‘અરે, પાગલ થઈ ગઈ છો કે શું? આમ હવામાં ગુલાલ ઊડાડ્યા કરે છે?’ નીલે એની પ્રિય સખી નીલાને પૂછ્યું. જેના જવાબ સુધી પહોંચવા આ બંનેના સંબંધોના શબ્દચિત્રને નીરખવું જરૂરી છે.
નીલના પિતા સરકારી અધિકારી હતા. ઉચ્ચ હોદ્દા પર બિરાજતા હોવા છતાં નિરાભિમાની, પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીની ઈમેજ એમની હતી. એના માતા એક ઉત્તમ ગૃહિણીની ફરજ બજાવવા ઉપરાંત સામાજિક સંસ્થાઓમાં વિશેષ કાર્યરત રહેતા હતા. નીલ કોમ્પ્યુટર એન્જિનિયર થઈને એક મલ્ટીનેશનલ કંપનીમાં હમણાં જ જોડાયો હતો. સુખી-સમૃદ્ધ અને સંસ્કારી પરિવારમાં નીલની નાની બહેન નીલિમા પણ હતી, જે કોલેજમાં અભ્યાસ કરતી હતી.
નીલાના પિતાને ખૂબ સારો વ્યવસાય હતો અને મહિનામાં પંદર દિવસ તો બહારગામ રહેવાનું થતું. મમ્મી અને નાની બહેન હતા પરિવારમાં. નીલા પણ આઈટી ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થઈ હતી.
નીલ અને નીલાનો પ્રથમ પરિચય કોલેજમાં પ્રવેશ સમયે જ થયો. અમદાવાદથી અડધા-પોણા કલાકના અંતરે કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. ફી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થવા છતાં કોઈક કારણસર ત્યાં હજી રોકાવું પડે એમ હતું. નીલાનો પરિવાર અને નીલનો પરિવાર પ્રથમ પરિચયે વાતોએ વળગીને કેન્ટિમાં ચા-નાસ્તો કરતા હતા. બંને અમદાવાદમાં એક જ એરિયામાં રહેતા હતા એટલે પરિચય થોડો સહજ બન્યો. નીલાના પપ્પાને બિઝનેસના કામે અમદાવાદ પરત જવાની ઉતાવળ હતી. એ પારખી ગયેલા નીલના પિતાએ સામેથી એમને કહ્યું, ‘તમે ચિંતા ના કરો, તમારી દીકરી અને પત્નીને અમે અમારી કારમાં અમદાવાદ લેતા આવીશું.’ આમ સૌમ્ય-સહજ અને સાલસ રીતે થયેલો આ પરિચય અને પ્રથમ પ્રવાસ પછી કોલેજની બસમાં ૪ વર્ષનો સહવાસ બની ગયો. કોલેજમાં ભણવામાં બંને અવ્વલ અને સંગીત-નાટક તથા અન્ય પ્રવૃત્તિઓમાં પણ બંનેનું નામ પ્રથમ હરોળમાં જ હોય.
બંનેની દોસ્તીમાં ક્યાંયે આછકલાઈ કે દુર્વૃત્તિ નહીં, ઘનિષ્ટતા અત્યંત ગાઢ અને છતાંયે ક્યાંય વિવેકમાં ચૂક નહીં. બંનેનું મિત્રવર્તુળ પણ ખૂબ મોટું-સારું અને સાતત્યવાળું. ખૂબ ધમાલ કરે - પ્રવાસો કરે - મજા કરે ને ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મની જેમ દોસ્તી નિભાવે. બારે મહિનાના ઉત્સવોમાં ઉલ્લાસ ભરે ને પળેપળને માણે. એમ કરતાં કરતાં નીલ અને નીલાના હૈયામાં એકબીજા માટેનું આકર્ષણ પછીથી પ્રેમમાં પરિણમી ચૂક્યું હતું.
આજે ધૂળેટીનું રંગ પર્વ દર વર્ષની જેમ ઊજવવા બધા નીલાના બંગલે એકઠાં થયાં હતાં. ઘરના બગીચામાં પગ મૂકતાં જ નીલે જોયું કે નીલા રંગોની છાબમાંથી બંને હાથે વિવિધ રંગો અને ગુલાલ આકાશમાં ઊડાડતી હતી અને એ નીચે આવતા એના શ્વેત વસ્ત્રો પર રંગોળી સર્જાતી હતી. નીલાએ મુઠ્ઠીઓ ભરીને નીલ પર પણ રંગો ઊડાવ્યા એને રંગી નાંખ્યો ને પછી કહ્યું, ‘પ્રિયે, કોઈને રંગવા માટે પહેલાં પોતે પણ રંગાવું જરૂરી છે. સમજ્યા?’ અને હોલી હૈ ભઈ હોલી હૈના નાદ સાથે બંનેએ એકબીજાને, પરિવારજનોને, સ્વજનો અને મિત્રોને રંગોત્સવમાં ભીંજવી દીધા.
•••
હોળી-ધૂળેટીનું પર્વ રંગોત્સવરૂપે પરંપરાથી આપણે ત્યાં ઊજવાય છે. હોળી પર્વ સાથે ઈતિહાસ અને ધાર્મિક કથાઓ જોડાયેલા છે તો ધૂળેટીના પર્વ સાથે જોડાયેલો રહ્યો છે ઉન્માદ-ઉલ્લાસ-આનંદ અને મસ્તી. પ્રેમના નશાનું અને કેસુડાના રંગોના કેફનું પર્વ છે ધૂળેટી.
મસ્તી છે - નૃત્ય છે - સંગીત છે બધું જ છે રંગોત્સવમાં. પરસ્પરને માત્ર રંગોથી નહીં, પ્રેમની પીચકારીથી પણ રંગવામાં આવે છે.
કોઈ પણ મહાનગરોમાં થતી ૩૧ ડિસેમ્બરની પાર્ટીથી વધુ રોમાંચ અને રોમાન્સ ફાગણના આ રંગોત્સવમાં છે.
રંગોત્સવ એટલે રંગી નાખવાનું અને રંગાવાનું પર્વ, ભીંજવી દેવાનું અને ભીંજવવાનું પર્વ, ચીતરી નાખવાનું અને ચીતરાવાનું પર્વ.
હવામાં અબીલ-ગુલાલ ઊડે છે, અને હૈયા થઈ જાય છે લાલ ચટ્ટાક! આંખોના અણસારે ઊડતો ગુલાલ પ્રિયજનને રંગી નાખે છે અને એ રંગ ક્યારેય ઉતરતો નથી.
કોઈને રંગવા માટે પોતે રંગાવું જરૂરી છે. કોઈને પ્રેમ કરવા પોતે પ્રેમથી છલકાવું જરૂરી છે. આવો અબીલ-ગુલાલ લઈને ઘેરૈયા આવે છે ત્યારે ફાગણના મહિનામાં રંગોત્સવ થકી પણ રંગોની રંગોળી પૂરાય છે અને મધ્યમાં પ્રગટતા પ્રેમના દીવડાના પ્રકાશથી અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
ફાગણ ફટાયો આયો કેસરીયા પાઘ સજાયો,
જોબનના જામ લાયો, રંગ છાયો રે રંગ છાયો
- બાલમુકુંદ દવે