તમે ક્યારેય નદીકિનારે જઈને એમાં ધુબાકા માર્યા છે? સ્નાન કરીને એના જળનું આચમન લીધું છે? એમાંથી જાણે બહાર આવતો કે ડૂબતો સૂરજ જોયો છે. ઉપર આકાશમાં ચાંદની કે તારા હોય અને નીચે ધરતી પર સાથે મિત્ર કે પ્રિયજન હોય એવી ક્ષણો માણી છે? ક્યારેય એકલા એકલા નદીકિનારે અશ્રુધારા વહાવી છે? ક્યારેક રેતીમાં કોઈનું નામ લખ્યું છે? ક્યારેક આપણા જ પગલાંની છાપને પાણીના પ્રવાહમાં ભૂંસાતી જોઈ છે?
તમે ક્યારેય નદીકિનારે જઈને એમાં ધુબાકા માર્યા છે? સ્નાન કરીને એના જળનું આચમન લીધું છે? એમાંથી જાણે બહાર આવતો કે ડૂબતો સૂરજ જોયો છે. ઉપર આકાશમાં ચાંદની કે તારા હોય અને નીચે ધરતી પર સાથે મિત્ર કે પ્રિયજન હોય એવી ક્ષણો માણી છે? ક્યારેય એકલા એકલા નદીકિનારે અશ્રુધારા વહાવી છે? ક્યારેક રેતીમાં કોઈનું નામ લખ્યું છે? ક્યારેક આપણા જ પગલાંની છાપને પાણીના પ્રવાહમાં ભૂંસાતી જોઈ છે?
આમાંની ઘણી પરિસ્થિતિમાંથી હું ને તમે પસાર થયા હશું... ન થયા હોઈએ તો પસાર થવા જેવું ખરું!!! આઝાદીના અમૃત મહોત્સવ ઊજવણી નિમિત્તે તાજેતરમાં એક કાર્યક્રમમાં સાબરમતીના કિનારે ભાગ લેવાનું-બોલવાનું થયું અને આ લખવા પ્રેરણા થઈ.
નદી સાથેનો આપણો સંબંધ પ્રાચીન રહ્યો છે. નદી આપણને અનેક પ્રકારે સમૃદ્ધ કરે છે. નદી આપણને ગીત-સંગીત-નૃત્ય થકી પ્રેમ અને પ્રસન્નતા આપે છે. શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે એ મુજબ જે આંખો ભગવાનને યાદ કરાવનાર નદીના દર્શન ન કરે એ આંખો નિરર્થક છે. નદીમાં સ્નાનથી-દર્શનથી-એના જળના આચમનથી તો ઠીક એના સ્મરણથી પણ પવિત્રતાનો અનુભવ થાય છે. પાપનાશિની-મોક્ષદાયિની અને પુણ્યસલીલા ગણાય છે નદીઓ.
નદીના આપણા પર અનેક ઉપકારો છે એમાં સૌથી પહેલાં આર્થિક ઉપકારોની વાત કરીએ તો નદીના જળનો પીવામાં, ઘરવપરાશમાં, ખેતીમાં, ઉદ્યોગોમાં, જળપરિવહનમાં અને પ્રવાસનમાં મહત્ત્વપૂર્ણ ઉપયોગ થાય છે. અનેક જળચરો એમાં રહે છે. નદીના કિનારે કિનારે જ અનેક તીર્થધામો અને આધ્યાત્મિક આશ્રમો આવેલા છે.
નદીના ધાર્મિક-આધ્યાત્મિક મૂલ્યોની વાત આગળ ચલાવીએ તો નદીના કાંઠે-મેદાનોમાં કુંભ સહિતના અનેક ધાર્મિક મેળાઓ યોજાય છે. નદીના કારણે એ સ્થળે આવેલા મંદિરોમાં ભક્તો-સેવા-પૂજા-અભિષેક-જપ-તપ કરતા રહે છે. નદી શાંતિ આપે છે અને ભક્તિ પણ આપે છે. નદીના જળમાં પવિત્રતા છે અને એથી જ એનું આચમન લેવાય છે. ગંગાના જળમાં રહેલા વિશેષ તત્વના કારણે એ જળ તો બગડતું પણ નથી.
નદી વરસાદી જળનો સંગ્રહ કરે છે, જળને બાકીના ભૂ-ભાગ પર પહોંચાડે છે અને તેમાં રહેલા ગંદા કચરાને દૂર પણ કરે છે. મૂળ સંસ્કૃત શબ્દ નદ્ય પરથી બનેલા નદી શબ્દનો પર્યાયવાચી શબ્દ સરિતા પણ છે. કેટલીક નદી વરસાદી હોય છે અને કેટલીક બારમાસી હોય છે.
આપણે નદીકિનારે ચાલવા જઈએ, સામાજિક - ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ, ક્યાંક તો વળી અંતિમક્રિયા પણ થાય. નદીકિનારે મેળાઓ પણ ભરાય, આમ આવા પ્રસંગોએ માનવમેદની એકત્રિત થાય અને પરિણામે ત્યાં કિનારે અને જળમાં ગંદકી સર્જાય. આપણે નદીઓને બહુ દૂષિત કરી છે. કારખાનાંઓના પ્રદૂષિત પાણી પણ નદીઓમાં વહ્યા છે અને કચરો પણ ભળ્યો છે. હવે સમય છે જાગૃત થવાનો. ગંગાશુદ્ધિ અભિયાન જેમ જ પ્રત્યેક નદીના શુદ્ધિકરણનો સંકલ્પ એની આસપાસના લોકો લે એ સમયની માંગ છે. નદીને પવિત્ર માનનારા દેશમાં નદીઓને પ્રદૂષિત કરવાની માનસિકતા કેવી લાગે? સ્વયં નદીઓને સ્વચ્છ રાખવામાં જોડાઈએ - સ્વચ્છતાનો મંત્ર અપનાવીએ. થોડી જાગૃતતા બતાવીએ, નદીઓના જળને પ્રદૂષિત થવાની બચાવીએ.
નદીઓના કિનારે જ મોટા ભાગે સંસ્કૃતિ વિક્સી છે. મહાનગરો વિક્સિત થયા છે. નદીઓના જળ માત્ર કૃષિના પાક જ ઉગાડે છે એવું નથી, એ સંસ્કારી પ્રજાને પણ ઉગાડે છે. ઋષિઓ-તપસ્વીઓ માટે તપસ્થલી બની છે નદીઓ અને તેના કિનારા. નદીઓ જીવન આપે - નદીઓ સમૃદ્ધિ આપે અને નદીઓ સંસ્કૃતિ પણ આપે.
વિશ્વની - ભારતની અને ગુજરાતની જાણીતી અનેક નદીઓના નામ આ પળે યાદ આવે, પરંતુ એની સાથે સાથે મારાને તમારા ગામ કે શહેરની આસપાસની નદીઓનું પણ સ્મરણ કરીએ, એના કિનારે પરિવાર સાથે થોડો સમય વીતાવીએ, ત્યાં સ્વચ્છતા જળવાય એનો પ્રયાસ કરીએ, ક્યારેક ઘરેથી સાથે લઈને ગયેલા દીવડાંથી એની આરતી ઉતારીએ... આવું થશે ત્યારે એ દીવડાના અજવાળાં રેલાશે અને આપણી લોકમાતાની આરતીના ઘંટારવમાં હૃદયનો આનંદ અને અજવાળાં ભળશે.