હોલિયા મૈં ઊડે રે ગુલાલ કહીયો રે મંગેતર સે... ખુબ જાણીતું આ રાજસ્થાની ગીત ગાતા ગાતા દીકરી આવી... અને કહે કે ‘ડેડી, તમે નાના હતા ત્યારથી હોળી-ધૂળેટીને કેવી રીતે ઉજવતા હતા..? ચાલો આજે તો એની વાતો કરો...’
કિશોરાવસ્થાથી આજ સુધીની હોળી-ધૂળેટીના પ્રસંગો સાથે ધૂળેટીમાં રંગોત્સવ માણનારા પરિવારજનો - પ્રિયજનો - પડોશીઓ – મીઠાઈ ને પૂજા ને કેટકેટલું યાદ આવી ગયું. અનેક કાર્યક્રમોની સ્ક્રિપ્ટ માટે કરેલું રિસર્ચ ને લેખન યાદ આવ્યું. ખૂબ વાતો કરી અને રંગોત્સવ જાણે એ ક્ષણોમાં જ ઉજવ્યો. ધૂળેટી રંગોનો તહેવાર. બાળકથી લઈને વૃદ્ધ, સહુને ગમતો તહેવાર. ઊંમરના વિવિધ તબક્કે વિવિધ રીતે માણે છે માણસ માત્ર ધૂળેટીને. કેલેન્ડર બતાવે છે કે આ એક દિવસનો આ ઉત્સવ છે, પરંતુ વૃંદાવન-બરસાનામાં તો એકાદ મહિના પહેલાથી જ આ ઉત્સવનો આરંભ થઈ જાય. આવું જ આદિવાસી વિસ્તારના લોકોમાં પણ આ તહેવારનું મહત્ત્વ છે, ધૂળેટી પહેલાં જ ઘેરૈયાઓ ઉત્સાહથી આ તહેવારને વધાવી લે છે. હિન્દુ મંદિરોમાં આ ઉત્સવ નિમિત્તે ફુલ-દોલોત્સવ યોજાય છે અને ભક્તો ધૂળેટીને વધાવે છે.
ધૂળેટીનો રંગોત્સવ માત્ર બાહ્ય રીતે જ રંગે છે એવું નથી, એ રંગે છે પ્રેમના રંગોથી. પ્રિયજનોને સાહજિકરૂપે સ્મરણ કરીએ તો એવી અનેક ધૂળેટી યાદ આવે જ્યારે - જ્યારે ટોળામાં એકાદને રંગવા માણસ ઉત્સાહિત થયો હોય... એના તરફથી ઉડતા રંગો સ્પર્શે અને આખુંયે જીવન જાણે રંગાઈ જાય.
એક છોકરો ને છોકરી અનાયાસ મળે છે ધૂળેટીમાં... અજાણ્યા ચહેરા પર લગાવેલો ગુલાલ અને અજાણી વ્યક્તિએ પીચકારીથી ભીંજવાની એ ક્ષણ... પ્રેમનો આરંભ અહીંથી જ થાય છે. કવિઓએ અદભૂત કલ્પના કરી છે આંખમાંથી ઊડતા ગુલાલની... ઉમાશંકર જોષી લખે છેઃ
હવા મહીં કો વેરતું, આછો અબીલ ગુલાલ,
હસી ઊઠે છંટાય ત્યાં, હૈયા લાલમલાલ,
અહીંયે છંટાય, વળી તહીંયે છંટાય,
હૈયે છંટાય લાલલાલ, આંખમાંથી ઊડે ગુલાલ.
ફાગણના ફાગને હૃદયમાં ઝીલવાનો, કેસુડાના રંગે રંગાઈ જવાનું, ગુલમહોરના વૃક્ષ નીચે ઊભા રહીને કલાકો સુધી વાતો કરવાની, ઉડતા પતંગિયાના રંગોથી જાણે આપણા મનનું આકાશ પણ છવાઈ જાય... પ્રેમનું મેઘધનુષ રચાઈ જાય. લાગણીઓની છાલક દેખાય નહિ અને તન-મનને ભીંજવ્યા કરે... ગુલાબજળ રૂંવેરૂંવે ગુલાબીપણું પ્રગટ કરી દે... વાતાવરણમાં ગુંજે હોરી-રસિયાના ગાયનનો ગુંજારવ.
આજ બીરજમેં હોરી રે રસિયા, બરજોરી રે રસિયા
મસ્તી - સંગીત - નૃત્ય અને ગુલાલ... પિચકારીની ધાર... આંખોમાંથી પ્રગટતા પ્રેમની એ દિવ્ય અનુભૂતિ, એક નાજુક સ્પર્શથી થતો અકથ્ય રોમાંચ... બધ્ધું જ બધ્ધું જ આનંદ અને પ્રસન્નતા સાથે, ઉર્જા અને ઉલ્લાસ સાથે જોડી આપનાર હોય છે.
અને હા... એ સ્મરણો આજે પણ જીવનને મધુર સંગીતના સૂરોથી સજાવે છે, એ રંગ, એ સુગંધ આજે પણ અસ્તિત્વને પ્રેમથી તરબતર કરી દે છે. પ્રેમનો રંગ ધીમે ધીમે સાવ અજાણતા ગેરુઓ રંગ બની જાય છે, એવું પણ ઘણી વાર બને છે. સૂફી પરંપરામાં એથી તો અનેક પદો-રચનાઓ લખાઈ અને ગવાઈ છે.
આજ રંગ હૈ એ માં રંગ હૈ રી,
મેરે મહબૂબ કે ઘર રંગ હૈ રી.
વીતેલા સમય માટે આમ તો બ્લેક એન્ડ વ્હાઈટ રંગ પ્રતીકરૂપે ગણાય છે, પરંતુ સ્મરણો, એમાં પણ રંગોત્સવના સ્મરણો જ્યારે જ્યારે મન-હૃદય પર છવાય ત્યારે એ વર્તમાન ક્ષણમાં પણ આપણાને રંગી દે છે. આપણી પરંપરામાં માનસ પૂજાનું મહત્વ છે, રંગોત્સવના સ્મરણો એક અર્થમાં માનસી રંગોત્સવ જ છે ને!!!
અને જેમની સાથે રમ્યા હોઈએ રંગોત્સવ એ સિવાય પણ એવા કેટલાક ચહેરાઓ હોય છે જેમની સાથે રહ્યા હોઈએ - પણ એમની સાથે રંગોત્સવ બાહ્યરૂપે ન માણ્યો હોય! બાકી એમના વ્યક્તિત્વની - પ્રેમની આભાએ અંદરથી આપણને રંગી જ નાખ્યા હોય. રંગોત્સવ એવા ચહેરાઓ અને એવી ધૂળેટીનું પણ સ્મરણ કરાવે છે ત્યારે રંગોત્સવના છાંટણાથી અસ્તિત્વ રંગાઈ જાય છે.