સરસ્વતી મહાભાગે વિદ્યે કમલલોચને,
વિદ્યારૂપે વિશાલાક્ષિ, વિદ્યાં દેહિ નમોસ્તુતે
હે મહાભાગ્યવતી, જ્ઞાન સ્વરૂપા, કમળસમાન વિશાળ નેત્રોવાળી, જ્ઞાનદાત્રી સરસ્વતી, મને વિદ્યા આપો, હું આપને પ્રણામ કરું છું. આમ કહીને વસંતપંચમીના શુભ અવસરે યોજાયેલા વિશેષ સંગીત કાર્યક્રમનો ઉઘાડ કર્યો અને શ્રોતાઓ સમક્ષ એક પછી એક ગીતો રજૂ થતા ગયા. જેમાં વસંતપંચમીનું, મા સરસ્વતીના મહિમાનું, વસંત ઋતુના આગમનના ભાવનું સૂર-શબ્દનું વાતાવરણ હોય.
ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિક તહેવાર છે વસંત પંચમી. વસંત ઋતુનો આરંભ નથી થતો પરંતુ વાતાવરણમાં પ્રાકૃતિક અનુભૂતિમાં જાણે વસંત ટકોરા દે છે આ દિવસથી. ઠંડી ઓછી થાય અને ગરમી વધતી જાય. રાત ટૂંકી અને દિવસ લાંબો થતો જાય. સંગીત, સાહિત્ય, કળાના વિવિધ સ્વરૂપો સાથે જોડાયેલા કાર્યક્રમોની સંખ્યા વધતી જાય, આંખોને ગમે, મનને શાતા આપે, તન-મનમાં ઊર્જા-ઉલ્લાસ-ઉત્સવનું વાતવરણ સર્જાય.
શ્રોતાઓને સંબોધીને કહ્યું, ‘તમે યાદ કરો તમારી વસંત પંચમીની ઊજવણી..’ ત્યારે મને પણ યાદ આવી ગઈ અમે ઊજવેલી કેટલીય વસંત પંચમી. અસ્તિત્વના અણુ અણુમાં ગુંજારવ કરવા માંડ્યું એ ગીત જે મને અતિ પ્રિય છે. કવિ ઉમાશંકર જોષી અને સ્વરકાર અજિત શેઠનું એ સર્જન...
કોકિલ પંચમ બોલ બોલો,
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શા અડપલાં,
ઊઘડ્યાં લતાઓનાં યૌવનના સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુ ઝોલો
કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
વસંત પંચમી એટલે કળાની દેવી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ ગણાય છે.
તીથલ શાંતિનિકેતન આશ્રમમાં અને હવે શાંતિધામમાં 1990ના સમયથી પૂજ્ય જિનચંદ્રજી મહારાજ (બંધુ ત્રિપુટી)ના સાનિધ્યમાં પરિવાર સાથે નિયમિતરૂપે સરસ્વતી આરાધના-સાધના કરવાનો અવસર મળતો રહ્યો છે એ મારું સદ્ભાગ્ય છે.
મા સરસ્વતીની આરાધના આત્મજ્ઞાન તરફ દોરી જાય છે. વાણીમાં શુદ્ધતા આપે છે મા સરસ્વતી. જેમાં સત્ય, નીતિમત્તા, પ્રામાણિકતા અને આપણી સંસ્કૃતિનું, વિરાસતનું મહિમા ગાન હોય એવી વાણી મા સરસ્વતીનું વરદાન છે. મમતામયી, કરુણામયી, પ્રેમમયી વાણીમાં વહે છે મા સરસ્વતીની વંદના.
જ્ઞાન, સંગીત, બુદ્ધિના દેવી છે મા સરસ્વતી. તે સપ્તવિધ સ્વરોનું જ્ઞાન આપે છે. સંગીત, ગીત, કળા દ્વારા આનંદપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપે છે મા સરસ્વતી. સત્વગુણ પ્રતિમાનું સ્વરૂપ છે, વિદ્યાની દેવી છે મા સરસ્વતી.
ફિલ્મ ‘આલાપ’નું માતા સરસ્વતી શારદા ગીત હોય કે જાણીતું ભજન - હે શારદે મા હે શારદે મા હોય... મા સરસ્વતીની વંદના-આરાધના એમાં સમાહિત છે. બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીના શ્લોક-પાઠ-ગીત દ્વારા એનું સ્મરણ કરનારને માની કૃપાની વિશેષ અનુભૂતિ થાય છે.
વસંત પંચમી એટલે વિદ્યાનો સંગ કરનારા કવિઓ, લેખકો, સંગીતકારો વગેરે માટે કોઈ નૂતન સર્જનના, કોઈ નવા ઉપક્રમના આરંભની ક્ષણો, પ્રકૃતિમાંથી પ્રાપ્ત થ્રઈ રહેલા નવીનતાના સંદેશને ઝીલીને નવસર્જનના વધામણાનો ઉત્સવ એટલે વસંત પંચમી.
કાર્યક્રમમાં એક પછી એક થઈ રહેલી શબ્દ-સૂરની પ્રસ્તુતિને શ્રોતાઓ વધાવતા રહ્યા. વાતો કરતી વખતે કોઈ મને જાણે આસપાસ રહીને સુગંધિત કરતું રહ્યું વસંત બનીને. દરેક માણસના જીવનમાં એક ઋતુ તરીકે વસંતનું મહત્ત્વ છે એવી જ રીતે ઉંમરના જુદા જુદા તબક્કે જુદી જુદી વ્યક્તિઓ પણ હોઈ શકે જે વસંત બનીને આવે, આપણને મહેંકાવે, ઝુલાવે અને ઉત્સવમય બનાવે. જેના સ્મરણથી, જેના સામીપ્યથી, જેના શબ્દોથી, જેના આલિંગનથી આપણે પ્રસન્નતા અને પ્રેમની સુગંધથી જાણે છલોછલ છલકાઈ જઈએ.
વસંત પંચમીનો અવસર આવા પ્રિયજનોનો સંગાથે, એમના સ્મરણમાં ઊજવવાનો અવસર છે એમ જ્યારે મંચ પરથી કાર્યક્રમ સમાપન તરફ જતા કહ્યું ત્યારે મને શ્રદ્ધા હતી કે ઘણા બધા હૈયામાં એમની કોઈ ‘વસંત’ ટકોરા જરૂર દઈ ગઈ હશે. જે શબ્દ પ્રસ્તુત થાય એન જો સ્વયંની અનુભૂતિ હોય તો શબ્દોના-સૂરના અજવાળાં ફેલાય છે. એની પ્રતિતી એ સાંજે થઈ એના મૂળમાં મા સરસ્વતી અને સદગુરૂની કૃપા.