‘લાલ ગોપાલ ગુલાલ મારી,
આંખિન મેં જિન ડારો જૂ....’
મંચ પરથી શહેરના જાણીતા ગાયકના સ્વરમાં ગીત પ્રસ્તુત થઈ રહ્યું હતું. બરાબર એ જ સમયે આરતી અને અસીમ પ્રથમ હરોળના એક છેડે પહોંચ્યા. ‘હમણાં ઊભા રહીએ, ગીત પૂરું થાય પછી બેસવા જઈએ.’ આરતીએ આસીમને કહ્યું. બંને ઊભા રહ્યા, ગીતને માણતા રહ્યા.
કલાકારનું સન્માન જળવાય એમ ઊભા રહ્યા. ગીત પૂરું થયું અને હળવે હળવે ચાલીને પ્રથમ હરોળમાં એમની નિર્ધારિત બેઠક પર ગોઠવાયા. આજુબાજુમાં મિત્રો બેઠા હતા એમને હાય-હેલો કર્યું ના કર્યું અને આરતીના કાન સરવા થયા, તુરંત સ્ટેજ પર નજર ગઈ.
કાર્યક્રમ સંચાલકનો ઘેઘૂર-સૌમ્ય અને ભાવપૂર્ણ અવાજ એને આકર્ષિત કરી ગયો અને સ્ટેજ પર નજર પડી તો ખ્યાલ આવ્યો કે અરે આ તો, આ તો અનુજ. એકીટશે એ અનુજ સામે જોતી રહી. ગવાઈ ગયેલા ગીત અને હવે રજૂ થનારા ગીત વચ્ચે ભૂમિકા બાંધી રહ્યો હતો અનુજ. શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત ક્લબમાં હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે, રંગપર્વ નિમિત્તે રસીલા ગીતોના કાર્યક્રમનું આયોજન થયું હતું. મુંબઈથી આવનારા કલાકારોની યાદીમાં ક્યાંય અનુજની તસવીર કે નામ ન હતું અને અહીં એ શો કોમ્પેર કરી રહ્યો હતો. અનુજને પણ આરતીની ઉપસ્થિતિની જાણ થઈ ગઈ હતી. આ વાતનો અણસાર આરતીને પણ આવી ગયો હતો. અને વાતમાં ને વાતમાં અનુજે એક કાવ્યપંક્તિ કહી....
રંગ એક પણ લાવ્યો નહીં હું
મુઠ્ઠી કે ખિસ્સામાં,
સ્હેજે કોરી ના રહી ગઈ તું
રંગ તણા કિસ્સામાં.
અને એ સાથે જ આરતી જાણે સ્વપ્નમાં ગુમ થઈ ગઈ. સ્ટેજ પરથી અનુજના સ્વરમાં એ કાવ્યપાઠ કરી રહ્યો હતો અને આ તરફ વાતાવરણમાં ગૂંજતા સંગીત અને ગુલાલની છોળો વચ્ચે આરતી અઢી દાયકા પાછળ - કોલેજના દિવસોમાં પહોંચી ગઈ હતી.
હોળી-ધૂળેટીનો તહેવાર એને બાળપણથી પ્રિય હતો. મમ્મી-પપ્પા-ભાઈ અને બા-દાદા સાથે હોળી માતા પ્રગટે ત્યારે એમાં શ્રીફળ હોમવાનું, ધાણી-ખજૂરનો પ્રસાદ ચઢાવવાનો, હોળી માતા ફરતે જળ ચઢાવવાનું અને પ્રસાદ લેવાનો. બીજા દિવસે ચા-નાસ્તો થયો નથી ને સોસાયટીના મિત્રો આવી પહોંચે. પાણીથી ભરેલી પીચકારીઓ-ફુગ્ગાઓ અને કલર તથા ગુલાલ લઈને. ધમાલ-ધમાલ થઈ જાય, એકબીજા પર પાણીની ડોલ રેડાય, પછી મ્યુઝિક વાગે, કોલેજ ફ્રેન્ડ્સ આવે, એમની સાથે બાઈક પર વળી બીજા મિત્રોને રંગવા જવાનું અને ઢળતી બપોરે બે-ત્રણ કલાકે બાથરૂમમાંથી નહાઈને બહાર આવવાનું, તોયે રંગોના છાંટણા તો શરીર પર ક્યાંક ક્યાંક રહી જ ગયા હોય. દર વર્ષે આવી ધમાકેદાર ધૂળેટી આરતી ઊજવતી. મોડી રાત્રે બધા સાથે મળીને ભોજન કરતા.
આવી જ એક ધૂળેટીના પર્વે અનુજ પહેલીવાર એના ઘરે આવ્યો હતો. કોઈ પરિચય નહીં, કોઈ કોમન ફ્રેન્ડનો બહારગામથી આવેલો ફ્રેન્ડ હતો એવી ખબર પાછળથી પડી હતી. પણ એ દિવસે ‘બુરા ના માનો હોલી હૈ’ કહીને મિત્રોએ-સખીઓએ આરતીને રંગોથી રંગી નાંખી હતી. એ સમયે આરતીએ નોંધ્યું હતું કે પ્રેમ ભરેલી આંખોથી અનુજ એને નિહાળી રહ્યો છે.
બંનેની આંખોમાંથી જાણે દુનિયાઆખીના અબીલ-ગુલાલ ઊડીને એકબીજાને રંગી રહ્યા હતા. કેસુડાના ફૂલો ઓગાળેલા પાણીની પીચકારી જાણે દેહને નહીં, હૃદયને ભીંજવી રહી હતી.
આરતીએ એના ગાલમાં ગુલાલ લગાડ્યો ત્યારે અનુજ આરતીની આંખોમાં આંખો મેળવીને બોલ્યો હતો પેલી કાવ્યપંક્તિ... પહેલો પ્રેમ - પહેલો નશો - કોઈક મને અને હું કોઈને ચાહી શકુંનો ભાવ આરતીના હૃદયમાં એ પળે પહેલી વાર પ્રગટ થયો. એ પછી અનુજ ગામમાં આવ્યો હોય તો વર્ષમાં એકાદ-વાર મુલાકાત થાય. પછી તો આરતીના લગ્ન થઈ ગયા અસીમ સાથે. ક્યારેક આરતીએ જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે મુંબઈમાં રહીને - લગ્ન કરીને અનુજ સુખી છે ને એની ગાયિકા પત્ની સાથે દેશ-વિદેશમાં કાર્યક્રમો કરે છે.
આજે આટલા વર્ષે સાવ અચાનક એને જોયો, યાદગાર બની ગયેલી એની કાવ્યપંક્તિ એના જ સ્વરમાં, શોના ભાગરૂપે પણ પોતાને જ કહેવામાં આવી છે એની અનુભૂતિ આરતીને થઈ ત્યારે એક નિર્દોષ સાહજિક-સરળ-પ્રેમ પ્રગટ જેનાથી થયો. ધૂળેટીનું રંગપર્વ વધુ રંગીન બની ગયું. કાર્યક્રમ પૂરો થયે અસીમને લઈને અનુજને મળવા પણ ગઈ અને બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ માટે ઘરે પણ બોલાવ્યો ત્યારે રંગપર્વના છાંટણા થયા ને પ્રેમના દીવડાંનું અજવાળું થયું.