‘સર, સાચું એ છે કે હું જ આ છોકરાઓ જોડે વાતો કરતો હતો, એટલે સજા તો મને પણ મળવી જોઈએ...’ વિદ્યાર્થીએ ટીચરને કહ્યું અને વિદ્યાર્થીની ઈમાનદારી અનુભવીને ટીચર દંગ રહી ગયા.
આ વાત એક શાળાના વર્ગખંડની છે, જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા. એમના રોજિંદા ક્રમ મુજબ શિક્ષકો આવતા ને ભણાવતા. એક દિવસ એવું થયું કે બે પિરિયડ વચ્ચે કોઈ ગેપ પડ્યો અથવા રિસેસનો સમય હતો. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં વાતોએ વળગ્યા હતા. એ વિદ્યાર્થીઓમાં નરેન્દ્ર નામનો એક વિદ્યાર્થી પણ હતો. સ્વભાવગત લીડરશીપના, આદર્શ વક્તાના ગુણો એનામાં હતા. એ વાતો શરૂ કરે એટલે તેને સાંભળનાર એકચિત્ત થઈને સાંભળ્યા કરે. બધા જાણે ધ્યાનમગ્ન થઈ જાય. અહીં પણ એવું જ થયું.
વિદ્યાર્થી નરેન્દ્રે વાતો શરૂ કરી ને બધા એને સાંભળવામાં લીન. દરમિયાન અચાનક વર્ગખંડમાં શિક્ષક આવ્યા. એમણે એમના સ્થાન પર જઈને પોતાનો જે વિષય હતો એ ભણાવવાનું શરૂ કર્યું. આ તરફ નરેન્દ્રની વાતો સાંભળનાર તમામ વિદ્યાર્થીઓને પણ ખ્યાલ ન રહ્યો કે શિક્ષક આવી ગયા છે અને એમણે ભણાવવાનું શરૂ કરી દીધું છે. તેઓ તો નરેન્દ્રને જ સાંભળતા રહ્યાં. થોડા સમય પછી શિક્ષકનું ધ્યાન ગયું કે થોડા વિદ્યાર્થીઓ આપસ-આપસમાં વાતચીત કરી રહ્યા છે. તેમણે જોરથી કહ્યું, ‘ત્યાં શું ચાલી રહ્યું છે?’ ત્યારે બધાનું ધ્યાન ગયું કે શિક્ષક આવી ગયા છે ને આપણને ખબર નથી રહી. બધા શિક્ષક સામે જઈને ગોઠવાઈ ગયા બેન્ચ પર. શિક્ષકે પૂછ્યુંઃ ‘અત્યારે હમણાં મેં શું વાત કરી? શું જણાવ્યું?’ બધા ચૂપ. કોઈ જવાબ નહીં.
પરંતુ નરેન્દ્ર પોતે વાત કરી રહ્યો હતો ત્યારે સાથોસાથ શિક્ષકે કરેલી વાત પણ એણે સાંભળી હતી. માત્ર સાંભળી હતી એમ નહિ, સમજ્યો પણ હતો. એટલે શિક્ષકે જ્યારે એને પૂછ્યો પેલો સવાલ તો આરંભથી લઈને છેક સુધીની બધી વાતો એણે કહી દીધી. શિક્ષક એનાથી પ્રભાવિત થયા. અન્ય વિદ્યાર્થીઓ પર ગુસ્સે થયા. તેમણે ફરી પૂછ્યું, ‘હું ભણાવતો હતો ત્યારે ત્યારે કોણ વાતો કરતું હતું?’ બધાએ નરેન્દ્ર તરફ ઈશારો કર્યો. પરંતુ શિક્ષકને વિશ્વાસ ન આવ્યો કારણ કે નરેન્દ્ર એ તો જ ભણાવાયું તે બધું ગ્રહણ કર્યું હતું. આખરે શિક્ષકે નરેન્દ્ર સિવાયના તમામ વિદ્યાર્થીને બેન્ચ પર ઊભા રહેવાની સજા કરી. બધા વિદ્યાર્થીઓની સાથે નરેન્દ્ર પણ ઊભો રહ્યો. શિક્ષકે કહ્યું કે, ‘તેં તો સાચો ઉત્તર આપ્યો છે, તું બેસી જા.’ તે સમયે નરેન્દ્રે લેખના આરંભે લખેલું વાક્ય શિક્ષકને કહ્યું હતું અને શિક્ષક તેની ઈમાનદારી જોઈને રાજી થયા હતા.
એ વિદ્યાર્થી નરેન્દ્ર એટલે પછીથી આખી દુનિયાએ જેમને સ્વામી વિવેકાનંદના નામથી ઓળખ્યા તે મહાન વ્યક્તિત્વ.
એમના જીવનનો આવો જ એક બીજો પ્રસંગ પણ યાદ આવે, સ્વામીજીએ એ સમયે અમેરિકામાં ભ્રમણ કરતા હતા. એમણે જોયું કે કેટલાક યુવાનો એક પુલ પર ઊભા છે અને નદીમાં તરી રહેલી વસ્તુ પર નિશાન લગાવી રહ્યા છે. થોડી વાર એમણે જોયું અને નોંધ્યું કે એક પણ યુવાન નિશાનબાજીમાં કુશળ નહોતો. તેઓએ એક યુવાન પાસેથી બંદુક લીધી, નિશાન સાધ્યું. બરાબર લાગ્યું. એક વાર નહિ, દસથી વધુ વાર બરાબર નિશાન લગાવવામાં તેઓ સફળ રહ્યા ત્યાં ઉપસ્થિત યુવાનો નવાઈ પામ્યા ને પૂછ્યું, ‘અરે, તમે આટલું સચોટ નિશાન કેવી રીતે લગાવો છો?’
સ્વામીજીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, ‘એવું છે કે તમે જે કાંઈ પણ કામ કરો, એમાં પોતાનું પૂરેપૂરું દિમાગ કામમાં લગાડો, એ સિવાય બીજી કોઈ જગ્યાએ તન-મન ભટકવું ના જોઈએ. તમે જ્યારે નિશાન લગાવો છો ત્યારે માત્ર ને માત્ર લક્ષ્ય ઉપર જ નજર હોવી જોઈએ. તમે ભણી રહ્યો છો તો માત્ર ભણવા ઉપર જ ધ્યાન આપો, રમી રહ્યા છો તો તેમાં જ ધ્યાન આપો. જ્યારે આવી રીતે કામ કરશો ત્યારે કોઈ દિવસ નિશાન ચૂકશો નહીં. અમારા દેશમાં યુવાનોને આવી તાલીમ અપાય છે.’ આમ કહી સ્વામીજી હસતાં હસતાં ત્યાંથી નીકળી ગયાં.
•••
ભારતના યુવાનો હિંમતવાન બને, સતત કર્મ કરવા પર જાગૃત થાય એ દિશામાં કામ કરનાર સ્વામી વિવેકાનંદ સાચા અર્થમાં આધ્યાત્મિક વ્યક્તિત્વ હતા. સત્ય અને પ્રામાણિકતા સાથે જીવન વીતાવનાર સ્વામીજીના વિચારો આજે પણ એટલા જ પ્રેરક છે ને સદીઓ પછી પણ રહેવાના છે. સ્વામીજીના જીવનપ્રસંગો-વિચારો-પ્રવચનો સાથે આપણે જોડાઈએ ત્યારે સ્વાભાવિક રીતે પ્રેરણાના અજવાળાં રેલાય છે.