરારિબાપુ,

(૧૯૯૪માં હનુમાન જયંતિ પર્વે પ્રવચનમાં)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter