‘આજે ધૂળેટીના પર્વ નિમિત્તે મારો શો છે... હું સરસ મજાની વાતો કરવાનો છું, થોડા પ્રેમપત્રો વાંચવાનો છું અને ઉત્તમ કલાકારો રંગોત્સવના ગીતો ગાવાના છે, તું અને આહના આવજો, મારી વાઈફ અને બીજા ચાર મિત્રો પણ આવે છે. મજા પડશે. ટીકીટોની વ્યવસ્થા કરી લીધી છે.’
તપને એના મિત્ર અભિષેકને ફોનમાં કહ્યું. રાત્રે કાર્યક્રમમાં ગયા પણ જેમ જેમ કાર્યક્રમમાં તપન વાતો કરતો ગયો તેમ તેમ અભિષેક અને આહનાના ચહેરા ઉપર જાણે કેસુડા ખીલ્યા હોય એવા રંગો રાત્રે પણ છવાઈ ગયા હતા. એવું તે શું વર્ણન તપને રંગોત્સવના એ કાર્યક્રમમાં કર્યું કે કાર્યક્રમમાંથી પરત આવીને ગાડીમાં બેસીને અભિષેકે તપનને પાંચ-સાત ધુંબા માર્યા. ને તપન હસતો જ રહ્યો.
વાત એમ હતી કે અભિષેક અને તપન, સાયન્સ કોલેજમાં ભણતા એ સમયે હોસ્ટેલમાં એક જ રૂમમાં સાથે રહ્યા હતા. માસ્ટર્સ ડિગ્રી સુધીના પાંચ વર્ષ અભ્યાસમાં અને ઈત્તરપ્રવૃત્તિમાં બંનેએ બહુ ભાગ લીધા. કોલેજના ગ્રૂપમાં, એમાંયે છોકરીઓમાં એમની લોકપ્રિયતા વધુ. માસ્ટર ડિગ્રી કરતી વખતે અભિષેકનો આહના સાથેનો અને તપનનો રમ્યા સાથેનો પરિચય પ્રેમમાં પરિવર્તન પામ્યો.
કોલેજની પ્રવૃત્તિઓ સિવાય પણ સિનેમા-નાટક-સામાજિક કાર્યક્રમો અને ઉત્સવો માણવામાં બદ્ધાં સાથે જ હોય. એ વખતે અભિષેકને ડાયરી લખવાનો શોખ... શબ્દો સાથે એની દોસ્તી પણ વ્યવસાય નહીં, જ્યારે તપન તો એક રેડિયો સાથે જોડાયો અને પ્રોફેશનલી એક વક્તા-કવિ તરીકે ખુબ નામના પામ્યો. બંનેના લગ્ન પણ ઈચ્છિત પાત્રો સાથે થઈ ગયા. ખુબ સરસ જીવન ગોઠવાતું ગયું. તપનને ત્યાં દીકરી અને અભિષેકને ત્યાં દીકરો જન્મ્યા. એ પણ પ્રાઈમરી સ્કૂલોમાં ભણતા થયા. એવામાં એક દિવસ તપન કોઈ કામે અભિષેકના ઘરે ગયો હતો અને અભિષેકના પુસ્તકોના કબાટમાં સાવ નીચે ખૂણામાં પડેલી પેલી કોલેજ કાળની ડાયરી પર એનું ધ્યાન ગયું. ડાયરી એણે લઈ લીધી. અભિષેકને ખબર ન હતી. એ ઘરે જવા નીકળી ગયો.
ઘરે જઈને નિરાંતે ડાયરી વાંચી. રોજિંદા પ્રસંગો, એની પ્રતિક્રિયા અને લાગણી ઝંકૃત થતા હતા એના શબ્દોમાં. થોડા પાનાં પર રંગોના છાંટણા હતા. પાને પાને આહનાને ધૂળેટીના દિવસે અભિષેકે પહેલી વાર જોઈ અને જે આકર્ષણ થયું ત્યારથી લઈને આજ સુધીની તમામ એટલે કે લગભગ દોઢ દાયકાની, દરેક ધૂળેટીના દિવસની વાતો એમાં લખેલી હતી. આના આધારે તપને એ શોમાં મારા એક મિત્રની ડાયરીના રંગોત્સવના પાનાં વાંચું છું કરીને પત્ર સ્વરૂપે ક્રિએટીવલી આખી વાત રજૂ કરી હતી.
સ્વાભાવિક છે કે બીજા કાલ્પનિક પાત્રોના નામે પોતાની જ જીવનકથા પત્રોમાં રજૂ થતી સાંભળીને અભિષેક રાજી પણ થતો હતો અને તપને ક્યારે અને કયાંથી આ ડાયરી મેળવી એ પણ વિચારતો હતો. આખરે કાર્યક્રમ પૂરો થયે બંનેએ જૂના દિવસો યાદ કર્યાં. લગ્નજીવનની તમામ ધૂળેટીના દિવસોને સુંદર રીતે સંકલિત કર્યાનો આનંદ પણ અનુભવ્યો અને આવતીકાલે ધૂળેટીમાં બધા મિત્રો પાસે ફરી આ પત્રોનું વાચન કરવાનું નક્કી કરી પ્રેમના રંગે સહુ રંગાયા.
•••
આનંદ.... પ્રસન્નતા... પ્રેમ... મસ્તી... મ્યુઝિક અને ધમાલનો તહેવાર એટલે ધૂળેટી. વસંત ઋતુમાં ફાગણ સુદ પૂનમના દિવસે ઊજવાતો આ ઉત્સવ પ્રેમીઓના મન-હૃદયમાં જાણે મેઘધનુષ રચી આપે છે. બહાર રંગોની છાકમછોળમાં અને અંદર પ્રેમના રંગોમાં હૃદય ભીંજાય છે. સ્વજન - પ્રિયજન - મિત્રો સાથે ઉજવાતી ધૂળેટી દાયકાઓ સુધી સ્મરણીય બની રહે છે.
ફાગણનો માદક અને મનમોહક મિજાજ પ્રગટ થાય છે ધૂળેટીના રંગોમાં. નેણ અને વેણ બંનેના દ્વારા પ્રેમ અભિવ્યક્ત થાય છે ધૂળેટીમાં. ધૂળેટી એટલે કોઈને રંગવાના ને પોતે રંગાવાનું, કોઈને ચીતરવાના ને પોતે ચીતરાવાનું, કોઈને ભીંજવવાના ને પોતે ભીંજાવાનું. ધૂળેટી એટલે મલ્ટીકલર લાઈટોના અજવાળામાં મસ્ત થઈને રંગીન થવાનો અવસર.